યુકેના નવા ઉત્પાદીત વેન્ટિલેટર તૈયાર

કેબિનેટ ઓફિસ મિનીસ્ટર માઇકલ ગોવે પત્રકારોને જણાવ્યું હતું કે બ્રિટનના બિઝનેસીસ દ્વારા તૈયાર કરાયેલા વેન્ટીલેટર તૈયાર થઇ ગયા છે અને આવતા અઠવાડિયે નેશનલ હેલ્થ સર્વિસ માટે ઉપલબ્ધ થશે. સરકારે ફોર્ડ, એરબસ અને મેકલેરેન સહિતની કંપનીઓના કન્સોર્ટિયમ પાસેથી 10,000 વેન્ટીલેટર ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. વેક્યૂમ ક્લીનર-નિર્માતા ડાયસન પણ વેન્ટીલેટરનું ઉત્પાદન કરી રહી છે.

પ્રથમ ડિલિવરી કન્સોર્ટિયમના પેનલોન મોડેલની હશે, જેને હાલના ડીવાઇસીસ દ્વારા ઝડપથી સ્વીકારવામાં આવ્યા છે અને રેગ્યુલેટરની મંજૂરી પણ મળી ગઇ છે. સાયન્સ ગ્રૂપ પણ 10,000 સરકારી વેન્ટિલેટરના ઉત્પાદન માટે સરકાર સાથે કરારની વાટાઘાટ કરી રહી છે. સેજેન્ટિયા વેન્ટિલેટરનો વર્કિંગ પ્રોટોટાઇપ બનાવાયો છે અને તેના 20 ટ્રાયલ યુનિટ્સ બનાવાઇ રહ્યા છે.

યુકેની બેંકોને અબજોની ચૂકવણી માટે દબાણ

બેન્ક ઑફ ઇંગ્લેંડ દ્વારા બજારમાં નાણાંની પ્રવાહીતા વધારવા અને કોરોનાવાયરસ સંકટને પહોંચી વળવા માટે લોકોને મદદ કરવા પગલા ભરવાની વિનંતી કર્યા બાદ બ્રિટનના બેંકિંગ ક્ષેત્રએ શેરહોલ્ડરેને ડિવિડન્ડ અને શેર બાયબેક્સમાં કેટલાય બિલીયન પાઉન્ડ ચૂકવ્યા છે.

પ્રુડેન્શિયલ રેગ્યુલેશન ઓથોરિટી વિભાગે લેન્ડર્સને વર્ષના અંત સુધી નાણાં ચુકવવાનુ બંધ કરવા કહ્યું હતું. ટોચના સ્ટાફને કોઈ રોકડ બોનસ ચૂકવવાની પણ ના કહી છે. બાર્કલેઝ, એચએસબીસી, લોયડ્સ બેન્કિંગ ગ્રૂપ, રોયલ બેંક ઑફ સ્કોટલેન્ડ, સેંટાન્ડર અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કે જણાવ્યું હતું કે તેઓ ડિવિડન્ડ નહિ ચૂકવે અને બાયબેક્સ નહીં  આપે.

કોરોના અને કેન્સર સાથે ઝઝૂમતા બીબીસીના જ્યોર્જ અલાગીઆ

આંતરડાના કેન્સરની સારવાર લઈ રહેલા બીબીસીના ન્યૂઝ રીડર જ્યોર્જ અલાગિઆએ ખુલાસો કર્યો છે કે તેમને કોરોનાવાયરસના હળવા લક્ષણો જણાયા હતા. તાવ આવ્યા પછી તેમનો ટેસ્ટ કરાયો હતો અને થોડા દિવસો પછી તેમના ઓન્કોલોજિસ્ટે કોરોનાવાયરસ માટેનો તેમનો ટેસ્ટ પોઝીટીવ હોવાનુ જણાવ્યુ હતુ. ‘ધ ન્યુઝ એટ સિક્સ’ને બીબીસી વન પર રજૂ કરતા પ્રેઝન્ટર જ્યોર્જને સૌ પ્રથમ 2014માં કેન્સર હોવાનું નિદાન થયું હતું. પરંતુ 2017 માં રોગ ફરી દેખાયો હતો.

