નોર્થ મિડલસેક્સ યુનિવર્સીટી હોસ્પિટલના એસેન્સીયલ સ્ટાફને મંદિરના સ્વયંસેવકોએ નાસ્તા-પાણી પૂરો પાડ્યા હતા.

યુકે સરકારના સહયોગથી પ્રસ્તુત

કોવિડ-19: BAPS નીસ્ડન મંદિરની ‘કનેક્ટ એન્ડ કેર’ સેવા

નોર્થ વેસ્ટ લંડન ખાતે નીસ્ડનમાં આવેલા અને યુકેમાં મંદિરની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરનાર બોચાસણવાસી શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર (BAPS) દ્વારા આધ્યાત્મિક નેતા પૂ. મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ મંદિરના વરિષ્ઠ સંતો અને સીનીયર ટ્રસ્ટીઝ દ્વારા કોવિડ-19 રોગચાળા દરમિયાન સંભવત: સૌથી વધુ પ્રમાણમાં સમાજના લોકો, એસેન્શીયલ સર્વિસ આપતા લોકો અને એનએચએસ સ્ટાફને જમવા માટે ટીફીનથી લઇને આવશ્યક ચીજવસ્તુઓ દવાઓથી લઇને ભોજન સુધી, અનાજ કરિયાણા સહિત પૂરૂ પાડીને રાષ્ટ્રવ્યાપી સહાય કરવામાં આવી છે. આ મંદિર તરફથી વિવિધ સમુદાયને લોકોને ફોન કરીને અને પત્રો લખીને ખબર-અંતર પૂછવામાં આવ્યા હતા.

વોટફર્ડ જનરલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સના પેરા-મેડિક્સને ફૂડ સપ્લાય કરતા મંદિરના સ્વયંસેવકો

પૂ. મહંત સ્વામી મહારાજે સંતો, સ્વયંસેવકો અને અગ્રણીઓને આ કપરા સમયની જરૂરિયાત મુજબ ધર્મ (ફરજ)નુ પાલન કરવા હાકલ કરી હતી. જેને પગલે BAPS યુકે, યુરોપ, યુરોપ તેમજ આસપાસના 61થી વધુ વિસ્તારોમાં 1,100થી વધુ સ્વયંસેવકોએ ‘કનેક્ટ એન્ડ કેર’ પહેલ અંતર્ગત મદદ કરવા ઝુબંશ શરૂ કરી હતી.

યુકે સરકારે બધા ધર્મસ્થળોને ખોલવાની પરવાનગી અગાઉ આપી દીધી હતી પરંતુ BAPS મંદિર દ્વારા દર્શનાર્થીઓના આરોગ્યને લક્ષમાં રાખી આ અઠવાડિયે ફક્ત સોમવારથી શુક્રવાર અને આવતા અઠવાડિયે તમામ દિવસો માટે નોંધાયેલા સત્સંગીઓ માટે સવારે 9થી 11 અને સાંજે 4થી 6 દરમિયાન મંદિર દર્શન અને પ્રાર્થના માટે ખોલવામાં આવ્યું છે. મંદિરને દર્શનાર્થીઓ માટે પૂરતું આયોજન અને હાથ ધોવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું અને અન્ય યુકે સરકારના માર્ગદર્શનને અનુસરીને ખોલવામાં આવ્યું છે. મંદિરના ટ્રસ્ટીઝ આ ટ્રાયલનું એસેસમેન્ટ કર્યા બાદ દર્શન કરવાની ભાવિ સુવિધા અંગે નિર્ણય લેશે.

NHSના મે‌ડિક્સની સેવાને તાળીયોથી વધાવતા સંતો

BAPS સ્વામિનારાયણ મંદિર તરફથી કરવામાં આવેલી સેવા કામગીરી બદલ મંદિરને અત્યાર સુધીમાં ઘણાં બધા એવોર્ડ અને સન્માન મળી ચૂક્યા છે. પરંતુ તાજેતરમાં કોવિડ-19 દરમિયાન સેવા કામગીરી બદલ યુકેના વિવિધ શહેરોના અગ્રણી વ્યક્તિઓ દ્વારા BAPSની સેવાના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી છે. જેમાં એબિંગ્ડન અને વેસ્ટ ઑક્સફર્ડશાયરના સાંસદ, લેલા મોરન, બર્મિંગહામના મેયર મોહમ્મદ અઝીમ, ગ્રેટર માન્ચેસ્ટરના હાઇ શેરીફ અને લેન્કેશાયરના હાઇ શેરીફ તરફથી BAPSને વિશેષ માન્યતા આપતા એવોર્ડ એનાયત કરાયા હતા.

