ખૂબ જ ગંભીર એવા એન્ટી-સેમિટિઝમ વિષેના અહેવાલ પર આલોચનાત્મક પ્રતિક્રિયા આપવા બદલ લેબર પાર્ટી દ્વારા પૂર્વ લેબર નેતા જેરેમી કોર્બીનને સસ્પેન્ડ કરવામાં આવતા બ્રિટનના રાજકારણમાં ચકચાર મચી ગઇ છે. હ્યુમન રાઇટ્સ વોચડોગે લેબરના નેતા તરીકેના કોર્બીનના સાડા ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન લેબર પાર્ટીને “ગેરકાયદેસર” કનડગત અને ભેદભાવ માટે જવાબદાર ગણાવી હતી. કોર્બીને આ પગલાંને “રાજકીય” ગણાવી તેની સામે “ભારપૂર્વક લડવાનું” વચન આપ્યું હતું.

કોર્બીને પાછળથી કહ્યું હતું કે વિરોધીઓ દ્વારા લેબરની અંદર એન્ટી-સેમિટિઝમ અંગે “નાટકીય રીતે અતિશયોક્તિ” કરવામાં આવી હતી. એક લેબર પ્રવક્તાએ જણાવ્યું હતું કે મિસ્ટર કોર્બીનને તેમના શબ્દો “પાછા ખેંચવાની નિષ્ફળતા” માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સસ્પેન્શન તેમણે કરેલી ટિપ્પણી અંગે તપાસ હાથ ધરાય ત્યાં સુધી આ યથાવત રહેશે.

એપ્રિલમાં લેબર નેતા બનેલા સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’સમાનતા અને માનવાધિકાર આયોગનો (EHRC) અહેવાલ પક્ષ માટે શરમનો દિવસ લાવ્યો છે.’’ આ અહેવાલમાં લેબર પક્ષમાં ઇક્વાલીટી એક્ટનો ત્રણ વખત ભંગ થયો હોવાનું જણાવાયું છે.

એક વખત કોર્બીનના વડપણ હેઠળ શેડો બ્રેક્ઝિટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા લેબર નેતા સર કેરે આ અહેવાલની ભલામણોને “નવા વર્ષમાં વહેલામાં વહેલી તકે” અમલમાં મૂકવાનું વચન આપ્યું હતું. જો કે આ અથડામણ કેર અને કોર્બીન વચ્ચે ઇરાદાપૂર્વક થઇ હોવાનું જણાતું નથી. પરંતુ આ એક રીતે વિસ્ફોટક રાજકીય ભાગલા ગણવામાં આવે છે.

ઇએચઆરસીના તારણો પર પ્રતિક્રિયા આપતા, કોર્બીને કહ્યું હતું કે તેઓ “હંમેશાં તમામ પ્રકારના જાતિવાદને દૂર કરવા માટે સંકલ્પબદ્ધ છે”. તેમણે દાવો કર્યો હતો કે તેમની ટીમે “પ્રક્રિયામાં અડચણ ન આવે તે રીતે વેગ પકડવાનો પ્રયાસ કર્યો હતો” અને લેબર પક્ષની અંદર અને બહારના અમારા વિરોધીઓ દ્વારા રાજકીય કારણોસર નાટકીયરૂપે એન્ટી-સેમિટિઝમ અંગે અતિરેક કરવામાં આવ્યો હતો”.

આ નિવેદન આવ્યા બાદ ટૂંક સમયમાં જ લેબર જનરલ સેક્રેટરી ડેવિડ ઇવાન્સે કોર્બીનને સસ્પેન્ડ કરી દીધા હતા.

જ્યુઇશ લેબર સાંસદ ડેમ માર્ગારેટ હોજે કહ્યું હતું કે “ઇએચઆરસી અહેવાલ અંગે કોર્બીનની શરમજનક પ્રતિક્રિયા બાદ [સસ્પેન્શન] એ યોગ્ય નિર્ણય છે.”