Represents iimage

કેરળમાં એક ત્રણ વર્ષના બાળકને કોરોના વાયરસ થયો હોવાની પુષ્ટિ થઈ છે. આ બાળકને કોરોના વાયરસની પુષ્ટિ થયા બાદ દેશમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 40 થઈ ગઈ છે. આ બાળક માતાપિતા સાથે તાજેતરમાં ઇટલી ગયો હતો. આ લોકો સાતમી માર્ચના રોજ દુબઈથી કોચી પહોંચ્યા હતા.
અહીં કોચી એરપોર્ટ ખાતે સ્ક્રિનિંગ દરમિયાન બાળકમાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા બાળક અને તેના માતાપિતાને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. તપાસ બાદ લેબમાંથી ત્રણ વર્ષના બાળકને કોરોના વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે.
મળતી માહિતી પ્રમાણે આઇસોલેશન ખાતે બાળક અને તેના માતાપિતાના સેમ્પલ તપાસ માટે અલાપ્પુઝા ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજી લેબ ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ વર્ષના બાળકનો કેસ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ કેરળમાં કોરોના વાયરસના કુલ છ કેસ નોંધાયા છે.
છ માંથી ત્રણ કેસ જાન્યુઆરીમાં સામે આવ્યા હતા, જેમને સારવાર બાદ ગયા મહિને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રવિવારે કેરળમાં એક પરિવારના પાંચ સભ્યોના કોરોના વાયરસના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે પરિવારના ત્રણ સભ્યો તાજેતરમાં ઇટાલીથી પરત ફર્યા હતા. એરપોર્ટ ખાતે તેમણે આ અંગે જાણ કરી ન હતી આથી તેમનું સ્ક્રિનિંગ થયું ન હતું.
કેરળના સ્વાસ્થ્ય મંત્રી કે કે શૈલજાએ જણાવ્યું હતું કે પતિ-પત્ની અને તેમનો 26 વર્ષનો પુત્ર ઇટલી તેના સંબંધીના ઘરે ગયા હતા, જ્યાંથી તેઓ ભારત પરત આવ્યા હતા. જે બાદમાં પરિવારના પાંચ સભ્યોને હૉસ્પિટલ ખાતે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.