કોરોનાવાયરસના કારણે હાઉસિંગ માર્કેટની તેજી પર રોક

લોકડાઉનના પગલે દેશભરના અર્થતંત્ર અટકી ગયુ છે ત્યારે બ્રિટનના હાઉસિંગ માર્કેટની તેજી પર રોક લાગી ગઇ છે. છેલ્લા બે વર્ષથી મંદ હાઉસિંગ માર્કેટમાં માર્ચ મહિનામાં થોડી લેવાલ નજરે પડતા મકાનની કિંમતો તેની મજબૂત ગતિએ વધી હતી તેમ મોર્ગેજ પ્રોવાઇડર નેશનવાઇડે જણાવ્યુ હતુ.

માર્ચ 2019ની તુલનામાં માર્ચ મહિનામાં મકાનની કિંમતોમાં 3%નો વધારો થયો હતો. જે જાન્યુઆરી 2018 પછીનો સૌથી મોટો વધારો હતો. અર્થશાસ્ત્રીઓએ રૉયટર્સ પોલમાં 2%ના વધારાની આગાહી કરી હતી. બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી રોબર્ટ ગાર્ડનરે જણાવ્યું હતું કે ‘’સરકારે લોકોને ઘર મુવ કરવાનું ટાળવાની વિનંતી કરતા અને ટ્રાન્જેક્શનના અભાવને પગલે આવતા મહિનાઓમાં મકાનોના ભાવ વધતા અટકશે.

બ્રિટિશ એરવેઝ 36,000 કર્મચારીઓને સસ્પેન્ડ કરશે?

આઈએજીની માલિકીની બ્રિટીશ એરવેઝ તેના કેબિન ક્રૂ, ગ્રાઉન્ડ સ્ટાફ, એન્જિનિયરો અને હેડ ઓફિસમાં કામ કરતા 80% એટલે કે લગભગ 36,000 કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરે તેવી સંભાવના છે એમ બીબીસી ન્યૂઝે બુધવારે જણાવ્યુ હતુ. આ માટે તેણે યુનાઈટેડ યુનિયન સાથે એક વ્યાપક સોદો કર્યો છે. જો કે કોઇને નોકરીમાંથી કાઢી મૂકનાર નથી. યુનિયન સાથે વાતચીત હજી ચાલુ છે. બ્રિટીશ એરવેઝ બ્રિટનના બીજા વ્યસ્ત એરપોર્ટ ગેટવિક એરપોર્ટથી હંગામી ધોરણે ફ્લાઇટ્સ સ્થગિત કરી રહી છે.

‘ધ બિગ ઇશ્યૂ’ સુપરમાર્કેટની શેલ્ફ પરથી વેચાશે

કોરોનાવાયરસના કારણે ભાવિને ખતરો જણાતા બેઘર અને જરૂરતમંદ લોકો દ્વારા વેચાતુ બ્રિટિશ પેપર ‘ધ બિગ ઇશ્યૂ’ પ્રથમ વખત બ્રિટનની શેરીઓમાં અને સુપરમાર્કેટના શેલ્ફ પર વેચવામાં આવશે.  લગભગ ત્રણ દાયકાથી વેચાતુ ‘ધ બીગ ઇશ્યૂ’ એ બ્રિટનના સૌથી જાણીતા સામાજિક ઉદ્યોગોમાંનું એક છે જેનો હેતુ સારું કરવાનો છે અને વૈશ્વિક સ્તરે ડઝનેક પેપરને પ્રેરણા આપે છે.

સામાજિક અંતરનાં પગલાઓએ સ્ટ્રીટ પેપર્સને નિશાન બનાવ્યા છે. કેમ કે તે શેરીઓમાં વ્યક્તિ દ્વારા વેચાય છે. વિવિધ દેશો લોકડાઉનમાં છે ત્યારે 35 દેશોના 100 સ્ટ્રીટ પેપર અસ્તિત્વ માટે લડી રહ્યા છે. ગુરૂવારથી સેઇન્સબરીના સેંકડો સ્ટોર્સ અને ઑનલાઇન અને ન્યૂઝ એજન્ટ મેક’કોલ પોતાની દુકાનોમાં  બિગ ઇશ્યૂનું વેચાણ કરશે.

