વર્ષ 2020ની શરૂઆત થતા જ ટેક વર્લ્ડમાં દુનિયાના સૌથી મોટા ફોન શૉ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2020ની ચર્ચાઓ શરૂ થઈ હતી પરંતુ હવે મોબાઈલ કંપનીની આશાઓ પર રોક લાગી છે. કોરોના વાઇરસને લીધે આ વર્ષે સ્પેનમાં 24થી 27 ફેબ્રુઆરીએ યોજાનાર ‘MWC 2020’ ઇવેન્ટ કેન્સલ કરવામાં આવી છે. આ શૉનું આયોજન GSMA દ્વારા કરવામાં આવે છે. શૉ ના 10 દિવસ પહેલાં જ GSMA એ ઇવેન્ટ કેન્સલ કર્યા હોવાની જાહેરાત કરી છે.
GSMAના CEO જ્હોન હોફમેનના જણાવ્યા અનુસાર, કોરોના વાઇરસના ફેલાવાને લીધે આ ઇવેન્ટ કેન્સલ કરવામાં આવી છે. સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ ઇવેન્ટ કેન્સલ કરવામાં આવી છે. જોકે GSMA અને હોસ્ટ સિટી પાર્ટી દ્વારા MWC બાર્સિલોના 2021 ઇવેન્ટ માટે તૈયારીઓ શરૂ કરવામાં આવશે.
GSMA મોબાઈલ ઇકો સિસ્ટમમાં 1200થી વધારે વધારે કંપનીને રિપ્રેઝન્ટ કરે છે. MWC ઇવેન્ટથી અનેક કંપનીઓને પાર્ટનર શિપ, ડીલ્સ અને પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની તક મળે છે. MWC સ્પેનના બાર્સિલોનામાં યોજાય છે. તેને લીધે 14,100 જેટલી પાર્ટ ટાઈમ જોબ ક્રિએટ કરે છે. અગાઉ GSMAએ ઇવેન્ટ નિયમિત સમય પર જ યોજાવાની જાહેરાત કરતા અનેક કંપનીઓએ MWC 2020માં ભાગ લેવાની ના પાડી હતી.
LG અને ZTE કંપનીએ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ ઇવેન્ટમાં ભાગ ન લેવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ MWCની સૌથી મોટી એક્ઝિબિટર કંપની Ericssonએ પણ શૉ માં ભાગ લેવાની ના પાડી હતી. આ અગાઉ Nvidia, ઈન્ટેલ, વિવો , સોની, એમેઝોન અને NTT Docomo કંપનીએ પણ MWC 2020 ઇવેન્ટથી પીછેહઠ કરી હતી.