ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં 4450 પીસીઆર ટેસ્ટમાં નવા 376 કેસ સાથે રાજ્યનો કોરોના પોઝિટિવ દર્દીનો આંક વધીને ૧૫૨૦૫ સુધી પહોંચ્યો છે. બીજી તરફ કોરોનાની સારવાર હેઠળ રહેલા વધુ 23 દર્દીઓના અવસાન થતાં કુલ મૃત્યું આંક વદીને 938 થઇ ગયો છે. એક જ દિવસમાં અમદાવાદમાં વધુ 256 દર્દી ઉમેરાતા કુલ કેસની સંખ્યા 11097 થઇ છે જ્યારે 19 દર્દીઓ ઉમેરાતાં કુલ મૃત્યું આંક 764 થયો છે. સુરતમાં વધુ બે અને મહીસાગર તથા વડોદરામાં એક એક દર્દીના પણ અવસાન થયા છે.

રાજ્યમાં 17 એપ્રિલના રોજ કુલ કેસનો આંક ૧૦૦૦ને પાર કરી ગયો હતો. 16 મેના રોજ એટલે કે લગભગ એક મહિનામાં રાજ્યમાં વધુ નવ હજાર કેસ ઉમેરાતાં કુલ કેસ 10000ને પાર કરી ગયા હતા. અલબત્ત, 11 મા દિવસે 15205 કેસ થયા છે. કોરોના મહામારી અંગે સત્તાવાર ફેસબુક લાઇવ મારફતે અપાતી વિગતો તેમજ મેડિકલ બુલેટીનામાં શહેરો, જિલ્લાઓના સરેરાશ આંકડાઓ પર બે દિવસથી પડતો પાડી દેવાયો હતો. ગઇકાલથી રાજ્યના વેન્ટીલેટર ઉપર તેમજ સ્ટેબલ દર્દીઓના આંકને પણ ઢાંકી દઇ સરકારે કોરોનાથી જનતાને હવે જાણે કોઇ ખતરો જ રહ્યો નથી એવી આલબેલ પોકારવાની શરૂઆત કરી હતી.

આ મુદ્દે રાજ્યભરમાં ઘેરાં પ્રત્યાઘાત પડતાં આખરે ફરીથી આજે કેટલીક વિગતો આપી છે. જોકે, કુલ કેસ અને જિલ્લાઓના આંકડા આપવાની તસ્દી લેવામાં આવી નથી.રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો સુરતમાં વધુ 34 તેમજ વડોદરામાં 29 કેસ નોંધાયા છે. મહીસાગરમાં 14, વલસાડમાં 1૦, સુરેન્દ્રનગરમાં 6, ગાંધીનગરમાં 5, નવસારીમાં 4, રાજકોટમાં 3 કેસ એક સાથે આવ્યા છે. પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર, પોરબંદર અને અમરેલીમાં એક એક કેસ ઉમેરાયા છે. વડોદરામાં મોટાભાગના કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા છે તો સુરતમાં પણ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી નોંધાયા છે.

સુરતમાં બે દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યું થતાં કુલ મૃત્યું આંક વધીને ૬૫ થયો છે જ્યારે વડોદરા અને સુરતના કુલ કેસ વધીને અનુક્રમે 914 અને 1421 થયા છે.મહીસાગરમાં લુણાવાડા, સંતરામપુર, ખાનપુર, બાલાસિનોર, વીરપુર તાલુકાઓમાંથી 14 કેસ મળી આવ્યા છે. આ કેસ ગ્રામ્ય અને નગરવિસ્તારોમાંથી આવતાં હવે સ્થાનિક તંત્રએ કન્ટેન્ટમેન્ટની કાર્યવાહી શરૂ કરી છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં ફરીથી કોરોનાએ માથુ ઉંચક્યું છે. વલસાડમાં 10 અને નવસારીમાં 4 કેસ એક સાથે નોંધાયા છે.

ગાંધીનગર મહાનગર અને ગ્રામ્ય વિસ્તારમાંથી પાંચ કેસ ઉમેરાયા છે. સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા, પાટડી, ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી બે બે કેસ ઉમેરાયા છે. આમ, રાજ્યમાં ૧૫૨૦૫ કેસમાંથી 7547 ડિસ્ચાર્જ થયા છે. જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં 410 ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો સમાવેશ થાય છે. આ સિવાય 6720 એક્ટિવ દર્દીમાંથી 92 દર્દી વેન્ટીલેટર ઉપર છે જ્યારે 6628 સ્ટેબલ છે. છેલ્લા ચોવીસ કલાકમાં 4550 પીસીઆર ટેસ્ટ સાથે રાજ્યમાં કુલ 193863 ટેસ્ટ થયા છે.