ચીને અમેરિકા સરકારના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગેના કમિશનના ચાર સભ્યો પર મંગળવારે પ્રતિબંધો લાદ્યા હતા. ચીનના ઉત્તરપશ્ચિમ શીનજિંયાગ પ્રાંતમાં દુરવ્યવહારની ફરિયાદના મુદ્દે ચીનના અધિકારીઓ પર અમેરિકાએ પેનલ્ટી ફટકાર્યા બાદ ચીને આ વળતો હુમલો કર્યો છે.

ચીન અને અમેરિકાના એકબીજા સામેના આવા પ્રતિબંધોથી બંને દેશો વચ્ચે તંગદિલીમાં વધારો થયો હતો. વોશિંગ્ટન શીનજિયાંગ પ્રાંતમાં બળજબરી મજૂરીના આરોપ હેઠળ આ પ્રાંતમાંથી આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાના એક્ટિવિસ્ટ્સ બેઇજિંગમાં ફેબ્રુઆરીમાં યોજાનારા વિન્ટર ઓલિમ્પિક્સનો બહિષ્કાર કરવાની પણ માગણી કરી રહ્યાં છે.
ચીને દુરવ્યવહારના આરોપનો ઇનકાર કર્યો છે તથા વિદેશી પગરખા અને કપડાની બ્રાન્ડનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. ચીનના પ્રતિબંધ મુજબ અમેરિકાના કમિશનના અધ્યક્ષ અને ત્રણ સભ્યો ચીન, હોંગકોંગ અને મકાઉની મુલાકાત લઈ શકશે નહીં અને ચીનમાં રહેલી તેમની મિલકત જપ્ત કરશે, એમ ચીનના વિેદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું.

અમેરિકાએ 10 ડિસેમ્બરે ઉગર મુસ્લિમો પરના અત્યાચારના આરોપી ગણાતા ચીનના બે અધિકારીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. ચીન આ વિસ્તારની લઘુમતી પર અત્યાચાર કરતું હોવાનો વારંવાર આક્ષેપ થઈ રહી છે. અમેરિકાના નાણા મંત્રાલયે 2018થી આ વર્ષના પ્રારંભ સુધી વિસ્તારની સરકારના ચેરમેન શોહરત ઝાકીર અને હાલના ચેરમેન ઇર્કેન ટુનિયાઝ સામે આ પગલાં લીધા હતા. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમેરિકાએ આ પ્રતિબંધો ઉઠાવી લેવા જોઇએ અને શિનજિંયાગની બાબતો અને ચીનની આંતરિક બાબતોમાં દખલગીરી કરવી જોઇએ નહીં. ચીન ગતિવિધિ મુજબ વધુ પ્રતિક્રિયા આપશે.