કુલ મરણ 759 અને એક જ દિવસમાં 3,000 નવા દર્દી

પ્રિન્સ ચાર્લ્સ, બોરીસ જ્હોન્સન, મેટ હેન્કોક અને ચિફ મેડિકલ ઓફિસર ક્રિસ્ટ વ્હીટી કોરોનાવાયરસની ઝપેટમાં આવી ગયા બાદ યુકેમાં આજે રેકોર્ડરૂપ 3,000 નવા દર્દીઓને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હોવાના અહેવાલ છે. યુકે હેલ્થ ચિફે આજે મોતને ભેટેલા કમનસીબ લોકોની સંખ્યા 181 જણાવી હતી અને તે ગઇ કાલના મૃત્યુ આંક કરતા 60 ટકા વધુ હોવાનુ બહાર આવ્યુ હતુ. મરણનો કુલ આંક 759 હોવાનુ બહાર આવ્યુ હતુ.

યુકેમાં કોરોનાવાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યાને જોતા યુકે ત્રીજા ક્રમે છે. વાયરસનો ભોગ બનેલા લોકોની કુલ સંખ્યા લગભગ 15,000 થઇ છે. ફક્ત 24 કલાકમાં જીવલેણ વાયરસના નવા કેસોમાં 25 ટકાનો બીજો રેકોર્ડ ઉછાળો આવ્યો છે. આજે બપોરે સ્કોટલેન્ડમાં વધુ આઠ, વેલ્સમાં છ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં વધુ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.

ઇંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ્ટ વ્હ્ટી હળવા લક્ષણો સાથે કોરોનાવાયરસ સામેની યુકેની લડતનું નેતૃત્વ કરી રહ્યા છે અને આગામી સાત દિવસ તેઓ ઘરે સેલ્ફ આઇસોલેટ રહેશે. બકિંગહામ પેલેસે જણાવ્યુ હતુ કે મહારાણીની તબિયત સારી છે અને તેઓ 11 માર્ચથી ચેપગ્રસ્ત વડા પ્રધાન મળ્યા નથી.

લોકોને બહાર નીકળતા રોકવા માટે ડ્રોનનો ઉપયોગ કરનાર કાઉન્સિલ ઉગ્ર રોષનો સામનો કરી રહી છે તો વકીલોએ ચેતવણી આપી હતી કે, પોલીસ ‘ગેરકાયદેસર’ રીતે કૂતરાઓને કસરત કરાવવા અને ચાલવા માટે અલગ-અલગ સ્થળોએ જઇ રહેલા લોકોને પ્રતિબંધિત કરવાનો પ્રયાસ કરી રહી છે. એસેક્સમાં કોરોનાવાયરસના કારણે મૃત્યુ પામનાર 76 વર્ષીય જી.પી. ડો. ઝૈદી યુકેમાં મોતને ભેટેલા પ્રથમ ડૉક્ટર બનવાની આશંકા છે. તેમની પત્ની ડૉ. તલત ઝૈદી લી-ઓન-સીમાં આવેલી તેમની ઇસ્ટવુડ ગ્રુપ પ્રેક્ટિસને મેનેજ કરવામાં મદદ કરે છે અને તેમની એક પુત્રી ડૉ. સારાહ ઝૈદી પણ એક ફેમિલી જી.પી. છે.

બ્રિટિશ સુપરમાર્કેટ્સે જણાવ્યું હતું કે તેઓ ડિલિવરી સ્લોટમાં પ્રાધાન્ય આપવા માટે 1.5 મિલિયન સંવેદનશીલ ગ્રાહકોના સરકારી ડેટાબેસનો ઉપયોગ કરશે. આંકડા દર્શાવે છે કે યુકે હજી પણ દરરોજ 10,000 કરતા ઓછા લોકોનું પરીક્ષણ કરે છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 8,911 લોકોની તપાસ કરવામાં આવી હતી અને ગુરુવારે તે આંક 7,847નો હતો.

લંડનની હોસ્પિટલો સુનામીના મોજાની જેમ આવતા દર્દીઓ

એનએચએસ પ્રોવાઇડર્સના ચીફ એક્ઝિક્યુટિવ ક્રિસ હૉપ્સને કહ્યું હતુ કે ‘’લંડનની હોસ્પિટલો ‘દર્દીઓની માંગમાં વિસ્ફોટ’ સાથે સંઘર્ષ કરી રહી છે. દર્દીઓ સુનામીના મોજાની જેમ સતત આવી જ રહ્યા છે.’’ ગાર્ડિયનના અહેવાલ મુજબ આવતા સપ્તાહે રાજધાનીમાં કોરોનાવાયરસના કેસોનુ આભ ફાટે તેવી શક્યાતાને પગલે તૈયારી રાખવા યુકેભરમાંથી નર્સોને દર્દીઓની સંભાળ રાખવા માટે લંડનની હોસ્પિટલોમાં ટ્રાન્સફર કરવામાં આવશે. બીજી તરફ એનએચએસ ડોકટરોને રાજધાનીના એક્સેલ કોન્ફરન્સ સેન્ટરની નવી નાઇટિંગેલ હોસ્પિટલમાં જ આગામી છ અઠવાડિયા સુધી સુઇ રહેવાનુ કહેવામાં આવશે.

ડોકટરોએ ચેતવણી આપી છે કે આઇસીયુ નર્સે જો વધુ દર્દીઓની સારવાર કરવાની રહેશે તો દર્દીઓની સંભાળના ધોરણોમાં કમી આવશે. વેન્ટિલેટરના અભાવનો અર્થ એ છે કે એક સાથે બે દર્દીઓને વેન્ટીલેટરની મદદથી જીવડાવવાનો પ્રયાસ કરાશે.