બોરીસ જ્હોન્સને પોતાની કેબિનેટમાં ફેરબદલ કરતા ચાન્સેલર સાજિદ જાવિદે રાજીનામુ આપી દીધુ છે અને તેમને સ્થાને ભારતીય મૂળના ઋષી સૂનકની વરણી નવા ચાન્સેલર તરીકે કરવામાં આવી છે. બોરીસ જ્હોન્સને પોતાની કેબિનેટમાંથી નોર્ધર્ન આયર્લેન્ડના સેક્રેટરી જુલિયન સ્મિથ, બિઝનેસ સેક્રેટરી એન્ડ્રીયા લીડ્સમ, હાઉસિંગ મિનીસ્ટર એસ્થર મેકવી, એન્વાયર્નમેન્ટ સેક્રેટરી થેરેસા વિલિયર્સ, એજ્યુકેશન મિનીસ્ટર ક્રિસ સ્કીડમોર, ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર નુસરત ગની અને જ્યોર્જ ફ્રીમેનને બરતરફ કરવામાં આવ્યા છે. જ્યારે કેબિનેટમાં હાજર રહેલા એટર્ની જનરલ જ્યોફ્રી કોક્સએ રાજીનામું આપી દીધું છે.

ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ, હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ, કેબિનેટ ઑફિસ મિનીસ્ટર માઇકલ ગોવ અને હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક જેવા વરિષ્ઠ નેતાઓએ પોતાનુ સ્થાન જાળવી રાખ્યુ છે. નવી વરણીમાં લિઝ ટ્રસ ઇન્ટરન્શનલ ટ્રેડ સેક્રેટરી અને મિનીસ્ટર ફોર વિમેન એન્ડ ઇક્વાલીટી તરીકે રહેશે. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી આલોક શર્માને બિઝનેસ સેક્રેટરી બનાવાયા છે અને તેઓ ગ્લાસગોમાં યોજાનારી આગામી ક્લાયમેટ કોન્ફરન્સ સીઓપી26 માટે મિનીસ્ટર બનાવાયા છે. જુનિયર ડીફેન્સ સેક્રેટરી એની-મેરી ટ્રેવેલીનને ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી બનાવાયા છે. બોરિસ જ્હોન્સન એચએસ2 રેલ્વે લાઇનના નિર્માણની દેખરેખ માટે નવા પ્રધાનની નિમણૂક કરે તેવી અપેક્ષા છે.

સુએલા બ્રેવરમેન અને ગિલિયન કીગન સહિત સરકારમાં સંખ્યાબંધ મહિલા સાંસદોની વરણી મિનીસ્ટર તરીકે કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ચાન્સેલર સાજિદ જાવિદને તેમના બધા સ્પેશ્યલ સલાહકારોને કાઢી મૂકવાનુ અને તેમને સ્થાને અને નંબર 10 ડાઉનીંગ સ્ટ્રીટના સલાહકારોને મૂકવાનુ કહ્યુ હોવાનુ મનાય છે. જેના વિરોધમાં તેમણે રાજનામુ આપ્યુ હતુ. જાવિદે તેમની સહાયકોની ટીમને કાઢી મૂકવાના આદેશને નકારી કાઢતા કહ્યું હતું કે “કોઈ સ્વાભિમાન પ્રધાન” આવી સ્થિતિ સ્વીકારી શકે નહીં. તેમને સ્થાને ચાન્સેલર બનાવવામાં આવેલા ટ્રેઝરીના ચિફ સેક્રેટરી ઋષિ સુનક  હજુ સાત મહિના પહેલા જુનિયર હાઉસિંગ મિનીસ્ટર હતા.

જાવિદ ચાર અઠવાડિયા પછી પોતાનું પહેલું બજેટ આપવાના હતા ત્યારે તેમનુ રાજીનામુ ઘણુ બધુ કહી જાય છે. તેમનું રાજીનામું જાવિદ અને વડા પ્રધાનના વરિષ્ઠ સલાહકાર ડોમિનિક કમિંગ્સ વચ્ચેના તણાવની અફવાઓ સાથે સંકળાયેલુ જણાય છે.  જુલાઇમાં વડા પ્રધાન બન્યા જ્હોન્સને ભૂતપૂર્વ હોમ સેક્રેટરી જાવિદને જ્હોન્સને ચાન્સેલર તરીકે બઢતી આપી હતી.

ઋષિ સુનક માર્ચમાં તેમનું પહેલું બજેટ આપવાના છે. બીબીસીના જણાવ્યા મુજબ હવે નંબર 10 અને 11ના વિશેષ સલાહકારોની નવી સંયુક્ત ટીમ સાથે રહીને કાર્ય કરશે. વડા પ્રધાન તેમની ટોચની ટીમમાં ફેરબદલ કરતા હોવાથી અપેક્ષા હતી કે જાવિદ તેમની સાથે રહેશે.

