કોરોના વાઇરસથી રિકવર થયેલા કેસોની સંખ્યાના સંદર્ભમાં બ્રાઝિલને પાછળ રાખીને ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે આવ્યું છે. ભારતમાં અત્યાર સુધી આશરે 37.80 લાખ લોકો કોરોના વાઇરસથી રિકવર થયા છે, એમ જોહન હોપકિન્સ યુનિવર્સિટીનાા ડેટામાં જણાવાયું છે.
આ ડેટામાં જણાવ્યા અનુસાર વિશ્વમાં કોરોના વાઇરસથી આશરે 1.96 કરોડ લોકો રિકવર થયા છે. આની સામે વિશ્વમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા આશરે 2.90 કરોડની છે. વૈશ્વિક સ્તરે અત્યાર સુધી કોરોના વાઇરસથી આશરે 9.24 લાખ લોકોના મોત થયા છે.

જોહન હોપકિન્સ યુનિવર્સિટી દુનિયાભરના કોરોનાના કેસના ડેટાનું સંકલન કરે છે. યુનિવર્સિટીએ રિકવર થયેલા કેસોની સંખ્યાના સંદર્ભમાં ભારતને નંબર વન ગણાવ્યું છે. ભારતમાં આશરે 37.80 લાખ લોકો રિકવર થયા છે. આની સામે બ્રાઝિલમાં 37.23 લાખ લોકો અને અમેરિકામાં 24.51 લાખ લોકો કોરોનાથી રિકવર થયા છે. ભારતના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાાર ભારતમાં રિકવરી રેટ વધીને 78 ટકા થયો છે, જે દૈનિક ધોરણે ઊંચી રિકવરીનો સંકેત આપે છે.

આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમા જણાવ્યું હતું કે છેલ્લાં 24 કલાકમાં આશરે 77,512 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રિકવર થયેલા કેસોની સંખ્યા 37,80,107 છે. રિકવર કેસ અને એક્ટિવ કેસ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે કોરોના વાઇરસથી રિકવર થયેલા કુલમાંથી આશરે 60 ટકા કેસો મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશના છે. ભારતમાં કોરોના વાઇરસના કુલ એક્ટિવ કેસ 9,86,598 છે. ભારતમાં કોરોના વાઇરસના કુલ કેસોની સંખ્યા આશરે 48.26 લાખ છે.