(istockphoto)

અમેરિકાની સિટી બેન્ક ભારતમાં તેનો રિટેલ બેન્કિંગ બિઝનેસ સમેટી લેશે. સિટી ગ્રુપે ગુરુવારે જણાવ્યું હતું કે ગ્રૂપ હવે તેનો બિઝનેસ ઓછો છે તેવા ભારત સહિત 13 દેશોમાં કન્ઝયુમર બેન્કિંગ માર્કેટમાંથી બહાર નીકળી જશે. સીટી ગ્રુપ હવે વેલ્થ મેનેજમેન્ટ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સિટી ગ્રૂપે ઓસ્ટ્રેલિયા, બહેરિન, ચીન, ભારત, ઇન્ડોનેશિયાલ, સાઉથ કોરિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, પોલેન્ડ, રશિયા, તાઇવાન, થાઇલેન્ડ અને વિયેતનામમાં કન્ઝ્યુમર ફ્રેન્ચાઇઝી બંધ કરશે.

ભારતમાં સીટી ગ્રુપની એન્ટ્રી 1902માં થઇ હતી અને તેણે કન્ઝ્યુમર બેન્કિંગ બિઝનેસ 1985માં શરુ કર્યો હતો. દેશમાં સિટીબેંકની લગભગ 35 શાખાઓ છે. તેમાં લખનૌ, અમદાવાદ, ઔરંગાબાદ, બેંગલુરુ, ચંદીગઢ ,ફરીદાબાદ, ગુરુગ્રામ, જયપુર, કોચી, કોલકાતા, મુંબઇ, નાગપુર, નાસિક, નવી દિલ્હી, પુણે, હૈદરાબાદ અને સુરત જેવા શહેરોની શાખાઓ સામેલ છે. કન્ઝ્યુમર બિઝનેસ બેન્કિંગમાં તેના આશરે 4000 લોકો કામ કરે છે હવે આ તમામ લોકોની નોકરી પર ખતરો ઉભો થયો છે. બેંકના દેશમાં લગભગ 25 લાખ ગ્રાહકો છે.

કંપનીના સીઈઓ જેન ફેઝરે જણાવ્યું હતું કે તે કંપનીની રણનીતિ સમીક્ષાનો હિસ્સો છે. જોકે સિટી ગ્રુપ સિંગાપોર, હોંગકોંગ, લંડન અને યુએઈમાં બેન્કિંગ બિઝનેસ ચાલુ રાખશે, જ્યારે ચીન, ભારત અને અન્ય 11 રિટેલ બજારોમાં બિઝનેસ બંધ કરશે. ભારતમાં બેન્કિંગ ક્ષેત્રે રહેલા નિયમોને કારણે કંપનીએ આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. બેન્ક એક્ઝિટ કરી રહી છે તેવા એશિયન બજારોમાંથી કંપનીને ગ્લોબલ કન્ઝ્યુમર બેન્કિંગ બિઝનેસમાં 6.5 બિલિયન ડોલરની આવક થઈ હતી.