સરકારના સૌથી વરિષ્ઠ એટર્ની જનરલ તરીકે રાજીનામુ આપતા કોક્સે જણાવ્યું હતું કે “મને તાજેતરના તોફાની રાજકીય સમય દરમિયાન એટર્ની જનરલ તરીકે સેવા આપવાનો ખરેખર લહાવો મળ્યો છે. મને વડા પ્રધાન દ્વારા રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે.’’  નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરી તરીકે 204 દિવસ સેવા આપનાર સ્મિથના બહોળા પ્રમાણમાં વખાણ કરવામાં આવ્યાં હતાં.

ડિસેમ્બરમાં કન્ઝર્વેટિવ પાર્ટીની નિર્ણાયક ચૂંટણીમાં જીત બાદ પણ વડાપ્રધાને પોતાનું પ્રધાનમંડળ મોટાપાયે ફેરફાર કરવાનુ ટાળ્યુ હતુ. 31 જાન્યુઆરીએ યુકેએ યુરોપિયન યુનિયન છોડ્યા બાદ લાગતુ હતુ કે વડાપ્રધાન હવે નોંધપાત્ર ફેરબદલ કરશે. તેઓ જુનિયર મિનીસ્ટર પદોમાં પરિવર્તન કરે તેવી અપેક્ષા છે અને મહિલા પ્રતિભાને પ્રોત્સાહન આપી રેશીયો 50/50નો કરશે એમ જણાય છે.

ડાઉનિંગ સ્ટ્રીટમાં આવેલ નંબર ટેન એટલે કે વડાપ્રધાનની કચેરી અને નંબર ઇલેવન એટલે કે ચાન્સેલરની ઓફિસ વચ્ચેના સંબંધો કોઈપણ સરકારમાં મહત્વપૂર્ણ બની રહેતા હોય છે. સરકારમાં નંબર બેની પોઝીશન ધરાવતા સાજીદ જાવિદ અને વડાપ્રધાન બોરિસ જ્હોન્સન વચ્ચે વ્યક્તિગત રીતે સંબંધ બરોબર છે, પરંતુ તેમની વિશાળ ટીમો વચ્ચે ઘણુ ઘર્ષણ થયું છે. જેને પગલે જાવિદે રાજીનામુ આપવાનુ નક્કી કર્યુ હતુ.

એક નજરમાં કેબિનેટ ફેરફાર

રાજીનામુ આપનાર નેતાઓ

સાજિદ જાવીદ, ચાન્સેલર

નિકી મોર્ગન, કલ્ચરલ સેક્રેટરી

કાઢી મૂકાયેલા મિનીસ્ટર્સ

જુલિયન સ્મિથ, નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરી

એન્ડ્રે લીડ્સમ, બિઝનેસ સેક્રેટરી

થેરેસા વિલિયર્સ, અન્વાયર્નમેન્ટ સેક્રેટરી

જ્યોફ્રી કોક્સ, એટર્ની જનરલ

એસ્થર મેકવી, હાઉસીંગ સેક્રેટરી

ક્રિસ સ્કિડમોર, યુનિવર્સિટી સેક્રેટરી

નુસરત ગની, ટ્રાન્સપોર્ટ સેક્રેટરી

જ્યોર્જ ફ્રીમેન, પરિવહન પ્રધાન

બઢતી મેળવનાર મિનીસ્ટર્સ

ઋષિ સુનક, ચાન્સેલર

સુએલા બ્રેવરમેન, એટર્ની જનરલ

આલોક શર્મા, બિઝનેસ સેક્રેટરી અને ક્લાયમેટ કોન્ફરન્સ સીઓપી26 મિનીસ્ટર

એની-મેરી ટ્રેવેલિયન, ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી

ઓલિવર ડોઉડન, કલ્ચરલ સેક્રેટરી

જ્યોર્જ યુસ્ટાઇસ, અન્વાયર્નમેન્ટ સેક્રેટરી

બ્રાન્ડન લુઇસ, નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરી

પદચ્યુત (ડેમોટેડ) મિનીસ્ટર્સ

સ્ટીફન બાર્ક્લે, ચિફ સેક્રેટરી ટ્રેઝરી

હોદ્દો ચાલુ રાખનાર મિનીસ્ટર્સ

પ્રીતિ પટેલ, હોમ સેક્રેટરી

ડોમિનિક રાબ, ફોરેન સેક્રેટરી

રોબર્ટ બકલેન્ડ, જસ્ટીસ સેક્રેટરી

મેટ હેનકોક, હેલ્થ સેક્રેટરી

લિઝ ટ્રસ, ટ્રેડ સેક્રેટરી

રોબર્ટ જેન્રિક, કોમ્યનિટીઝ સેક્રેટરી

ગેવિન વિલિયમસન, એજ્યુકેશન સેક્રેટરી

બેન વોલેસ, ડીફેન્સ સેક્રેટરી

ગ્રાન્ટ શેપ્સ, ટ્રન્સપોર્ટ સેક્રેટરી

સિમોન હાર્ટ, વેલ્શ સેક્રેટરી

એલિસ્ટર જેક, સ્કોટિશ સેક્રેટરી