Sabarmati Riverfront in Ahmedabad
અમદાવાદ સાબરમતી રિકવફ્રન્ટ (istockphoto.com)

અમદાવાદમાં ન્યૂ યોર્ક શહેરના વોશિંગ્ટન સ્ક્વેર પાર્ક જેવા આઇકોનિક સિટી સ્ક્વેરનું નિર્માણ કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરેલા શહેરના રૂ.10,801 કરોડના ડ્રાફ્ટ બજેટમાં આ દરખાસ્તની જાહેરાત કરી હતી.

૨૦૨૪-૨૫નાં વર્ષ માટેનાં ડ્રાફ્ટ બજેટમાં જણાવાયુ છે કે સિંધુભવન રોડ ઉપર ૧૨૫ કરોડના ખર્ચે સિટી સ્કવેર ડેવલપ કરાશે, જ્યાં ૧૨૫ મીટર ઉંચાઇ ધરાવતાં કોર ટાવરનુ નિર્માણ કરાશે. તદઉપરાંત ફૂડ કોર્ટ, સ્કાય લાઇટ્સ, એમ્ફી થિયેટર, સિટીંગ ડેક્સ, વોટર ફાઉન્ટેન, સેન્ટ્રલ કોર્ટ, પ્લાન્ટેશન સહિતની સુવિધા ઊભી કરાશે.

બજેટમાં શહેરીજનોની સુવિધા માટે વધુ ૧૦ કોમ્યુનિટી હોલ, બે ઓડિટોરીયમ બનાવવાની જોગવાઇ સાથે જયશંકર સુંદરી હોલ અને મંગલ પાંડે હોલનુ રિનોવેશન કરાશે, જેના માટે ૪૫ કરોડનાં ખર્ચનો અંદાજ મુકાયો છે. શહેરનાં ૧૦ સ્નાનાગારને ૮૦ કરોડનાં ખર્ચે નવીનીકરણ કરાશે.

જાહેર માર્ગો ઉપર લોકોને પબ્લિક ટોયલેટની સુવિધા સાથે મ્યુનિસિપલને આવક થાય તેવા હેતુથી કોમર્શિયલ ટોયલેટ કોમ્પ્લેકસ, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ટોયલેટની સુવિધા તથા ફર્સ્ટ ફ્લોર ઉપર કોમર્શિયલ ઉપયોગ કરી શકાય તેવો પીપીપી ધોરણે પ્રોજેક્ટ હાથ ધરવાની જોગવાઇ છે. ગરીબ બાળકો માટે ૩૨.૫૫ કરોડનાં ખર્ચે નવી ૧૮ પ્રાથમિક શાળાઓ બનાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. ઘરવિહોણા નાગરિકો માટે  ગોતા અને સરખેજ વોર્ડમાં બે આશ્રયગૃહ બનાવવાનુ અને વર્કિંગ વુમન માટે એક હોસ્ટેલ અને મહિલાઓ માટે અલાયદા ૭ જીમ્નેશિયમ બનાવવાની દરખાસ્ત કરાઈ હતી. જમાલપુર જેવા ગીચ વિસ્તારમાં આવેલાં શાકમાર્કેટને ઓર્ગેનાઇઝડ વેજીટેબલ માર્કેટ (સિટી માર્કેટ પ્લેસ) તરીકે ડેવલપ કરાશે.

શહેરના ૧૧ અર્બન હેલ્થ સેન્ટરનુ નવીનીકરણ કરવામાં આવશે અને ચાંદલોડિયા, ભાડજ તથા નિકોલમાં ૩ અર્બન હેલ્થ સેન્ટરનુ તથા લાંભા અને મક્તમપુરા સીએચસીનુ નિર્માણ કરવામાં આવશે.

 

LEAVE A REPLY

17 + thirteen =