યુકેમાં ચીનના પીએચ.ડીના વિદ્યાર્થીને દુષ્કર્મ આચરવાના વિવિધ કેસમાં ઓછામાં ઓછી 24 વર્ષની આજીવન જેલની સજા ફટકારવામાં આવી હતી. 28 વર્ષીય ઝેનહાઓ ઝૌએ લંડન અને ચીનમાં 10 મહિલાઓને નશાયુક્ત પદાર્થ ખવડાવીને તેમના પર દુષ્કર્મ આચર્યું હતું. તેણે ભોગ બનેલી મહિલાઓના કપડા-સામાનને ટ્રોફી બોક્સ રાખ્યા હતા અને તેણે નવ મહિલાઓ બેભાન થઇ ગયા પછી તેમની સાથેના દુષ્કર્મોનો વિડીયો ઉચાર્યો હતો. આ 10 પીડિતોમાંથી ત્રણની ઓળખ થઈ ગઈ છે. પ્રોસીક્યુટર્સના જણાવ્યા મુજબ, મેટ્રોપોલિટન પોલીસ ડિટેક્ટીવ્ઝને ડર છે કે, આ વિદ્યાર્થી ડઝનબંધ વધુ મહિલાઓને તેનો શિકાર બનાવી શકે છે. ગત ગુરુવારે ઇનર લંડન ક્રાઉન કોર્ટમાં ઝૌને સજા સંભળાવતા ન્યાયમૂર્તિ રોસિના કોટેજએ તેને જણાવ્યું હતું કે, તે પેરોલ પર છુટવા માટે યોગ્ય ઠરે તે અગાઉ તેણે 22 વર્ષ અને 227 દિવસની જેલની સજા ભોગવવી પડશે, જેમાં રીમાન્ડ પર વિતાવેલા સમયને ધ્યાનમાં લેવામાં આવશે. ન્યાયમૂર્તિએ કહ્યું કે, આરોપી એક ‘ખૂબ જ હોંશિયાર યુવક’ છે, જેણે પોતે એક “સેક્સ્યુઅલ શિકારી” હોવાનું છુપાવવા માટે ચાલાકીથી પોતાના ‘આકર્ષક ચહેરા’નો ઉપયોગ કર્યો હતો. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, ઝૌએ ‘અનેક મહિલાઓ પર દુષ્કર્મ’ કરવાનું આયોજન કરીને તેને અમલમાં મૂક્યું હતું. તેણે મહિલાઓ સાથે ‘ક્રુરતાભર્યુ’ વર્તન કર્યું હતું અને પોતાની મજા માણવા માટે તેમનો ‘સેક્સ રમકડાં’ તરીકે ઉપયોગ કર્યો હતો, જેની મહિલાઓ પર ‘વિનાશક અને લાંબા ગાળાની અસરો’ થઇ હતી. ઝૌ છેલ્લે સાઉથ-ઇસ્ટ લંડનમાં એલિફન્ટ અને કાસલમાં રહેતો હતો. કોર્ટમાં એક મહિના સુધી કેસ ચાલ્યા પછી તેને સપ્ટેમ્બર 2019 અને મે 2023 વચ્ચે લંડનમાં ત્રણ અને ચીનમાં સાત મહિલાઓ પર દુષ્કર્મ કરવાના આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને દુષ્કર્મના 11 ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જેમાં બે ગુના એક પીડિતા સાથે સંકળાયેલા હતા.
