ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે કોરોનાના દૈનિક કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. રાજ્યમાં બે દિવસના ઘટાડા પછી સોમવાર (17 જાન્યુઆરી)એ નવા કેસોમાં ઉછાળો આવ્યો હતો અને ત્રીજી લહેરના સૌથી વધુ કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગના ડેટા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 12,753 નવા કેસ નોંધાયા હતા અને પાંચના મોત થયા હતા. અમદાવાદમાં દૈનિક કેસની સંખ્યા 4,000ને પાર થઈ ગઈ હતી. એક દિવસમાં 5,984 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા હતા.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને તે સોમવારે 70,000ને પાર થઈ ગયા હતા. એક્ટિવ કેસમાંથી 95 દર્દીઓ વેન્ટિલેટર પર હતા. રાજ્યમાં અત્યાર સુધી 8,58,455 લોકોએ કોરોનાને હરાવ્યો છે અને 10,164 લોકોના મોત થયા છે. રિકવરી રેટ ઘટીને 91.42 ટકા પર પહોંચી ગયો હતો.

સોમવારે સુરત જિલ્લામાં સૌથી વધુ બે દર્દીઓના મોત થયા હતા, જ્યારે અમદાવાદ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન અને પંચમહાલમાં એક-એક મોત નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં એક દિવસમાં 4,340 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે 1921 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે સુરત શહેરમાં 2955 કેસ નોંધાયા હતા અને 1,680 દર્દીઓ સાજા થયા થયા હતા. વડોદરા કોર્પોરેશનમાં પણ 1,207 કેસ નોંધાયા હતા.

આ ઉપરાંત સુરત જિલ્લામાં 464, રાજકોટ કોર્પોરેશનમાં 461, વલસાડમાં 340, નવસારીમાં 300, ભરૂચમાં 284, ગાંધીનગર કોર્પોરેશનમાં 212, જામનગર કોર્પોરેશનમાં 210, ભાવનગર કોર્પોરેશનમાં 202, મોરબીમાં 182, મહેસાણામાં 152, કચ્છમાં 149, પાટણમાં 122, રાજકોટ જિલ્લામાં 120, વડોદરા જિલ્લામાં 106 અને ખેડામાં 102 કેસ નોંધાયા હતા. રાજ્યમાં રસીકરણ પણ સતત ઝડપી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોમવારે 2,63,593 લોકોએ કોરોના રસી લીધી છે અને આ સાથે જ રાજ્યમાં 9.50 કરોડ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. 17 જાન્યુઆરી સુધી કુલ 6,00,821 લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો.