Getty Images)

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત નવી સપાટી વટાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના અત્યારસુધીના સર્વોચ્ચ 1272 કેસ નોંધાયા હતા. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 92601 થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 14 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 5 જ્યારે સુરતમાંથી 3ના મૃત્યુનો સમાવેશ થતો હતો. કોરોનાથી કુલ મરણાંક 2978 છે.

ગુજરાતમાં હવે પ્રથમવાર એક્ટિવ કેસ 15 હજારને પાર થયા છે. ગુજરાતમાં હવે એક્ટિવ કેસ 15082 છે જ્યારે 86 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 178-ગ્રામ્યમાં 92 એમ કુલ 270 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ સુરતમાં કુલ કેસનો આંક હવે 19881 થઇ ગયો છે. સુરતમાં ઓગસ્ટ માસમાં જ અત્યારસુધી કોરોનાના 6812 કેસ નોંધાઇ ચૂક્યા છે. અમદાવાદ શહેરમાં 145-ગ્રામ્યમાં 23 એમ કુલ 168 નવા કેસ સાથે કોરોનાના 31 હજારને પાર થઇને 31013 થઇ ગયો છે.

અમદાવાદમાં ઓગસ્ટ માસમાં કોરોનાના 4496 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 97-ગ્રામ્યમાં 35 એમ સર્વોચ્ચ 132 નવા કેસ નોંધાયા હતા. રાજકોટમાં પણ કોરોનાના દૈનિક કેસે પ્રથમવાર 100ની સપાટી વટાવી છે. રાજકોટ શહેરમાં 82-ગ્રામ્યમાં 32 એમ નવા 112 કેસ નોંધાયા હતા. જામનગર શહેરમાં 81-ગ્રામ્યમાં 11 એમ 92 સાથે સર્વોચ્ચ દૈનિક કેસ નોંધાયા હતા. ભાવનગર શહેરમાં 37-ગ્રામ્યમાં 28 સાથે 65, ગાંધીનગર શહેરમાં 25-ગ્રામ્યમાં 13 સાથે 38, નવા કેસ નોંધાયા હતા.

અમદાવાદ કરતાં સુરતમાં દૈનિક મૃત્યુઆંક ઓછો હોય તેવું ઘણા સમય બાદ બન્યું છે. જેમાં અમદાવાદમાંથી 5, સુરતમાંથી 3, રાજકોટ-વડોદરામાંથી 2, અમરેલી-ગીર સોમનાથમાંથી 1-1ના મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં 1705, સુરતમાં 615, વડોદરામાં 124, રાજકોટમાં 88, ગાંધીનગરમાં 50 છે. ગુજરાતમાં ઓગસ્ટ માસ દરમિયાન અત્યારસુધી કોરોનાથી 539 વ્યક્તિના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 75800 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ કુલ ટેસ્ટનો આંક હવે 21,21,751 થયો છે. છેલ્લા 24 કલાકમાં 1050 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જેમાં સુરતમાંથી સૌથી વધુ 213, અમદાવાદમાંથી 162, વડોદરામાંથી 100, જામનગરમાંથી 97, પંચમહાલમાંથી 62, રાજકોટમાંથી 55 દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી 74551 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. ગુજરાતમાં હાલ 4.91 લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.