દેશમાં કોરોના સામેના જંગમાં એક મોટી આંચકાજનક ઘટનામાં દિલ્હીમાં કોરોના સંબંધી પ્રતિબંધાત્મક આદેશોનો ભંગ કરીને યોજાયેલા મુસ્લીમ સમાજના તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનાર 10 લોકોના કોરોનાથી મૃત્યુ થતા તંત્રમાં હડકંપ મચી ગયા છે અને આ કાર્યક્રમના આયોજન, મંજુરી તેમાં ભાગ લેનારની યાદી મેળવી. હવે તાત્કાલીક પગલાની તૈયારી કરી છે. દિલ્હીના નિજામુદીન આ કાર્યક્રમ તા.13-15 માર્ચના યોજાયો હતો.

જેમાં દેશભરના અને કેટલાક વિદેશી સહિત અંદાજે 2000 લોકોએ હાજરી આપી હતી. જેઓ પરત તેમના રાજયમાં ગયા બાદ 10 લોકોના કારોનાથી મૃત્યુ થયા હતા. જેમાં તેલંગાણામાં સૌથી વધુ છે. જયારે તામીલનાડુ, કર્ણાટક અને જમ્મુ-કાશ્મીરમાં એક એક અને એક વિદેશીનું મોત થયુ છે. ખુદ તેલંગાણાના મુખ્યમંત્રી ઓફીસે ટવીટ કરીને રાજયમાં છ લોકો આ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ કોરોનાનો શિકાર બન્યા હતા.

તેમાં હૈદરાબાદની અલગ અલગ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન તેઓના મોત થયાનું સ્વીકાર કર્યો છે. આ ઉપરાંત અન્ય લોકોમાં પણ કોરોના પોઝીટીવ હોવાનું જાહેર થયું છે. કુલ 200 લોકો કોરોના પોઝીટીવ હોવાનું અને તેમાં દિલ્હીની લોકનાયક જયપ્રકાશ હોસ્પીટલમાં 53 લોકો અને બાકીના લોકો અલગ અલગ હોસ્પીટલમાં દાખલ હોવાનું જાહેર થયુ છે. પોલીસે આ કાર્યક્રમના આયોજક મૌલાના સામે કેસ દાખલ કર્યા છે.

તેલંગાણામાંથી સૌથી વધુ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સરકારે જેઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હોય તેઓને તાત્કાલીક સરકારી હોસ્પીટલમાં રીપોર્ટ કરવા માટે સૂચના આપી છે. ઉપરાંત દિલ્હીમાં જયાં આ કાર્યક્રમ યોજાયો હતો તે સ્થળની આસપાસના લોકોને પણ કોરોના ચેકીંગ માટે બસમાં લઈ જવાને કોરોના તપાસ કરાવી રહી છે.

દિલ્હીના તબલીગી જમાતના કાર્યક્રમમાં હાજરી આપનાર 200 લોકો કોરોના પોઝીટીવ બન્યા હોવાનો અને 10 લોકોના મોત થયાનો અહેવાલ છે તે વચ્ચે ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ છે. રાજયમાં એક 70 વર્ષીય વ્યક્તિનું કોરોનાના કારણે મૃત્યુ થયું હતું તે દિલ્હી પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા હતા. હવે તેની ટ્રાયલ હીસ્ટ્રીની વધુ ચકાસણી થઈ રહી છે અને આ વ્યક્તિએ તબલીગી જમાતના કાર્યક્રમમાં હિસ્સો લીધો હતો કે કેમ તે ચકાસાશે. આ વ્યક્તિ તા.26ના હોસ્પીટલમાં દાખલ થયા અને રીપોર્ટ આવે તે પુર્વે જ મૃત્યુ પામ્યા હતા.

દિલ્હીમાં આયોજીત તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનાર 10ના કોરોનાથી મૃત્યુ પામ્યા બાદ આ જમાત પ્રકાશમાં આવી છે. આ સંગઠન ઈસ્લામી શિક્ષાનો પ્રચાર કરે છે અને વિશ્વભરમાં તેના 15 કરોડથી વધુ સભ્યો છે. 1927માં મુહમ્મદ ઈલીયાસ અલ-કાંધલશી એ ભારતમાં આ સંગઠનનો પ્રારંભ કર્યો હતો. સંગઠન પુરા દેશમાં આ પ્રકારના કાર્યક્રમ યોજે છે અને આસપાસના રાજયોના તથા કેટલાક મુસ્લીમ સ્કોરલરને આમંત્રીત કરે છે. મરકઝનો અર્થ મીટીંગ થાય છે. આ જમાત ભારતમાં હવે તેના મૂળ જમાવી ચૂકી છે અને તેનો સૌથી મોટો કાર્યક્રમ બાંગ્લાદેશમાં થાય છે.