શ્રીનગર સોમવારે બરફની ચાદરમાં ઢંકાઈ ગયું હતું. (ANI PHOTO)

જમ્મુ-કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં સતત હિમવર્ષાના પગલે સમગ્ર ઉત્તર ભારતમાં 18થી 20 ડિસેમ્બર સુધી સતત ત્રણ દિવસ હાડ થીજવતી ઠંડી પડી હતી. તેનાથી આવેલી કોલ્ડવેવમાં ગુજરાતના લોકો પણ ઠંડીમાં ઠુંઠવાયા હતા. રવિવાર, 19 ડિસેમ્બરે ગુજરાતમાં નલિયા 2.5 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર બન્યું હતું. હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયેલી કોલ્ડ વેવની આગાહી પ્રમાણે ત્રણ દિવસ ગાત્રો થીજવતી ઠંડી પડી હતી. હવામાન વિભાગ દ્વારા નવજાત બાળકો, સગર્ભા મહિલાઓ, ઘરડા લોકોનું ઠંડીમાં ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી હતી.

ગુજરાત કાતિલ ઠંડીની ઝપેટમાં, નલિયા ૨.૫ ડિગ્રી સાથે ઠંડુગાર

રવિવાર, 19 ડિસેમ્બરે ગુજરાતમાં નલિયા 2.5 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર બન્યું હતું. નલિયામાં સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૯ ડિગ્રીનો ઘટાડો થયો હતો. ગત વર્ષે પણ ૧૮ ડિસેમ્બરે ૨.૫ ડિગ્રી સાથે નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. કચ્છમાં હજુ આગામી બે દિવસ કોલ્ડવેવને પગલે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં બે દિવસ કોલ્ડ વેવની અસર રહેવાની આગાહી કરવામાં આવી હતી. છેલ્લાં 10 વર્ષના આંકડા જોતા રાજ્યમાં 15થી 28 ડિસેમ્બર દરમિયાન ઠંડીનું જોર જોવા મળ્યું છે. સોમવારે અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભૂજ, ડીસા જેવા શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે ગયો હતો.

અમદાવાદમાં 11.2 ડિગ્રી

અમદાવાદમાં રવિવારની રાત્રિએ ૧૧.૨ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. સૂસવાટાભર્યા ઠંડા પવનથી લોકો ઠુંઠવાયા હતા. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ દરમિયાન સરેરાશ લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, ૨૩ ડિસેમ્બરથી ઠંડીમાં સાધારણ ઘટાડો થવાની ધારણા હતા. અમદાવાદમાં છેલ્લા ૧૦ વર્ષથી ડિસેમ્બરમાં કમસેકમ એકવાર લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે ગયો છે. જેમાં ગત વર્ષે ૨૮ ડિસેમ્બરે ૮.૩ ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોધાયું હતું.

માઉન્ટ આબુમાં માઇનસ એક ડિગ્રી

માઉન્ટ આબુમાં રવિવારે તાપમાન માઈનસ 1 ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય રાજસ્થાનના અન્ય ભાગોમાં પણ ઠંડીનું જોર દેખાયું હતું. માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડ પર તાપમાન માઈનસ 1 ડિગ્રી થવાથી બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ હતી. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ધસારો વધારે રહે છે.

રાજસ્થાનના ચાર જિલ્લામાં શૂન્યથી નીચે

બીજી તરફ ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ શીતલહેર આવી હતી. રાજસ્થાનના ફતેહપુરમાં તાપમાન માઇનસ 4.7 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ચુરૂમાં માઇનસ 2.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. રાજસ્થાનના પાંચ જિલ્લામાં ઝીરોથી નીચે તાપમાન નોંધાયું હતું. રાજસ્થાન ઉપરાંત હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં કોલ્ડ વેવને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

કાશ્મીરના પહેલગામમાં માઇનસ 8.7 ડિગ્રી

કાશ્મીર અને રાજસ્થાન સહિતના ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં તાપમાન ઘણુ જ નીચે પહોંચી ગયું હતું, જેને પગલે લોકો ઠંડીમાં ઠુંઠવાઇ ગયા હતા. કાશ્મીરના પહલગામમાં તાપમાન માઇનસ 8.7 ડિગ્રીએ પહોંચી ગયું હતું જ્યારે શ્રીનગરનું તાપમાન માઇનસ 6 ડિગ્રી નોંધાયું હતું. ગુલમર્ગ પણ માઇનસ 7.5 ડીગ્રી તાપમાન સાથે થીજી ગયું હતું.

ઉત્તરભારતમાં શીતલહેર

રવિવાર 19 ડિસેમ્બરે દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, ઉત્તરાખંડ, હિમાચપ્રદેશમાં કોલ્ડ વેવનું મોજુ ફરી વળ્યું હતું. દિલ્હીના સફદરગંજ વિસ્તારમાં તાપમાન 4.6 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તરાખંડમાં વાદળ છવાયુ વાતાવરણ રહ્યું હતું. જ્યારે પંજાબના અમૃતસરમાં માઇનસ 0.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચંડીગઢમાં તાપમાન 3.2 ડિગ્રીએ પહોંચી ગયું હતું. હરિયાણાના સિરસામાં તાપમાન 0.6 ડિગ્રી નોંધાતા રાજ્યનો સૌથી ઠંડો પ્રદેશ રહ્યું હતું.  ઉત્તર-પશ્ચિમમાં જમ્મુ કાશ્મીર સૌથી ઠંડુ રાજ્ય સાબિત થયું હતું. કાશ્મીરમાં મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્યની નીચે પહોંચી ગયું હતું. અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ તરીકે જાણીતા પહલગામમાં કાશ્મીરનુ સૌથી નીચુ માઇનસ 8.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કાશ્મીરમાં હિમવર્ષા પણ થઇ રહી છે જેને પગલે જનજીવન પર તેની માઠી અસર પડી રહી હતી.