પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતું મ્યુકરમાઈકોસિસ અથવા બ્લેક ફંગસના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના દરરોજ 30ની વધુ સર્જરી કરવામાં આવી રહી છે. રાજકોટમાં મ્યુકરમાઇકોસિસના 500, વડોદરામાં 185 તેમજ સુરતમાં 170 દર્દીઓ દાખલ છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના ઓપરેશન માટે દર્દીઓનું વેઇટિંગ ચાલે છે. 125 જેટલા દર્દીઓનું ઓપરેશન માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. દરરોજના 25 થી 30 ઓપરેશન કરવામાં આવે છે. અત્યાર સુધી સિવિલમા 625 દર્દીઓમાંથી 210 દર્દીઓની સર્જરી કરાઇ છે.

દર્દીઓની સંખ્યામાં વધારાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્લેક ફંગસના દર્દીઓ માટે નવો વોર્ડ ચાલુ કરવામાં આવ્યા બાદ કુલ નવ વોર્ડ કાર્યરત કરાયા છે. બ્લેક ફંગસની સારવારમાં વપરાતી દવાની પણ ભારે અછત ઊભી થઈ છે. રવિવારની સાંજ સુધીમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 545 દર્દી હતા, જ્યારે મ્યુકરમાઇકોસિસના 412 દર્દીઓ હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર બીજી હોસ્પિટલમાં સર્જરી કરાવનારા ઘણા દર્દીઓ મેડિસિન મળવાની આશાએ સિવિલમાં દાખલ થઈ રહ્યાં છે. તેથી બેડ ખૂટી પડ્યા છે. મ્યુકોરની દરરોજ 30 સર્જરી કરવામાં આવતી હોવાથી ઓપરેશન થિયેટર પણ ઓછા પડી રહ્યા છે.