(ANI Photo)

લોકસભાની ચૂંટણી પહેલા બિહારના નવાદા જિલ્લામાં ચૂંટણીસભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે કે કોંગ્રેસે તાજેતરમાં જ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો, જે એવું લાગે છે કે તે મુસ્લિમ લીગનો ઢંઢેરો છે. તે તુષ્ટિકરણથી ભરેલો છે. તેઓ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા માટે આવ્યા ન હતાં. રામ નવમી નજીક આવી રહી છે. તેમના પાપોને ભૂલશો નહીં.

મોદીએ કલમ 370ની નાબૂદીના મુદ્દે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ઝાટકણી કાઢી હતી. ખડગેએ રાજસ્થાનમાં કલમ 370ની નાબૂદીના નિર્ણયનો ઉલ્લેખ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ખડગેએ ઉઠાવેલા વાંધાનો ઉલ્લેખ કરીને મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈ નાનું પદ ધરાવતા નથી. તેઓ કહે છે કે કલમ 370નો રાજસ્થાન સાથે શું સંબંધ છે. આ ‘ટુકડે-ટુકડે ગેંગ’ની માનસિકતા છે. તેમના વિચારો રાજસ્થાન અને બિહારના સુરક્ષા જવાનોનું અપમાન છે.

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં એક મેગા રેલીને સંબોધતાં મોદીએ જણાવ્યું હતું કે સત્તારૂઢ TMC પશ્ચિમ બંગાળમાં ભ્રષ્ટાચાર અને હિંસા માટે ફ્રી લાઇસન્સ ઇચ્છે છે અને તેથી જ આવા કેસોની તપાસ કરતી કેન્દ્રીય એજન્સીઓની ટીમો પર બંગાળમાં હુમલા થાય છે. બંગાળમાં TMCનું સિન્ડિકેટ રાજ પ્રવર્તે છે અને પાર્ટીને માત્ર તેના ભ્રષ્ટ નેતાઓને બચાવવામાં રસ છે. ખંડણીખોર અને ભ્રષ્ટ નેતાઓને બચાવવા માટે ટીએમસીએ કેન્દ્રીય તપાસ એજન્સીઓ પર હુમલાઓ ષડયંત્ર રચે છે. TMC એક એવી પાર્ટી છે જે ભારતના બંધારણ અને કાયદાના શાસનનો અનાદર કરે છે. રાજ્યમાં સ્થિતિ એવી છે કે વિવિધ બાબતોમાં કોર્ટે હસ્તક્ષેપ કરવો પડે છે.

અહીં ઉલ્લેખનીય છે કે બંગાળમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓની ટીમ પર હુમલાના તાજેતરમાં બે ઘટના બની છે અને આ મુદ્દે મોદીએ મમતા સરકારને ઘેરી હતી.

વિપક્ષી ગઠબંધન જુઠ્ઠાણા અને કપટની રાજનીતિમાં વ્યસ્ત હોવાનો દાવો કરીને મોદીએ જણાવ્યું હતું કે હું કહું છું ભ્રષ્ટાચાર દૂર કરો. વિપક્ષ કહે છે ‘ભ્રષ્ટાચારીઓને બચાવો.’ હું સુનિશ્ચિત કરીશ કે ભ્રષ્ટાચારીઓને સજા મળે અને ગરીબોને ન્યાય મળે. 4 જૂન પછી (લોકસભાની ચૂંટણીના પરિણામો) ભ્રષ્ટાચારીઓ સામે વધુ કડક કાર્યવાહી કરાશે. TMC, ડાબેરીઓ અને કોંગ્રેસે ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે INDI એલાયન્સ બનાવ્યું છે.

મોદીએ જબલપુર રોડ ભવ્ય શો કરીને મધ્યપ્રદેશમાં બીજેપીના ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કર્યાં હતા. રોડ શો દરમિયાન મોદી સાથે એમપીના મુખ્યપ્રધાન મોહન યાદવ, રાજ્યના પીડબલ્યુડી મંત્રી રાકેશ સિંહ અને પાર્ટીના જબલપુર લોકસભાના ઉમેદવાર આશિષ દુબે પણ હતા. આ રોડ શો શહીદ ભગત સિંહ ક્રોસિંગથી સાંજે 6:30 વાગ્યે શરૂ થયો હતો અને ગોરખપુર વિસ્તારના આદિ શંકરાચાર્ય ક્રોસિંગ પર સાંજે 7:15 વાગ્યે સમાપ્ત થયો હતો. રોડ શોના રૂટની બંને બાજુએ લોકો મોટી સંખ્યા ઉભા હતા. તેમાંથી કેટલાક પાસે ‘મેરા ઘર મોદી કા ઘર’ અને ‘મેરા પરિવાર મોદી કા પરિવાર’ પ્લેકાર્ડ હતા.

 

 

LEAVE A REPLY

four × three =