વોશિંગ્ટનમાં યુએસ કેપિટોલ હિલ ખાતે બુધવાર 14 જૂન, 2023ના રોજ પ્રથમ હિંદુ-અમેરિકન સમિટનું આયોજન કરાયું હતું. આ સમીટમાં અમેરિકન ફોર હિંદુના સ્થાપક અને અધ્યક્ષ રોમેશ જાપરા પ્રવચન આપી રહ્યાં છે. તેમની સાથે યુએસ કોંગ્રેસમેન શ્રી થાનેદાર છે. (PTI Photo)

ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન શ્રી થાનેદારે યુએસ કોંગ્રેસમાં ‘હિન્દુ કોકસ’ની રચના કરવાની યોજના જાહેર કરી છે. તેનાથી અમેરિકામાં હિંદુઓ વિરુદ્ધ કોઈ નફરત અને કટ્ટરતા ન ફેલાય તે સુનિશ્ચિત કરવા માટે સમાન વિચારધારા ધરાવતા સાંસદોને એક છત્ર હેઠળ લાવી શકાશે. મિશિગનના 13મા ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતા થાનેદારે બુધવારે કેપિટોલ વિઝિટર સેન્ટર ખાતે પ્રથમ હિંદુ અમેરિકન સમિટમાં આ જાહેરાત કરી હતી.

થાનેદારે જણાવ્યું હતું કે તે મહત્વપૂર્ણ છે કે કોઇ પણ સતામણી કે નફરત વગર દરેક વ્યક્તિને પોતાની પસંદગીનો ધર્મનું પાલન કરવાની અને પ્રાર્થના કરવાનો અધિકાર મળે. આ સ્વતંત્રતાઓ મૂળભૂત છે. આ મૂળભૂત માનવ અધિકારો છે,
હિન્દુ અમેરિકન સમીટ માટે દેશભરમાંથી હિન્દુ સમુદાયના નેતાઓ યુએસ કેપિટલમાં એકઠા થયાં હતા. આ સમીટનું આયોજન અમેરિકન ફોર હિન્દુ અને બીજા સંગઠનોએ કર્યું હતું. કેપિટોલ વિઝિટર સેન્ટર ખાતે આ સમીટમાં થાનેદારે જણાવ્યું હતું કે તેઓ અમેરિકનફોર હિન્દુ અને તેના વડા ડો. રમેશ જાપરા સાથે અમેરિકાની સંસદમાં હિન્દુ કોકસની રચના કરવાની કામગીરી કરશે. તેમની આ જાહેરાતને ભારતીય સમુદાયના લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. કેલિફોર્નિયા સ્થિત જાપરા અમેરિકન્સ4 હિંદુઓના સ્થાપક છે અને ‘હિંદુ કોકસ’ના વિચાર પાછળનું મુખ્ય ભેજુ છે.

ડેમોક્રેટિક પાર્ટીના યુએસ કોંગ્રેસના સભ્ય થાનેદારે જણાવ્યું હતું કે આ કોકસનો હેતુ માત્ર એ સુનિશ્ચિત કરવાનો છે કે હિંદુ ધર્મ સામે કોઈ નફરત, કોઈ કટ્ટરતા અને કોઈ ભેદભાવ ન થાય. આ કોકસ કોઇ વ્યક્તિ કે ધર્મની વિરુદ્ધમાં છે. આ કોકસ ધાર્મિક સ્વતંત્રતામાં માને છે. આ કોકસ સ્વતંત્રતા વિશે છે. આ કોકસ લોકોને તેમનું જીવન તેઓ જે રીતે જીવવા માગે છે તે રીતે જીવવામાં મદદ કરવા માટે છે.

હિન્દુ સમુદાયના નેતાઓએ કોકસની રચનામાં આગેવાની લેવા બદલ થાણેદારને બિરદાવ્યાં હતાં. કોકસમાં ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટી બંનેને સાંસદ સભ્ય બની શકે છે. ભારતીય-અમેરિકનો હવે કોકસમાં જોડાવા માટે તેમના સ્થાનિક પ્રતિનિધિઓ સુધી પહોંચવાની યોજના ધરાવે છે.

થાનેદારે જણાવ્યું હતું કે “દરેકનું સ્વાગત છે. આ એક સર્વસમાવેશક કોકસ છે. આ એક સકારાત્મક કોકસ છે. તે નફરતની કોકસ નથી. અમે કોઈની વિરુદ્ધ નથી. અમે બધા લોકો માટે કામ કરવા માગીએ છીએ અને જીવનની ગુણવત્તા સુધારવા કરવા માગીએ છીએ. આ હેતુને કોકસની રચનામાં કેન્દ્રસ્થાને રાખીશું.”

LEAVE A REPLY

two × two =