જરૂરીયાતમંદ લોકો માટે મંદિર ખાતે ભોજન બનાવાયુ હતું : સેવા આપતા પૂ. સત્યપ્રકાશ સ્વામી અને સંતો

અન્ય લોકો પણ આ શુભકાર્યમાં મદદ કરી શકે તે માટે BAPS કોરોનાવાયરસ રીલીફ ફંડની સ્થાપના કરવામાં આવી છે. દાન આપવા માંગતા લોકોને neasdentemple.org અથવા જસ્ટગિવિંગ વેબસાઇટ    https://www.justgiving.com/campaign/coronavirusrelieffundની મુલાકાત લેવા વિનંતી કરવામાં આવી હતી. જસ્ટ ગિવિંગ વંબસાઇટ પર તા. 1ના રોજ £16,521 એકત્ર થઇ ચૂક્યા હતા.

સેન્ટ હીલીયર હો‌સ્પિટલના એસેન્સીયલ સ્ટાફને નાસ્તા-પાણી પૂરો પાડતા મંદિરના સ્વયંસેવકો

અત્રે ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ સાથે સંકળાયેલ આંતરરાષ્ટ્રીય સમુદાય આધારિત હિન્દુ સંગઠન BAPS સ્વામિનારાયણ સંસ્થા પૂ. મહંત સ્વામી મહારાજના આધ્યાત્મિક નેતૃત્વ હેઠળ વિશ્વભરમાં એક મિલિયનથી વધુ સભ્યો, 55,000 સ્વયંસેવકો અને 3,850 કેન્દ્રો દ્વારા વ્યક્તિઓ, પરિવારો અને સમાજની સંભાળ રાખે છે. સંસ્થાનો હેતુ એક ન્યાયી, શાંતિપૂર્ણ અને સુમેળભર્યો, આધ્યાત્મિક રીતે ઉન્નત અને વ્યસનો તથા હિંસાથી મુક્ત સમુદાય બનાવવાનો છે. BAPS અને નીસડન મંદિર વિશે વધુ માહિતી માટે baps.org and neasdentemple.orgની મુલાકાત લેવા અનુરોધ છે.

 

BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તીઓ

  • મંદિર સાથે સંકળાયેલા લોકો અને સમુદાયના લોકોને કોવિડ-19 બાબતે પૂરતી માહિતી મળી રહે અને જીવલેણ વાયરસના ઝડપથી થતા પ્રસારને રોકવા કોવિડ-19 અંગેની સલાહને ઇંગ્લીશ અને ગુજરાતીમાં રજૂ કરવામાં આવી હતી.
  • લોકડાઉન, સેલ્ફ આઇસોલેશન અને સામાજિક અંતરના નિયમો દરમિયાન લોકોને હકારાત્મક માનસિક અને શારિરીક રીતે સ્વસ્થ રાખવા અને લોકોને તેમની સામૂહિક જવાબદારી વિશે શિક્ષણ આપવા માટે અંગ્રેજી અને ગુજરાતીમાં જાગૃતિ આપતા વિડિઓઝ અને પ્રેઝન્ટેશનની શ્રેણી પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં કસરત અને સ્વાસ્થ્યપ્રદ આહારના મહત્વ, મૂળભૂત વ્યાયામ, દિનચર્યાઓ અને ઘરે શારીરિક રીતે ફીટ કેવી રીતે રહેવું તેની ટીપ્સ આપવામાં આવી હતી.
  • NHSના કર્મચારીઓનો ઉત્સાહ બેવડાય તે માટે દર અઠવાડિયે તેમને માટે તાળીઓ પાડવામાં આવી હતી.
  • દર મંગળવારે ટાઈમલેસ હિન્દુ વિઝડમ શ્રેણી અંગ્રેજીમાં શરૂ કરવામાં આવી હતી.
  • સહાય અને મદદ કરવા માટે યુકેમાં 12,000થી વધુ પરિવારોને 21,000થી વધુ ફોન કોલ્સ કરાયા હતા.
  • યુકેભરના વિવિધ શહેરોમાં રહેતા 4,000 કરતા વધુ વૃદ્ધો અને સંવેદનશીલ લોકોને જે તે ચીજવસ્તુઓની ખરીદી કરવા, દવા મંગાવવા અને તેમના માટે જરૂરી કામકાજ કરવામાં નિયમિતપણે મદદ કરવામાં આવી હતી.
  • અત્યાર સુધીમાં કુલ 46,000થી વધુ તૈયાર ભોજન જરૂરીયાતમંદોને ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
  • યુકે ભરની 209 હોસ્પિટલો, ફાયર સ્ટેશન, પોલીસ સ્ટેશન તેમજ અન્ય કી વર્કપ્લેસીસને તૈયાર ભોજન અને અવશ્યક પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો તેમજ હીરો સ્ટાફને પ્રશંસા પત્રો અર્પણ કરાયા હતા.
  • સ્થાનિક સમુદાયમાં જરૂરીયાતમંદોને 75 ટનથી વધુ તાજા ફળ અને શાકભાજી તેમજ અનાજ-કરિયાણા બેગ્સ પહોંચાડીને સખાવતી સંસ્થાઓને ટેકો આપવામાં આવ્યો હતો.
  • ઇસ્ટર પર્વ પ્રસંગે સ્થાનિક ચર્ચ, રમઝાન માસની શરૂઆતમાં મસ્જિદ અને વૈશાખી દરમિયાન ગુરુદ્વારાઓમાં અનાજ-કરિયાણાનો પુરવઠો પહોંચાડવામાં આવ્યો હતો.
  • દરેક વયના બાળકો સક્રિય અને પ્રવૃત્ત રહે તે માટે તેમના માતા-પિતાઓને સંસાધનો અને માર્ગદર્શિકાવાળી પેરેંટિંગ ટૂલકિટ આપવામાં આવી હતી.
  • BAPSએ રોગચાળા દરમિયાન સેવા આપતા હજારો બ્રિટીશ કી વર્કર્સની સેવાની સરાહના કરતો એક કવિતા પર આધારિત પ્રેરણાદાયી વિડિઓ બનાવ્યો હતો. જેમાં100થી વધુ ડોકટરો, નર્સો, ફાર્માસિસ્ટ્સ અને અન્ય ફ્રન્ટલાઈન પર ફરજ બજાવતા BAME કી વર્કર્સ જોડાયા હતા.
  • કપરા સમયમાં લોકોને આધ્યાત્મિક મદદ મળી રહે અને ઘરે બેઠા પણ લોકો દર્શન કરી શકે તે આશયે મંદિરની આરતી, અભિષેક, પ્રાર્થનાઓ, કીર્તન, ધાર્મિક સંમેલનો અને વાર્તાલાપો માટે ઓનલાઇન વેબકાસ્ટ કરવામાં આવ્યું હતું.

દેશી ધાબા દ્વારા પોણા બે લાખ ભોજન પીરસાયા

ડાબેથી કાઉન્સિલર તૃપ્તિ સાંગાણી, ચિંતન પંડ્યા, દેવિંદર સિંઘ, બ્રેન્ટ નોર્થના એમપી બેરી ગાર્ડીનર, બ્રેન્ટના મેયર કાઉન્સિલર અર્નેસ્ટ એઝેઝુઘી અને મોના પંડ્યા. બેરી ગાર્ડનરે પ્રશંસાપત્ર એનાયત કર્યું હતું.

