‘ધ સન્ડે ટાઈમ્સ’માં પ્રકાશિત થયેલા સિવિલ સોસાયટી કેમ્પેઈન ઓર્ગેનાઈઝેશનના મેગા પોલમાં જણાવાયુ છે કે આગામી ચૂંટણીઓમાં શાસક કન્ઝર્વેટિવ પાર્ટી 98 બેઠકો જીતી શકે છે અને પીએમ ઋષિ સુનક સાથે કેટલાય કેબિનેટ મિનિસ્ટર્સની બેઠકો પણ જોખમમાં છે. તો સામે પક્ષે વિપક્ષી નેતા સર કેર સ્ટાર્મરની આગેવાની હેઠળ લેબર પાર્ટી ટોરી કરતા સાડા ચાર ગણી એટલે કે કુલ 468 બેઠકો સાથે લેન્ડસ્લાઇડ વિજય મેળવી શકે છે અને લેબર પાર્ટીને 286 સીટોની બહુમતી મળી શકે છે.

‘બેસ્ટ ફોર બ્રિટન’ વતી ‘સર્વેશન’ દ્વારા કોન્સેટીટ્યુશન-લેવલના પરિણામોને મોડેલ કરવા માટે મલ્ટીલેવલ રીગ્રેશન અને પોસ્ટ-સ્ટ્રેટફિકેશન (MRP) પ્રક્રિયાનો ઉપયોગ કરીને 8 થી 22 માર્ચની વચ્ચે 15,029 પુખ્ત વયના વ્યક્તિઓનો સર્વે કરાયો હતો. તેમાં જાણવા મળ્યું હતું કે કન્ઝર્વેટિવ પક્ષ 26 ટકા મત ધરાવે છે અને વિરોધ પક્ષ લેબર પાર્ટી તેના પર 19 પોઇન્ટની લીડ સાથે 45 ટકા વોટ શેર મેળવશે. જે અગાઉના મતદાન કરતાં ત્રણ પોઇન્ટ વધારે છે. ટોરી સ્કોટલેન્ડ અને વેલ્સમાં એક પણ બેઠક જીતી શકશે નહિં તેવી આગાહી કરાઇ છે.

આ સર્વેમાં સ્કોટિશ નેશનલ પાર્ટી 41 બેઠકો, લિબરલ ડેમોક્રેટ્સ 22 બેઠકો અને પ્લેઇડ કમરી 2 બેઠકો જીતે તેવી અપેક્ષા છે. આ મતદાનમાં રિફોર્મ યુકેને પણ કન્ઝર્વેટિવ્સ માટે ખતરાજનક બતાવાઇ છે. જે એકંદર મતના 8.5% મતદાન સાથે સાત બેઠકોમાં બીજા સ્થાને આવે તેવી આગાહી છે. જો રિચાર્ડ ટાઈસની રીફોર્મ પાર્ટી ચૂંટણી ન લડે તો સંભવિત પરિણામના એક મોડેલ અંતર્ગત ટોરીઝ 150 બેઠકો જીતશે એવું સૂચન કરાયું છે. જો કે તે પણ ટોરીની કારમી હાર લેખાશે.

વડા પ્રધાન ઋષિ સુનકની રિચમન્ડ અને નોર્થલેર્ટનની સીટ પણ હાઇપર માર્જીનલ બની છે અને લેબર પાર્ટી માત્ર 2.4 ટકા ઓછી લીડ ધરાવે છે. તો ચાન્સેલર જેરેમી હંટની ‘ગોડલમિંગ અને એશ’ની નવી બેઠકમાં લિબરલ ડેમોક્રેટ્સ માત્ર 1 ટકો પાછળ છે. વિશ્લેષણ મુજબ અંદાજે 28 વર્તમાન કેબિનેટ સભ્યો ચૂંટણી લડનાર છે પણ તેમાંથી ફક્ત 13 જ ફરીથી ચૂંટાય તેવી શક્યતા છે.

