કોરોનાવાયરસના કારણે ટ્રાવેલની માંગ ઘટી જતા બ્રિટિશ નો-ફ્રિલ્સ એરલાઇન ઇઝીજેટની આવક પ્રથમ ત્રિમાસિક ગાળામાં લગભગ 90% ઘટી ગઈ હતી. કંપનીએ ગુરૂવારે ચેતવણી આપી હતી કે બીજા ક્વાર્ટરની ક્ષમતા પણ ઘટશે.

કોવિડ લોકડાઉનના પરિણામે તેના શેડ્યૂલના માત્ર 18 ટકા વિમાનોએ જ ઉડાન ભરી હતી. 31 ડિસેમ્બર સુધીના ત્રણ મહિનામાં આવક 88 ટકા જેટલી ઘટીને £165 મિલીયન થઇ ગઇ હતી. ચાલુ પ્રતિબંધોને કારણે માર્ચ સુધીના જૂથના બીજા ક્વાર્ટરમાં આવક અગાઉના સ્તરથી આશરે 10 ટકાની નીચે રહેશે.

લંડનની ઉત્તરે આવેલા લુટન સ્થિત એરલાઇને પુષ્ટિ કરી છે કે આ અગાઉ તેણે પુનર્ગઠન અંતર્ગત 1,400 નોકરીઓને ઓછી કરી દીધી છે.

વાયરસ હટે અને રસીકરણ થયા બાદ મુસાફરી પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે ત્યારે માંગમાં વધારો થવાની શક્યતા છે. નવેમ્બરમાં, ઇઝિજેટે તેના 25 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ખોટની જાહેરાત કરી હતી. કંપનીએ 4,500 એટલે કે એક તૃતીયાંશ કર્મચારીઓના ઘટાડાની જાહેરાત કરી હતી.