ગયા વર્ષે કોન્ટેક્ટલેસ કાર્ડ દ્વારા કરવામાં આવતા પેયમેન્ટની મર્યાદા £30 પરથી વધારીને £45 કરાયા બાદ બુધવારે ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઑથોરિટી (એફસીએ) દ્વારા યુકેમાં કોન્ટેક્ટલેસ કાર્ડની પેયમેન્ટ મર્યાદા £100 કરવા વિચારણા કરાઇ રહી છે. આ પ્રસ્તાવ ટૂંક સમયમાં પરામર્શ માટે મુકાય તેવી અપેક્ષા છે.

ગ્રાહકોનુ બેન્ક કાર્ડ દ્વારા પેયમેન્ટ કરવાનું વલણ વધતા અને કોવિડ-19 ફાટી નીકળવાના કારણે કેટલાક સુપરમાર્કેટ્સ અને દુકાનો દ્વારા રોકડ રકમની ચુકવણીને બદલે કાર્ડનો આગ્રહ રાખવામાં આવતો હોવાથી આવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઘોષણાથી યુકેના ક્ષીણ થઈ રહેલા ATM કેશ મશીન નેટવર્ક પર વધુ દબાણ આવશે.

એટીએમ નેટવર્ક ઑપરેટર લિંક માને છે કે આજે બધી ચુકવણીઓમાં રોકડ દ્વારા થતી ચુકવણીનો હિસ્સો માત્ર 10% થઇ ગયો છે. યુકે ફાઇનાન્સ મુજબ 7 મિલીયનથી વધુ લોકોએ 2019માં મહિનામાં માત્ર એક જ વાર રોકડ રકમનો ઉપયોગ કર્યો હતો કે બિલ્કુલ નહોતો કર્યો. 2009માં 58%ની સરખામણીમાં, ચોથા ભાગના કેસમાં લોકોએ રોકડ દ્વારા ચૂકવણી કરી હતી. પરંતુ આ બધામાં લાખો ગ્રાહકો કે જેઓ રોકડ પર આધાર રાખે છે તેઓ પાછળ રહી ગયા છે.

કન્ઝ્યુમર સંસ્થા ‘વીચ?’ દ્વારા બહાર પાડવામાં આવેલ એક સર્વેક્ષણમાં યુકેમાં 10 મિલીયન લોકોએ સૂચન કર્યું હતું કે વૃદ્ધો અને નિર્બળ ગ્રાહકો કે જેઓ રોકડ રકમ પર આધાર રાખે છે તેઓ રોકડ વિના સંઘર્ષ કરશે. ગયા વર્ષે ટ્રેઝરીએ કહ્યું હતું કે દુકાનો દ્વારા ગ્રાહકો ખરીદી કરે કે – ન કરે તો પણ તેમને કેશબેક આપવા માટેના નિયમોમાં ફેરફાર કરવા પર વિચારણા કરી રહ્યું છે.

‘વીચ?’ના હેડ ઓફ મની ગેરેથ શોએ કહ્યું હતું કે “લાખો લોકો હજી રોકડ પર આધાર રાખે છે અને કેશ મશીન નેટવર્ક અને બેંકોની શાખાઓ ઝડપથી બંધ થઇ રહી હોવાથી કેશ નેટવર્ક સુરક્ષિત રાખવાની જરૂર છે.”