કોમન્સ લીડર પેની મોર્ડન્ટ, હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવર્લી ડીફેન્સ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સ સહિત અન્ય કેટલાક કેબિનેટ મંત્રીઓ તેમની બેઠકો ગુમાવશે એવી આગાહી બેસ્ટ ફોર બ્રિટન જૂથે કરી છે. ભૂતપૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન અને ભૂતપૂર્વ ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિક તથા બિઝનેસ સેક્રેટરી કેમી બેડેનોક તેમની બેઠક જાળવી રાખે તેવી સંભાવના છે.

ભૂતપૂર્વ વડા પ્રધાન થેરેસા મે સહિત કુલ 64 કન્ઝર્વેટિવ્સ અને ભૂતપૂર્વ કન્ઝર્વેટિવ નેતાઓએ પહેલેથી જ જાહેરાત કરી છે કે તેઓ તેમની બેઠકો પર ચૂંટણી નહીં લડે.

2019માં, કન્ઝર્વેટિવ પાસે 365 બેઠકો, લેબર પાસે 203 બેઠકો, SNP પાસે 48 બેઠકો, લિબ ડેમ્સ પાસે 11 બેઠકો અને પ્લેઇડ કમરી પાસે 4 બેઠકો હતી. પ્રત્યેક બેઠકના વિશ્લેષણમાં દાવો કરાયો છે કે ટોરી પ્રોસ્પેક્ટ્સ રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે અને તેઓ સૌથી ખરાબ ચૂંટણી પરિણામના માર્ગ પર છે.

‘બેસ્ટ ફોર બ્રિટન’ના વિશ્લેષણ મુજબ જો આવતીકાલે ચૂંટણી યોજાય તો, કન્ઝર્વેટિવ્સ સમગ્ર દેશમાં 250 સાંસદો ગુમાવશે જે સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ્સ માટે આ અત્યાર સુધીનું સૌથી ખરાબ પરિણામ હશે.

બેસ્ટ ફોર બ્રિટનના ચીફ એક્ઝિક્યુટિવ નાઓમી સ્મિથે કહ્યું હતું કે “મતદાનમાં મોટાભાગના મતદારો ટોરીઝ તરફ પીઠ ફેરવી રહ્યા છે અને તે દર્શાવે છે કે આ ચૂંટણી પરિવર્તન લાવનારી હશે.”

ઝુંબેશ જૂથ ‘મોર ઇન કોમન’ દ્વારા કરાયેલા અલગ મતદાનમાં જાણવા મળ્યું કે જો સુનકને બદલે હાઉસ ઓફ કોમન્સના નેતા પેની મોર્ડન્ટ, ટોરી નેતા હોત તો ટોરી પરની લેબર લીડ છ પોઈન્ટ ઓછી હોત.

એમઆરપી પોલ દર્શાવે છે કે સમગ્ર યુકેમાં રિફોર્મ યુકેનો વોટનો હિસ્સો વધી રહ્યો છે, જેમાં પાર્ટીને સાત બેઠકો મળશે અને તેમનો એકંદર મત હિસ્સો 8.5 ટકા જેટલો છે, જે લિબરલ ડેમોક્રેટ્સનો હિસ્સો 10.4 ટકા છે.

છેલ્લી ત્રણ ટર્મથી સરકાર ચલાવતી કોન્ઝર્વેટીવ પાર્ટીના કેટલાક નેતાઓ માત્ર સર્વેના પરિણામોને માનીને હાર માની લે તેવા નથી. કેટલાયની દલીલ છે કે જો ચૂંટણી પહેલા 10 મતની લીડ પણ અંકે કરી લેવાય તો તેઓ લેબર સાથે બરાબરી કરી શકે છે.

ચૂંટણીની બેઠકોની આગાહી

પક્ષનું નામ 2019માં મળેલી બેઠકો 2024ની આગાહી
લેબર 203 468
કોન્ઝર્વેટીવ્સ 365 98
SNP 48 41
લિબ ડેમ 11 22
પ્લાઇડ કીમરી 4 2
ગ્રીન 1 0

 

LEAVE A REPLY

1 × five =