પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સુપ્રીમ કોર્ટના આદેશ પછી હવે કોરોના મૃતકોના પરિવારને સરકાર તરફથી રૂ.50,000ની સહાય મળશે. આ સહાય કોરોનાથી અત્યાર સુધી મોત થયું છે તેવા મૃતકોના પરિવાર જ નહીં, પરંતુ ભવિષ્યના કોરોના મૃતકોના પરિવારને પણ મળશે. રાજ્ય સરકારો તેમના સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)માંથી આ સહાયની રકમ ચુકવશે અને તેની ચુકવણી જરૂરી દસ્તાવેજ મળ્યાના 30 દિવસમાં થશે, એવી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી છે.

કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે રાષ્ટ્રીય કુદરતી આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA)એ કોરોના મૃતકોના પરિવારને રૂા.50,000ની સહાય આપવાની ભલામણ કરી છે, NDMAએ જણાવ્યું હતું કે કોરોના રાહત કામગીરીમાં અથવા કોરોના મહામારીનો સામનો કરવાની તૈયારીમાં સામેલ થયેલા લોકોનું વાઇરસથી મોત થયું હશે તો તેમના પરિવારજનોને પણ આ સહાય મળશે.

સરકારે જણાવ્યું હતું કે 30 જૂનના સુપ્રીમ કોર્ટના આદેશને પગલે 11 સપ્ટેમ્બરે ગાઇડલાઇન જારી કરી છે. સુપ્રીમ કોર્ટે તેના આ આદેશમાં કોરોના મૃતકોના પરિવારને સહાય આપવાની ગાઇડલાઇન જારી કરવાનો ઓથોરિટીને આદેશ આપ્યો હતો.

NDMAની ગાઇડલાઇન મુજબ “કોરોનાથી મોત થયું છે તેવા પ્રમાણપત્રને આધીન રહીને મૃતક વ્યક્તિદીઠ રૂ.50,000ની રકમની ઓથોરિટીએ ભલામણ કરી છે. કોરોના રાહત કામગીરી અને મહામારીનો સામનો કરવાની તૈયારીમાં જોડાયેલા વ્યક્તિનું મોત થયું હશે તો તેમના પરિવારને પણ આટલી સહાય મળશે.”

ઓથોરિટીએ જણાવ્યું હતું કે આ સહાય કોરોનાની પ્રથમ અને બીજી લહેરથી અસરગ્રસ્ત થયેલા કુટુંબો પૂરતી સીમિત નહીં હોય. કોરોનાની ભવિષ્યની લહેરના સંદર્ભમાં પણ તે લાગુ પડે છે.

ગાઇડલાઇનમાં જણાવ્યા અનુસાર કોરોના મોતથી અસરગ્રસ્ત પરિવારો માટેની આ સહાય કોરોના મહામારીના ભાવિ તબક્કામાં મોત થશે તો તેમના પરિવારને પણ સહાય મળશે.

સંબંધિત પરિવારોએ સહાય મેળવવા માટે કોરોનાથી મોત થયું છે તેવું સરકારની ગાઇડલાઇન મુજબનું સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. આ સર્ટિફિકેટ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના નિયમો હેઠળ જારી થયેલું હોવું જોઇએ.

આ સહાયની રકમ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)માંથી રાજયો ચુકવળશે. તમામ દાવાનો જરૂરી દસ્તાવેજ રજૂ થયાના 30 દિવસમાં ઉકેલ લાવવામાં આવશે. સહાયની રકમ આધાર લિન્ક્ડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમ મારફત જમા કરવામાં આવશે.

ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- રાજ્ય વહીવટીતંત્ર કોરોના મૃતક વ્યક્તિના સૌથી નજીકના પરિવારજનને સહાયની રકમ છૂટી કરશે.

સંબધિત પરિવારે રાજ્યની ઓથોરિટી દ્વારા જારી કરવામાં ફોર્મમાં સહાયનો દાવો કરવાનો રહેશે. તેમાં ડેથ સર્ટિફિકેટ સહિતના ચોક્કસ દસ્તાવેજ જમા કરવાના રહેશે. સરકારની એફિડેટિવમાં જણાવાયું છે કે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સુનિશ્ચિત કરશે કે મજબૂત છતાં સરળ અને લોકોને સમજાય તેવી સિસ્ટમ હેઠળ ક્લેમ, વેરિફિકેશન, મંજૂરી અને અંતિમ ચુકવણી થાય.

મૃત્યુનાં સર્ટિફેકેટ અંગે કોઇ ફરિયાદ હશે તો જિલ્લા સ્તરની કમિટી તેનો ઉકેલ લાવશે. આ સમિતિમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, ચીફ મેડિરલ ઓફિસર, મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ, વિષય નિષ્ણાતનો સમાવેશ થશે. આ સમિતિ હકીકતોની ચકાસણી કરીને સત્તાવાર દસ્તાવેજમાં સુધારો કરી શકશે. જો સમિતિનો નિર્ણય દાવેદારની તરફેણમાં નહીં હોય તો તેવા કિસ્સામાં તે માટેનું સ્પષ્ટ કારણ રેકોર્ડ કરવાનું રહેશે.