સરકારે કોવિડ-19 રોગચાળાના કારણે માર્ચ મહિનામાં તમામ બાર અને રેસ્ટૉરન્ટ બંધ કરવાની જાહેરાત કર્યાના મહિના પહેલા ફેબ્રુઆરીમાં રેસ્ટોરન્ટની શરૂઆત કરનાર વેમ્બલીના ચિંતન પંડ્યા અને તેમના પત્ની મોના પંડ્યાના માથે આભ તુટી પડ્યું હતું. મોટુ રોકાણ, કર્મચારીઓના પગાર, મોઘુંદાટ ભાડુ… એ બધો ખર્ચો કેમ કરીને કાઢશે એવી ચિંતા પંડ્યા દંપત્તીને સતાવતી હતી. પરંતુ એ ચિંતાઓને ખંખેરીને દંપત્તીએ કપરા કાળનો મજબૂત હાથે મુકાબલો કરવાનું નક્કી કર્યું હતું. તેઓ આજ સુધીમાં NHS સ્ટાફ, વૃદ્ધ અને સંવેદનશીલ લોકો, આઇસોલેશન ભોગવતા પરિવારોને પોતાના રેસ્ટોરંટમાં ગરમ ભોજન બનાવીને નિ:શુલ્ક આપે છે. જરૂરતમંદ લોકોને મદદ કરવા અને સહાય કરવા માટે પોતાની સુવિધાઓ, રેસ્ટોરન્ટ અને શેફ્સ અને સ્ટાફનો ઉપયોગ કરતુ પંડ્યા દંપત્તી માને છે કે પૈસા તો જીવનમાં ગમે ત્યારે કમાઇ લેવાશે પરંતુ જો તેઓ સેવા નહિ કરે તો તેમનો અંતરાત્મા કદી માફ નહિં કરે.

જ્યારે ચિંતને આ સેવાની શરૂઆત કરી ત્યારે તેમને ખ્યાલ નહોતો કે ઘણા બધા સંવેદનશીલ લોકોને મદદની જરૂર હશે. ભોજન વિતરણ શરૂ કરવાના પ્રથમ બે અઠવાડિયામાં ભોજન મેળવનારાઓની સંખ્યા એક દિવસના 100 ભોજનથી વધીને 600 ભોજન અને પ્રથમ 3 અઠવાડિયામાં તો આ સંખ્યા આશ્ચર્યજનક રીતે 2500 ભોજન પ્રતિ દિવસ થઇ ગઇ હતી. તા. 18મી માર્ચથી આજ દિન સુધીમાં પંડ્યા દંપત્તીએ લગભગ 180,000 જેટલાં ગરમ ભોજન, સેન્ડવિચ, તાજા ફળ અને સૂકા ખાદ્ય પદાર્થોનું વિતરણ કર્યું છે.

વૃદ્ધોને ખોરાક પહોંચાડતા સેવા ડેના સ્વયંસેવક

ચિંતન અને મોના ગરમ ભોજનની તૈયારી શરૂ કરવા માટે પોતાનું રેસ્ટોરન્ટ આપનાર કદાચ લંડનમાં સૌ પ્રથમ હતા. સ્થાનિક બિઝનેસીસ અને ચેરીટી સંસ્થાઓ સાથે મળીને તેમણે આ મુશ્કેલ સમયમાં લોકોને ટેકો આપવા માટે ‘કોવિડ-19 રિસ્પોન્સ કિચન’ નામનું કોમ્યુનિટી ગૃપ બનાવ્યું હતું. સ્થાનિક બિઝનેસીસ, પ્રીમિયર બેન્ક્વેટીંગ, જલારામ સ્વીટ માર્ટ, લિટલ ડાર્લિંગ ચાઇલ્ડકેર, ફ્રેશ ફ્રૂટ એન્ડ વેજ લિમિટેડ, ચેરીટીઝ જલારામ મંદિર ગ્રીનફર્ડ, સેવા ડે અને મલ્ટિ ફેઇથ ગૃપ બધા ટેકો આપવા એકઠા થયા હતા.

જલારામ મંદિર ગ્રીનફર્ડ તેમને ટેકો આપવા અને સમુદાયમાં તેમની પહોંચને વિસ્તૃત કરવામાં અને ગ્રોસરી, પી.પી.ઇ., ફળ અને શાકભાજીની ઉદાર સહાય કરવા માટે અભિન્ન રહ્યુ છે. દેશી ધાબા દ્વારા ચેરિટીઝ, ફૂડ બેંકો, વિવિધ NHS ટ્રસ્ટ્સ, કેર હોમ્સ અને જી.પી. પ્રેક્ટિસ, પોલીસ સ્ટેશનો અને એસેન્શીયલ કી-વર્કર્સને ટેકો અપાઇ રહ્યો છે, તેમ છતાં તેમનુ મુખ્ય લક્ષ્ય આરોગ્યની નબળી સ્થિતિ ધરાવતા નબળા લોકોને ટેકો આપવાનું છે જેઓ પોતાના ઘરોમાં છે અને ભોજન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