યુકેના વિશાળ ચેરિટી સેક્ટર પર કાળા વાદળ

બ્રિટિશ સખાવતી સંસ્થાઓના અસ્તિત્વ માટે કોરોનાવાયરસ રોગચાળો “ગંભીર ખતરો” બન્યો છે. ખરેખર લોકોને ચેરીટીની સહાયની જરૂર છે ત્યારે જ તકલીફ આવી પડી છે. દુકાનો અને ઑફિસો બંધ થવાથી અને ચેરીટી કાર્યક્રમો રદ થવાથી આવકનો મહત્વપૂર્ણ પ્રવાહ અટકી ગયો છે. બાળકોની ચેરિટી બાર્નાર્ડોના ચીફ એક્ઝિક્યુટિવ જાવેદ ખાને જણાવ્યું હતું કે ‘’અમે આગામી 12 અઠવાડિયામાં આ ક્ષેત્રમાં 4 બિલીયન પાઉન્ડથી વધુ નુકસાનની અપેક્ષા રાખી રહ્યા છીએ. બાર્નાર્ડો સામાન્ય રીતે એક મહિનામાં લગભગ 25 મિલિયન પાઉન્ડ ઉભા કરે છે જેમાં લગભગ 8 મિલિયન પાઉન્ડનો ઘટાડો થયો છે.

કેન્સર રિસર્ચ યુકેના દાનમાં 25 ટકાનો ઘટાડો થવાનો છે. તેઓ છેલ્લાં બે દાયકામાં £547 મિલિયન કરતાં વધુ એકત્રિત કરી ચૂક્યા છે. બ્રિટનમાં લગભગ 163,૦૦૦ ચેરીટી સંસ્થાઓ 827,000 લોકોને રોજગારી આપે છે. બાર્નાર્ડોએ તેના 8,000 કર્મચારીઓમાંથી 2,000ને ફર્લો પર મૂક્યા છે.

યુકેમાં મોટા પાયે લોટ વેચાયો પણ હવે મિલો બંધ

બ્રિટનના મિલરોનું પ્રતિનિધિત્વ કરનાર નાબીમના ડિરેક્ટર જનરલ એલેક્સ વોએ જણાવ્યું હતું કે લોકડાઉનના કારણે ખાવાનુ નહિ મળે તેવા ડરે પાસ્તા, ચોખા અને ટિન ફૂડની સાથે લોકોએ લોટની પણ મોટા પ્રમાણમાં ખરીદી કરી હતી. પરિણામે દર અઠવાડિયે ચાર મિલિયન પેકેટ લોટની ખરીદી થઇ હતી જે સામાન્ય કરતા બમણી હતી.

લોટ ઉત્પાદક જી.આર. રાઈટ એન્ડ સન્સને બે દિવસમાં એક ડઝન ઓનલાઇન ઓર્ડર મળતા હતા તે હવે 800 સુધી પહોંચી ગયા છે. પણ હવે કર્મચારીઓનો પાંચમો ભાગ સેલ્ફ આઇસોલેટ થતા 24 બાય 7 કામગીરી ચાલુ રાખવામાં મુશ્કેલી અનુભવાય છે અને તેમને દુકાન બંધ કરવી પડી હતી. બીજી તરફ બ્રિટિશ બેકરી ચેઇન ગ્રેગ્સ દ્વારા 2,000 શૉપ બંધ કરવામાં આવી છે.

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ 300 મિલિયન પાઉન્ડ ગુમાવશે

COVID-19 રોગચાળાના કારણે જો ક્રિકેટ નહિ રમાય તો 300 મિલીયન પાઉન્ડ ગુમાવશે. બીજી તરફ ઇંગ્લેન્ડના સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ ધરાવતા ખેલાડીઓએ બોર્ડની યોજનાના ભાગ રૂપે 20 ટકા પગાર ઘટાડવાની ઇસીબીની ઑફર નકારી છે. ઇસીબીએ મંગળવારે ચાલુ કટોકટીને પહોંચી વળવા 61 મિલિયન પાઉન્ડના સપોર્ટ પેકેજની જાહેરાત કરી છે. પ્રોફેશનલ ક્રિકેટર્સ એસોસિએશનના વડા ટોની આઇરિશે જણાવ્યુ હતુ કે “મને આશા છે કે અમારા ખેલાડીઓ આ અભૂતપૂર્વ પડકારને આગળ વધારવામાં સમર્થ છે. જો આપણે બધા મળીને કામ કરવા માટે પોતાનું વજન ખેંચીશુ તો જ આગળ આવી શકીશુ. અમારી રમતના ભવિષ્ય અને તેની અંદર કાર્ય કરનારા દરેકની આજીવિકાની રક્ષા કરશે.’’

