Baroness Scotland of Astha (Photo by Carl Court/Getty Images)

એક્સક્લુસીવ

  • સરવર આલમ દ્વારા

કોમનવેલ્થના સેક્રેટરી-જનરલ પેટ્રિશિયા સ્કોટલેન્ડને આપોઆપ બીજી ટર્મ મેળવતાં અટકાવવાની કોશિશ કરવા બદલ બ્રિટનના વરિષ્ઠ સંસદસભ્યોએ યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પર ‘કોલોનિયલિઝમ અને બીજા સામ્રાજ્યના એજન્ડાને આગળ વધારવાનો’ આરોપ લગાવ્યો છે. ગરવી ગુજરાતે જોયેલા ગુપ્ત દસ્તાવેજો દર્શાવે છે કે બોરિસ જ્હોન્સનની સરકાર સેક્રેટરી જનરલની ક્ષમતાને ઓછી આંકી સ્કોટલેન્ડ સામે ઉમેદવારી કરવા માટે કોઇને શોધવાની સખત કોશિશ કરી રહી છે. જો કે, હજી સુધી કોઈ અન્ય ઉમેદવાર આ રેસમાં પ્રવેશ્યો નથી.

કોમનવેલ્થના અંદરના સુત્રોએ કહ્યું હતું કે ‘’જ્હોન્સને ઉમેદવારોને આગળ આવવાની કોઇ તારીખ નક્કી કરી નથી. તેથી તેઓ દાવો કરી રહ્યા છે કે સરકારના વડાઓમાં કોઈ સહમતિ નથી. રાષ્ટ્રમંડળના 70 વર્ષના ઇતિહાસમાં કોઈ અન્ય સચિવ-જનરલને આ પદ પર રાખવામાં આવ્યા નથી.” યુકેના એક વરિષ્ઠ સંસદસભ્યએ સરકારને આ પગલા પાછળની ‘ઓપ્ટિક્સ’ જોવાની વિનંતી કરી હતી.

ભારત સ્થિત કોમનવેલ્થ નિષ્ણાંતે ગરવી ગુજરાતને કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એડમિનિસ્ટ્રેશનને બેરોનેસ સ્કોટલેન્ડ પસંદ છે. ગરવી ગુજરાતે ભારતના વિદેશ મંત્રાલયનો એક ગોપનીય મેમો જોયો છે જે તેમનો અભિગમ દર્શાવે છે.

જો કે, નંબર 10ની નજીકના સ્ત્રોતે જણાવ્યું હતું કે ‘’જ્હોન્સન બીજા એમ્પાયર કે કોલોનીયલ એજન્ડાને પ્રોત્સાહન આપતા નથી. આ બધું વેપાર વિશે છે. બ્રિટનને ઇયુ છોડ્યા પછી કોમનવેલ્થની જરૂર છે. પેટ્રિશિયા જાણે છે કે યુકે મુશ્કેલીમાં છે અને તે બોરિસને મદદ કરી શકે છે, પરંતુ તેઓ નાના દેશોને વળગી રહે છે. વળી તેઓ લેબર પક્ષ તરફથી છે જે નંબર 10 અને ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસને પસંદ નથી. તેઓ માત્ર વેપાર ઇચ્છે છે અને ખાસ કરીને ભારત સાથે.”

લીક થયેલા મેમોમાં એક અધિકારીએ લખ્યું હતું કે “COVID-19 પર નેતાઓની બેઠકનો વિરોધ કર્યા પછી, યુકેએ લંડન સ્થિત કોમનવેલ્થ હાઈ કમિશનરો માટે COVID-19 બેઠક યોજવાનું નક્કી કર્યું હતું. પણ આ બેઠકમાં કોમનવેલ્થ સેક્રેટરીયેટને જ આમંત્રણ અપાયું ન હતું. સેક્રેટરીયેટ અને કોમનવેલ્થ સેક્રેટરી-જનરલને બાજુ પર મૂકવાનો આ ઇરાદાપૂર્વકનો પ્રયાસ હતો.”