ચિંતને ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે ‘’આ અનુભવ નમ્ર અને આંખ ખોલનારો રહ્યો છે. અમે અનેક વૃદ્ધોના સંપર્કમાં આવ્યા છીએ, જેમને કુટુંબનો કે કોઇ અન્ય ટેકો નથી અને અમે જ તેઓ સાથે વાત કરીએ છીએ. અમે પણ તેમને ભૂલ્યા વગર તેમના ખબર અંતર પૂછવા અને ખાસ કરીને કોઇ મદદ જોઇતી હોય તો તે માટે નિયમિતપણે ફોન કરીએ છીએ.’’

બાર્નેટ હોસ્પિટલમાં ખોરાક પહોંચાડતા જિગ્ના દેપાલા

તેઓ રેસ્ટોરાંનો ઉપયોગ ભોજન રાંધવા અને પેક કરવા અને સ્થાનિક સેન્ટ જેમ્સ ચર્ચનો ઉપયોગ ફૂડ પાર્સલના વિતરણ અને સૂકા ખોરાકનો સંગ્રહ કરવા માટે કરી રહ્યા છે. 100 સ્વયંસેવક ડ્રાઇવરો સપ્તાહના સાતેય દિવસ લંડનમાં જરૂરિયાતમંદ લોકોને ભોજનની ડીલીવરી કરી રહ્યા છે અને 50 સ્વયંસેવકો શાકભાજી કાપવા, સેન્ડવીચ તૈયાર કરવા અને પેકિંગ કરવામાં સપોર્ટ કરે છે. સેવા ડે દ્વારા કુશળ સૈન્ય જેવા સ્વયંસેવકોની ટીમ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે જેથી સુનિશ્ચિત થાય કે સમગ્ર કામગીરી – લોજિસ્ટિક્સ સરળતાથી ચાલી રહી છે.

પંડ્યા દંપત્તીએ અન્ય સ્વયંસેવકો અને સંસ્થાઓ સાથે કરેલું સેટ અપ અવિશ્વસનીય છે. તેમણે સપ્લાય / સ્ટોક, મેનેજમેન્ટ, રૂટ પ્લાનિંગ, ભોજનની પસંદગી અને અન્ય લોકોની વિનંતીને અપડેટ કરવા માટે સમર્પિત વિવિધ ટીમો ગોઠવી છે. આ સમયગાળા દરમિયાન દંપત્તીએ ફક્ત જરૂરીયાતમંદોને મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

હાલમાં ગ્રાહકો માટે બંધ, તેમના ટેક અવે અને રેસ્ટોરન્ટને તા. 1 ઑગસ્ટના રોજ ફરીથી શરૂ કરવા પર તેઓ ધ્યાન આપી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે “અમે અમારા બધા કર્મચારીઓ અને ગ્રાહકો માટે સલામત એવી સિસ્ટમ બનાવી રહ્યા છીએ. યુકે સરકારની માર્ગદર્શિકા મુજબ સેફ્ટી પર્સપેક્સ સ્ક્રીન વડે સીટીંગ બૂથ્સને કવર કરી રહ્યા છીએ. આ ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સીંગ, સખત સફાઇ અને સ્વચ્છતા, હાથ ધોવા માર્ગદર્શન, સ્ટાફ અને ગ્રાહકો માટે પી.પી.ઇ. માટે પણ કાળજી લીધી છે. હાલમાં તમામ રેસ્ટોરન્ટ્સ દ્વારા લેવામાં આવતા સાવચેતીના પગલાં વ્યાપક અને મહત્વપૂર્ણ છે.’’

આ વર્ષે જ ઇલિંગ રોડ પર ખોલવામાં આવેલી નવી રેસ્ટોરન્ટ દેશી ધાબાએ આવા મુશ્કેલ સમયે સમુદાયને આશ્ચર્યજનક સેવા આપી છે ત્યારે આપણે આશા રાખીશું કે સ્થાનિક સમુદાય પણ દેશી ધાબા જેવા સ્થાનિક બિઝનેસીસને પોતાનો ટેકો આપશે.