વિશ્વના 192 દેશ કોરોના વાઇરસની ઝપટમાં છે. અત્યાર સુધીમાં 3,53,403 કેસ નોંધાયા છે. 15,418 લોકોનાં મોત થયાં છે અને 1,00,616 લોકો સાજા થયા છે. દર્દીઓ સાજા થવાના દરમાં 50 દિવસમાં મોટા ઉતાર-ચઢાવ આવ્યા. 2 ફેબ્રુઆરીએ સાજા થવાનો દર 58.20% હતો, જે 8 માર્ચે સૌથી વધુ 94.21% થઇ ગયો જ્યારે 22 માર્ચે 87.07% રહ્યો.

અત્યાર સુધીમાં 87% દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. ચીનમાં 81,093 કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી 72,703 (90%) સાજા થયા છે. સૌથી વધુ મોતવાળા દેશ ઇટાલીમાં 12% દર્દી સાજા થયા છે જ્યારે ત્રીજા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ અમેરિકામાં એક ટકા પણ સાજા નથી થયા. ભારતમાં 6% સાજા થયા છે.

ઇટાલીમાં કોરોનાના દર્દીઓની સારવાર કરનારા 18 ડૉક્ટરનાં મોત થયાં છે. તેમાંથી 15 લૉમ્બાર્ડીના છે. દેશમાં 4800થી વધુ આરોગ્યકર્મી ચેપગ્રસ્ત છે. સરેરાશ દર 10 ચેપગ્રસ્ત પૈકી 1 આરોગ્યકર્મી છે.સ્પેન કોરોનાગ્રસ્ત દેશોમાં ચોથા સ્થાને છે. અહીં અત્યાર સુધીમાં 33,089 કેસ નોંધાયા છે અને 2,182 મોત થયાં છે. 24 કલાકમાં સૌથી વધુ 434 મોત અહીં થયાં છે. સરકારે કટોકટી 1 એપ્રિલ સુધી લંબાવી છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં 35,070 કેસ નોંધાયા છે. 458 લોકોનાં મોત થઇ ચૂક્યાં છે. સોમવારે 39 મોત થયાં. અમેરિકામાં કેન્ટુકીના સાંસદ રેન્ડ પૉલ ચેપગ્રસ્ત થયા છે. સરકારે કહ્યું કે દેશના તમામ 1.1 કરોડ ગેરકાયદે વસાહતી તપાસના દાયરામાં રહેશે.

બ્રિટનમાં અત્યાર સુધીમાં 5,683 કેસ નોંધાયા છે. 281 મોત થયાં છે. બકિંગહામ પેલેસમાં 1 કર્મચારી ચેપગ્રસ્ત થયા બાદ ક્વીન એલિઝાબેથ (દ્વિતીય) વિન્ડસર પેલેસમાં જતા રહ્યા છે. દેશમાં મેડિકલ સહાય માટે સૈન્ય તહેનાત કરાયું છે. નબળું સ્વાસ્થ્ય ધરાવતા લોકોને 12 અઠવાડિયા ક્વોરેન્ટાઇનમાં રહેવા જણાવાયું છે.

કોરોના વાઈરસના કારણે દુનિયાભરમાં અનેક શહેરો લૉકડાઉન છે. આ સ્થિતિમાં લોકો ફેસબુક, વૉટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર અગાઉથી બમણો સમય વીતાવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં ફેસબુક મેસેન્જર પર 70% વધુ લોકોએ ગ્રૂપ વીડિયો કૉલ કર્યા હતા. એટલું જ નહીં, આ ગ્રૂપ કૉલ પર વીતનારો સમય પણ વૈશ્વિક સ્તરે બમણો રહ્યો.

સીનેટના અહેવાલ પ્રમાણે, વૉટ્સએપ પર વૉઈસ અને વીડિયો કૉલ પણ બમણાં થઈ ગયા છે. આંતરરાષ્ટ્રીય એજન્સી એએફપી પ્રમાણે, કોરોના વાઈરસના કારણે દુનિયાભરના 50થી વધુ દેશના 100 કરોડથી વધુ લોકો ઘરોમાં કેદ છે કારણ કે, અનેક દેશોએ ફરજિયાત લૉકડાઉનની જાહેરાત કરી છે.