ભારતની સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો, જેમાં સોમવારથી કોર્ટ હવે પછી નિર્ણયની સમીક્ષા થાય નહીં ત્યાં સુધી ફક્ત અર્જન્ટ કેસીઝની જ સુનાવણી હાથ ધરશે. કોર્ટની વહિવટી પાંખે જારી કરેલા નોટિફિકેશન મુજબ કોરોના વાઈરસના રોગચાળાનો ફેલાવો અટકાવવા, તેનું જોખમ શક્ય એટલું ઓછું કરવા કોર્ટરૂમ્સમાં પણ વકીલો અને કેસના પક્ષકારો, અસીલોના કોર્ટમાં પ્રવેશ ઉપર પણ સખત નિયંત્રણો મુકાયા છે.

સુપ્રીમ કોર્ટે આ નોટિફિકેશનમાં આરોગ્ય મંત્રાલયની એ સલાહનો ઉલ્લેખ કર્યો છે કે, શક્ય હોય ત્યાં સુધી મોટી સંખ્યામાં એક જ સ્થળે વધુ મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરવા નહીં અને થવા દેવા નહીં. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આવી જ સલાહ આપી છે. કોર્ટના આદેશ મુજબ કોર્ટની કામગીરી ફક્ત અર્જન્ટ મેટર્સ પુરતી મર્યાદિત રહેશે અને જે તે કેસમાં રજૂઆત કે દલીલો કરવાના હોય તે વકીલને તેમજ પક્ષકાર વતી પણ ફક્ત એક જ વ્યક્તિને કોર્ટરૂમમાં પ્રવેશ અપાશે.

કોર્ટમાં હાલમાં હોળી-ધુળેટીની રજાઓ છે અને તે રજાઓ લંબાવવાનો વિકલ્પ પણ કોર્ટે ધ્યાનમાં લીધો હતો. સુપ્રીમ કોર્ટમાં સામાન્ય રીતે દર સપ્તાહે સોમવારે અને શુક્રવારે મોટી સંખ્યામાં કેસીઝ દાખલ કરવા માટે લિસ્ટેડ હોય છે અને એ બન્ને દિવસોએ તો કોર્ટરૂમમાં ભારે ભીડ હોય છે. એ સંજોગોમાં કોરોના વાઈરસનો રોગચાળો ફેલાવાનું જોખમ ખૂબજ વધુ રહે છે.