ટેલીગ્રામના સ્થાપક અને સીઇઓ પેવેલ ડુરોવે એક આશ્ચર્યજનક સ્પષ્ટતા કરી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર તેઓ 13.9 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે. તેમણે જાહેરાત કરી હતી કે, તે આ સંપત્તિ તેના 100થી વધુ સંતાનોને આપશે, આ સંતાનો તેના પોતાના હોવાનો તેમણે દાવો કર્યો હતો. ફ્રાંસના લી પોઇન્ટ મેગેઝિનને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં તેમણે પોતાની વારસાગત યોજના અને બિનપરંપરાગત વિગતો જાહેર કરી હતી. ઘણા સમયથી પોતાના રહસ્યમય જાહેર વ્યક્તિત્વ માટે જાણીતા દુરોવે જણાવ્યું હતું કે તેઓ, ત્રણ જુદી જુદી મહિલાઓ થકી છ બાળકોના જૈવિક પિતા છે. જોકે, તેનો વારસો તેનાથી ઘણો મોટો છે. છેલ્લા પંદર વર્ષથી, આ ટેકનોલોજિસ્ટ-બિલિયોનેર તેના શુક્રાણુઓનું દાન કરે છે, જેના દ્વારા 100થી વધુ બાળકોનો જન્મ થયો હતો. તેમણે ઇન્ટરવ્યૂ દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે, ‘હું સ્પષ્ટ કરવા ઇચ્છું છું કે, હું મારા બાળકો વચ્ચે કોઈ ભેદભાવ રાખતો નથી, કેટલાક બાળકો એવા છે જેઓ કુદરતી રીતે જન્મ્યા છે, અને કેટલાક એવા છે જેમનો જન્મ મારા શુક્રાણુના દાનથી થયો હતો. આ તમામ બાળકો મારા છે અને બધાને સમાન અધિકારો મળશે.’ આ જાહેરાતની સાથે દુરોવે વધુમાં કહ્યું હતું કે, ‘મેં તાજેતરમાં જ મારું વસિયતનામું બનાવ્યું છે. મેં નક્કી કર્યું છે કે મારા બાળકોને આજથી શરૂ કરીને ત્રીસ વર્ષ સુધીનો સમયગાળો પૂર્ણ ન થાય ત્યાં સુધી મારી સંપત્તિમાંથી કંઇ પણ મળશે નહીં.’

LEAVE A REPLY