યુકેના વડા પ્રધાન ચાહે છે કે કોમનવેલ્થમાં કોવિડ સંબંધિત જે કાંઇ કામ થાય તે તેમની સરકારની નજર હેઠળ થાય. 23 એપ્રિલે જ્હોન્સને કોમનવેલ્થના વડાઓને લખેલા પત્રમાં પણ લખ્યું હતું કે “જો તમે ઈચ્છો, તો કૃપા કરીને મને લખો અથવા અમારા કૉમનવેલ્થ એન્વોય ફિલિપ પરહમને જણાવો.”

કોમનવેલ્થના સુત્રોએ કહ્યું હતું કે “આ અપરાધકારક છે. તમે ક્યારેય, સચિવાલય અથવા સેક્રેટરી-જનરલને લૂપમાંથી કાપી શકો નહીં.” કેરેબિયનના ચાર રાષ્ટ્રપતિઓએ પણ જ્હોન્સનને સ્કોટલેન્ડની નિમણૂક કરવા વિનંતી કરી હતી.

બાર્બાડોસના વડા પ્રધાન, મિયા એમોર મોટલીએ તેમની નારાજગી સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે “એવું લાગે છે કે આ અનિવાર્ય નિર્ણય કોમનવેલ્થની કામગીરી ચલાવવાની રીતમાં થોડો અવરોધ ઉભો કરશે. કોમનવેલ્થ જેવી અગત્યની સંસ્થા આવા નિર્ણાયક સમયે વિશ્વ સમક્ષ અનિશ્ચિતતા જેવુ ચિત્ર રજૂ કરે તે અવિશ્વસનીય છે.”

તા. 8 જૂનના રોજ કોમનવેલ્થ વડાઓને લખેલા એક પત્રમાં વડા પ્રધાન જ્હોન્સને પોતાના નિર્ણયનો બચાવ કરતાં જણાવ્યું હતું કે “મુલતવી રાખેલી ચોગમ બેઠક કિગાલીમાં નહીં મળે ત્યાં સુધી સેક્રેટરી-જનરલની તાત્કાલિક ફરીથી નિમણૂક માટે સહમતી નથી.”

એક આક્ષેપ એવો છે કે સ્કોટલેન્ડએ ‘ઉડાઉ ખર્ચ’ કરી પોતાના પરિચીતોને આકર્ષક કોન્ટ્રેક્ટ આપી સેક્રેટરી જનરલની ઓફિસને કલંકિત કરી છે. જો કે તેમણે આરોપો નકાર્યા છે. ફેબ્રુઆરીમાં બાહ્ય ઑડિટરોએ સેક્રેટરીયેટને ફાઇનાન્સીયલ હેલ્થ માટે સ્વચ્છ બિલ આપ્યું હતું અને કેએમપીજી ખાતે બધુ ઓકે છે તેમ જાણ્યા બાદ યુકેએ લગભગ £5 મિલિયનનું દાન આપ્યું હતું.

સેક્રેટરી-જનરલનો કરાર 27 જૂનના રોજ પૂરો થાય છે, જો કે તા 22ના રોજ કોમનવેલ્થ નેતાઓ કિગાલીમાં મળે ત્યાં સુધી તેમાં વધારો કરાશે.

જો કે, બેરોનેસ સ્કોટલેન્ડને તેમના હોદ્દા પરથી દૂર કરવાના સંયુક્ત પ્રયાસોએ યુકેના વરિષ્ઠ સંસદસભ્યોને નારાજ કર્યા છે. તો એકે કહ્યું હતું કે “બોરિસ બ્લેક લાઇવ્સ મેટર કહે છે પણ સેક્રેટરી જનરલના ગળા પર ઢીંચણ મૂકીને તેઓ બતાવી રહ્યા છે કે તે બધુ ર્હેટોરિક છે.”