અમેરિકાના એક જાણીતા અખબારે દાવો કર્યો છે કે, સંરક્ષણ સોદા અંતર્ગત જ ઈઝરાયેલે ભારતને જાસૂસી માટેનું સોફ્ટવેર પેગાસસ આપ્યું હતું. આ રીપોર્ટ પછી કોંગ્રેસે ભારત સરકાર પર પ્રહાર કર્યો છે. રીપોર્ટમાં જણાવાયું છે કે ભારત સરકારે 2017માં ઈઝરાયેલ સાથે એક સંરક્ષણ સોદો કર્યો હતો જે અંતર્ગત પેગાસસ જાસૂસી સોફ્ટવેર પણ ખરીદવામાં આવ્યું હતું. કોંગ્રેસનો આરોપ છે કે આ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ગેરકાયદે જાસૂસી કરાઈ હતી જે દેશદ્રોહ છે. આ રીપોર્ટ મુજબ ઈઝરાયેલ અને ભારત વચ્ચે 2017માં થયેલા સોદામાં સોફ્ટવેર પેગાસસ અને એક મિસાઈલ સિસ્ટમ મુખ્ય કેન્દ્રબિન્દુ હતા. આ સોદો અંદાજે બે બિલિયન ડોલરનો હતો.
રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો હતો કે, રિપોર્ટમાં જે ખુલાસો થયો તેનો અર્થ એ છે કે સરકારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટ અને સંસદને ગુમરાહ કરવાનું કામ કર્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, નરેન્દ્ર મોદી શા માટે ચૂપ છે? આ અંગે સ્પષ્ટતા કરવાનું વડા પ્રધાનનું કર્તવ્ય છે. ન્યૂયોર્ક ટાઈમ્સે જે ખુલાસો કર્યો છે કે, હકીકતમાં ટેકસપેયર્સના નાણાંથી રૂ. 300 કરોડ ચુકવીને ઈઝરાયલની એનએસઓ કંપની દ્વારા વેચવામાં આવેલા સ્પાયવેર પેગાસસને સબ્સ્ક્રાઈબ કર્યું હતું.
ભાજપના જ સાંસદ સુબ્રમણ્યન સ્વામીએ પણ જણાવ્યું કે, મોદી સરકારે આ અખબારી રીપોર્ટને ફગાવી દેવો જોઈએ.
મીડિયા રિપોર્ટને ટાંકીને કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદે જણાવ્યું કે, કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી સહિત ભારતના નાગરિકો પર જાસૂસી કરવા માટે ભાજપ સરકાર દ્વારા સૈન્ય-ગ્રેડ સ્પાયવેરનો ઉપયોગ કરવામાં આવ્યો તેનો આ સચોટ પુરાવો છે.