બ્રિટનના “અત્યાર સુધીના સૌથી મોટા બેંકિંગ કૌભાંડ”નો માસ્ટરમાઇન્ડ મનાતા શાઇદ લુક્માનની ધરપકડ કરવાના પ્રયાસો છોડી દેવામાં આવ્યા છે કારણ કે તેમ કરવાથી ન્યાય પ્રણાલી પર “વધારાની મુશ્કેલીઓ’’ આવશે.

51 વર્ષનો લુકમાન સસ્પેન્ડ જેલની સજા મળ્યાના માત્ર બે મહિના પછી માંચેસ્ટરથી 2011માં લાખો પાઉન્ડની રોકડ સાથે ભાગી છુટ્યો હતો. તેને ઇલેક્ટ્રોનિક ટેગ લગાવાઇ હોવા છતાં અને તેનો બ્રિટીશ અને પાકિસ્તાની પાસપોર્ટ કબજે કરાયો હોવા છતાં તે એરપોર્ટની સુરક્ષામાં ગાબડુ પાડીને ભાગી છૂટ્યો હતો.

તેણે પાકિસ્તાનના લાહોરમાં એક શોપિંગ સેન્ટર અને એક ફેશન શોપનો બિઝનેસ ઉભો કરી વિદેશમાં નવી જિંદગી બનાવી છે. પરંતુ ગયા અઠવાડિયે મિન્સુલ સ્ટ્રીટ ક્રાઉન કોર્ટ, માન્ચેસ્ટરના જજે તેની ધરપકડનું વોરંટ પાછું ખેંચી લીધું હતું. જો તે પાછો આવશે તો પણ તેના છટકી જવા બદલ કોઈ કાર્યવાહીનો તેણે સામનો કરવો પડશે નહીં.

જજ ટીના લેંડેલેએ કહ્યું હતું કે “મે 2018માં આ કેસ મારી સમક્ષ આવ્યો હતો અને એવું લાગે છે કે તેના પાછા ફરવાની સંભાવના નથી. તે હાઇ રીસ્ક ગુનેગાર નથી અથવા તે “જાહેર જનતા માટે જોખમરૂપ” પણ નથી.

લુકમાને માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં ફાઇનાન્સનો અભ્યાસ કરતી વખતે મિલકતનું સામ્રાજ્ય બનાવ્યું હતું. 2000માં તેણે લેક્સી હોલ્ડિંગ્સની રચના કરી હતી અને એમપીઓ, ફૂટબોલરો અને ઉદ્યોગસાહસિકોને પ્રોપર્ટી પોર્ટફોલિયોના બનાવવા માટે બ્રિજિંગ ફાઇનાન્સ આપ્યું હતુ. ચાર વર્ષ પછી અર્ન્સ્ટ એન્ડ યંગ દ્વારા તેને યંગ એન્ટરપ્રિન્યોર ઑફ ધ યર જાહેર કરાયો હતો. તે ચેશાયરમાં £5 મિલિયનના મેન્શનમાં રહેતો અને પોતાના ગલ્ફસ્ટ્રીમ IV જેટમાં મુસાફરી કરતો હતો.

તેના સામ્રાજ્યનું બેંક લોન સાથેનું મુલ્ય £300 મિલિયન હતું પરંતુ 2006માં તેનો બિઝનેસ £100 મિલિયનના દેવા સાથે એડમિનીસ્ટ્રેશનમાં જતા તેના પર 15 વર્ષ સુધી કંપની ચલાવવાની પર પ્રતિબંધ મૂક્યો હતો.