ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, ભારતના પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ANI Photo)

ચીનને મોટો ફટકો પડી શકે તેવી એક હિલચાલમાં ઇટાલીએ ચીનના મહત્ત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆરઆઇ)માંથી નીકળી જવાનો મોટો નિર્ણય કર્યો છે. ભારતમાં જી-20 સમીટ દરમિયાન ચીનના વડાપ્રધાન લી ક્વિઆંગ સાથેની બેઠકમાં ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ આ અંગેની માહિતી આપી હતી. ચીની પીએમએ ઇટાલીને સમજાવવાના છેલ્લી ઘડી સુધીના પ્રયાસ કર્યા હતાં. ભારતને મધ્યપૂર્વ અને યુરોપ સાથે જોડતા રેલ એન્ડ શિપિંગ કોરિડોરની જાહેરાત થઈ છે ત્યારે ઇટાલીએ આ નિર્ણય કર્યો હોવાથી તેનું વિશેષ મહત્ત્વ છે.

ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે બેઇજિંગમાં બેલ્ટ એન્ડ રોડના ત્રીજા ફોરમ માટે વૈશ્વિક નેતાઓની યજમાની કરી તેના થોડા સપ્તાહોમાં ઇટાલીએ આ જાહેરાત કરી છે. આ અંગે બેઇજિંગના વળતા પગલાંનો સામનો ન કરવો પડે તે માટે ઇટાલીએ ચીન સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરારને પુનર્જીવિત કરવાની યોજના બનાવી છે. આ સમજૂતી પર સૌ પ્રથમ 2004માં હસ્તાક્ષર થયાં હતાં.

BRI પર હસ્તાક્ષર કરનાર ઇટાલી એકમાત્ર G7 રાષ્ટ્ર હતું. ચીનનો મહત્ત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ ચીનને પશ્ચિમ દેશો સાથે જોડે છે. તે જૂના સિલ્ક રોડ પર આધારિત વૈશ્વિક વેપાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ છે.

ઇટાલીએ ચીનને જણાવ્યું છે કે તેને અમેરિકાના દબાણ હેઠળ આ નિર્ણય કર્યો નથી. આ મહિનાની શરૂઆતમાં  ઇટાલીના વિદેશ પ્રધાન એન્ટોનિયો તાજાનીએ કહ્યું હતું કે ચીન સાથેનો BRI સોદો ઇટાલિયન અપેક્ષાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયો છે. ઇટાલિયન સંરક્ષણ પ્રધાન ગિડો ક્રોસેટોએ તાજેતરમાં BRIમાં જોડાવાના નિર્ણયને અત્યાચારી કૃત્ય ગણાવ્યું હતું. પીએમ મેલોની પોતે પણ ઘણીવાર કહી ચુક્યાં છે કે આ સોદો એક મોટી ભૂલ હતી, જેને તેઓ સુધારવા માંગે છે. આ સોદો માર્ચ 2024માં આપમેળે રિન્યૂ થવાનો છે.

આ પ્રોજેક્ટથી ઘણા દેશો દેવાદાર બન્યાં છે અને નવા રોકાણમાં ઘટાડો થયો છે ત્યારે જિનપિંગ પ્રોજેક્ટને ફરી વેગવંતો બનાવવા માગે છે. આવા સમયે ઇટાલીએ આ જાહેરાત કરી છે. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં સામેલ ઇટલી સહિતના ઘણી દેશો ચીન સાથેની વેપાર ખાધમાં તીવ્ર વધારાનો સામનો કરી રહ્યાં છે. બીઆરઆઇ સાથે ઇટલી રોકાણ આકર્ષવા અને ચીનના વિશાળ બજારનો લાભ લેવા માગતું હતું. પરંતુ તેનાથી ઇટાલી-ચીન વચ્ચેના આર્થિક સંબંધોમાં કોઇ ફેરફાર થયો નથી. ઇટાલી BRIમાં જોડાયું ત્યારથી ચીનમાં તેની નિકાસ 14.5 બિલિયન યુરોથી વધીને 18.5 બિલિયન યુરો થઈ થઈ છે, જ્યારે ઈટાલીમાં ચીનની નિકાસ 33.5 બિલિયન યુરોથી વધીને 50.9 બિલિયન યુરો થઈ ગઈ છે. આમ 2022 સુધીના ત્રણ વર્ષમાં ચીન સાથેની વેપાર ખાધ બમણી થઈ છે. BRIથી મોટા લાભ થયા ન હોવાથી અન્ય કેટલાક દેશો ચીન સાથેની તેમની ભાગીદારી પર પુનર્વિચાર કરી રહ્યાં છે.

LEAVE A REPLY

7 + eighteen =