પોલીસ અધિકારી પર ખાંસી ખાવા બદલ જેલ

પોતાને કોરોનાવાયરસ થયો હોવાનો દાવો કરી એક પોલીસ અધિકારી પર ખાંસી ખાનાર એડમ લુઇસને વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે તા. 1 એપ્રિલના રોજ છ મહિનાની જેલ કરી હતી. માનવામાં આવે છે કે કોવિડ -19 બાબતે આ સૌપ્રથમ જેલ સજા છે.

ગત તા. 31 માર્ચના રોજ બપોરે વેસ્ટમિંસ્ટર બરોમાં કારના દરવાજાના હેન્ડલને અડકી રહેલા લુઇસ તરફ સાયકલ પેટ્રોલિંગ કરતા પોલીસ કોન્સ્ટેબલનુ ધ્યાન દોરવામાં આવ્યુ હતુ. પોલીસે લુઇસની તપાસ માટે અટકાયત કરવાનો પ્રયાસ કરતા તેણે પોતાની વાઇનની બોટલ ફ્લોર પર તોડી હતી અને “હું કોવિડ ધરાવુ છું અને તમારા ચહેરા પર ખાંસી કરી તને ચેપ આપુ છું’’ એમ કહી પોલીસ પર ખાંસી ખાધી હતી. પોલીસે મદદ માંગતા બીજા અધિકારીઓ દોડી ગયા હતા અને લુઇસની ધરપકડ કરી હતી.

ટાટા સ્ટીલે સ્વૉન્ઝીમાં એનએચએસ સ્ટાફને ઉપકરણો દાન કર્યા

વેલ્સના પોર્ટ ટાલ્બોટ સ્થિત ટાટા સ્ટીલે કોરોનાવાયરસ દર્દીઓની સારવાર કરતા સ્વૉન્ઝી બે ના એનએચએસ સ્ટાફને માસ્ક, ગ્લોવ્ઝ, એપ્રન અને શૂ કવર સહિતના વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો (પીપીઈ) દાન કર્યા છે. આ બધા ઉપકરણો જરૂરી ચકાસણીમાંથી પાસ થયા હતા. ફ્રન્ટલાઈન હેલ્થ અને સોશ્યલ કેર કાર્યકરોએ પી.પી.ઇ. મળતા ન હોવાની ચિંતા વ્યક્ત કર્યા પછી આ દાન આવ્યુ હતુ.

વેલ્સ સરકારે કહ્યું હતુ કે તેમની પાસે પૂરતા સાધનો છે. વેલ્સમાં ક્રિટીકલ કેર બેડ પરના લગભગ 70% દર્દીઓને કોરોનાવાયરસ હોવાનુ જણાયુ છે. પોર્ટ ટાલ્બોટ પ્લાન્ટ હજી કાર્યરત છે ત્યારે તાતા સ્ટીલના સીઈઓ હેનરીક એડમે જાહેરાત કરી હતી કે સ્ટીલની માંગમાં ઘટાડો થવાને કારણે “સહ-ઉત્પાદનનું સ્તર ઘટશે”.

કોરોના પ્રભાવિત ઉદ્યમીઓ માટે 5 મિલિયનનુ ભંડોળ

પ્રિન્સેસ ટ્રસ્ટ અને નેટવેસ્ટ બેન્કે કોરોનાવાયરસથી પ્રભાવિત યુવાન ઉદ્યમી લોકોને તેમના ધંધાને આગળ વધારવામાં મદદ કરવા માટે 5 મિલિયન પાઉન્ડનુ ભંડોળ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ રિલીફ ફંડ 18-30 વર્ષના ઉદ્યોગસાહસિકો માટે ઉપલબ્ધ છે. આ અનુદાનનો ઉપયોગ કટોકટી દરમિયાન મુખ્ય વ્યવસાયિક કામગીરીને જાળવી રાખવા માટે, આવશ્યક સાધનો માટે નાણાં ચૂકવવા અથવા સપ્લાયરો પાસેથી ઇન્વોઇસીસની પતાવટ માટે કરવાનો રહેશે. છેલ્લા ચાર વર્ષથી શરૂ થયેલા બિઝનેસીસને મદદ કરાશે.