(istockphoto)

પ્રખ્યાત તિરુપતિ મંદિરના લાડુ માટે નંદિની ઘીનો વિવાદ કોંગ્રેસ-ભાજપ પૂરતો સીમિત ન રહેતા હવે આંધ્રપ્રદેશ સુધી ફેલાયો છે. તિરુપતિના સ્વાદિષ્ટ મહાપ્રસાદ અંગેની રાજકીય લડાઈ રવિવારે શરૂ થઈ હતી. ભાજપના નેતા નલિન કુમાર કાતિલે કર્ણાટક કોંગ્રેસ સરકાર સામે આક્ષેપ કર્યો હતો કે સરકાર મંદિરો પ્રત્યે ઉદાસીન નીતિ ધરાવતી હોવાથી તેને ઘીનો સપ્લાય અટકાવી દીધો છે.

તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરના વહીવટીકર્તા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્સ (TTD)એ  ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ જવા બદલ છેલ્લા એક વર્ષમાં ગાયના ઘીની 42 ટ્રક પાછી મોકલી દીધી છે. દરેક ટ્રકમાં 18 ટન જેટલું ઘી હતી. મંદિર સમિતિની વિવિધ પાંખો દ્વારા ઘીની શુદ્ધતા અને ગુણવતાની આકરી ચકાસણી કરવામાં આવે છે. 22 જુલાઈ 2022થી 30 જૂન 2023 સુધી નબળી ગુણવત્તાને કારણે 42 ટ્રક સ્વીકારવાનો ઇનકાર કરાયો છે.

જોકે મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ મંગળવારે જણાવ્યું હતું કે તિરુપતિ લાડુ બનાવવા માટે નંદિની ઘીનો પુરવઠો દોઢ વર્ષ પહેલાં ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન બંધ કરાયો હતો. આ પછી તિરુમાલા મંદિર દેવસ્થાનમ (TTD)ના અધિકારીઓએ કહ્યું હતું કે છેલ્લા 20 વર્ષોમાં તિરુપતિના લાડુ માટે માત્ર એક વર્ષ સુધી નંદિની ઘીનો ઉપયોગ થયો છે. જોકે હવે કર્ણાટક મિલ્ક ફેડરેશનના ચેરમેન ભીમા નાઇકે દાવો કર્યો હતો કે બીજા કોઇ ઘીની ગુણવત્તા નંદિની ઘી જેવી નથી. અમારા ગ્રાહકોએ અમને આવું 100 ટકાનું પ્રમાણપત્ર આપ્યું છે. આ દાવાનો જવાબ આપતા તિરુમાલા મંદિર દેવસ્થાનમના એક્ઝિક્યુટિવ ઓફિસર એ વી ધર્મા રેડ્ડીએ જણાવ્યું હતું કે છેલ્લાં 20 વર્ષોમાં તેમણે માત્ર એક વખત સપ્લાય આપ્યો છે. શું તમને લાગે છે કે અમારા લાડવા છેલ્લાં 19 વર્ષથી ખરાબ હતા અને માત્ર એક વર્ષ માટે સારા હતા. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અમૂલ વિરુદ્ધ નંદિનીનો પણ વિવાદ થયો હતો.

LEAVE A REPLY

one × 4 =