(Photo by Oli Scarff/Getty Images)

લેબરના શેડો ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી અને એમપી પ્રીત કૌર ગિલે જાહેર કર્યું હતું કે ગયા વર્ષે આત્યંતિક ગરીબીમાં જીવતા બ્રિટીશ આર્મીના 500 કોમનવેલ્થ વેટરન્સને ટેકો આપવામાં સરકાર નિષ્ફળ ગઇ હતી. બ્રિટીશ સશસ્ત્ર દળમાં સેવા આપતા લગભગ 6200 વેટરન્સ કોમનવેલ્થ અથવા ભૂતપૂર્વ કોમનવેલ્થ દેશોમાં સંપૂર્ણ ગરીબીમાં જીવી રહ્યા છે.

2018માં, ગરીબીમાં રહેતા બ્રિટીશ સશસ્ત્ર દળમાં સેવા આપતા કોમનવેલ્થના વેટરન્સને યુકે સરકારે દરરોજ બે વખતનું ભોજન આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. જો કે લેબરના અહેવાલ મુજબ 500 જેટલા વેટરન્સ, વિધવા મહિલાઓ અને વિધુરોને ભોજન મળતુ નથી.

પ્રીત કૌર ગિલે જણાવ્યું હતું કે ‘’આઘાતજનક છે કે યુકે સરકારના સમર્થન વિના આપણા સશસ્ત્ર દળના સભ્યો ભારે ગરીબીમાં જીવી રહ્યા છે. તેમણે આપણા દેશ માટે પોતાના જીવન જોખમમાં મૂક્યા છે જે માટે અમે તેમના ખૂબ ઋણી છીએ. આપણી સરકારે નિવૃત્ત થયેલા લોકો અને તેમના પરિવારોને બચાવવા હમણાં જ પગલું ભરવું જોઈએ અને તેમને તેમને જરૂરી સપોર્ટ પૂરો પાડવો જોઈએ.