પ્રતિક તસવીર /Getty Images)

કોરોનાના ભયને કારણે ગ્રાહકોમાં બ્રાન્ડેડ ઘઉં, ચોખા, લોટ અને તેલ તથા હોમ કુકીંગનો ટ્રેન્ડ વધતો જોવા મળ્યો છે, જેને કારણે આઇટીસી, અદાણી, કારગિલ, કેપિટલ ફુડ્સ સહિતની બ્રાન્ડેડ કોમોડિટીના વેચાણમાં વધારો નોંધાયો છે. કોવિડ-૧૯ને કારણે આરોગ્ય અને સ્વચ્છતા અંગે વધી રહેલી જાગૃતિથી પેકેજ્ડ પ્રોડક્ટ્સ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.

ઘઉં, ચોખા, લોટ, તેલ સહિતની ખાદ્ય ચીજોના વેચાણમાં છૂટક (લૂઝ) અને અનબ્રાન્ડેડ પ્રોડક્ટ્સનો હિસ્સો ૩૦થી૮૦ ટકા છે. કારણ કે બ્રાન્ડેડ પ્રોડક્ટ્સની તુલનામાં તેનો ભાવ ઓછો હોય છે. ઉપરાંત, છૂટક પ્રોડક્ટ્સ પર ટેક્સ પણ ઓછો હોય છે.

છેલ્લા બે મહિનામાં જીવનજરૂરી ચીજોના વેચાણમાં મોટો ઉછાળો નોંધાયો છે. ઉદ્યોગવર્તુળોના જણાવ્યા અનુસાર આધુનિક સ્ટોર્સમાં બ્રાન્ડેડ દાળ અને ધાન્યનું વેચાણ ૧૨ ટકાના દરે વધી રહ્યું છે. જ્યારે છૂટક પ્રોડક્ટ્સના વેચાણનો વૃદ્ધિદર માત્ર બે ટકા છે. આ સંદર્ભે સ્પેન્સર્સ રિટેલના એમડી દેવેન્દ્ર ચાવલાએ કહ્યું હતું કે, અર્થતંત્રની વૃદ્ધિ સાથે નોન-બ્રાન્ડેડમાંથી બ્રાન્ડેડ તરફનું વલણ જોવાય છે. જોકે, કોવિડ-૧૯ને કારણે આ ફેરફાર ઝડપથી થઈ રહ્યો છે.