બોલીવૂડમાં નવા વર્ષના કેટલીક નવી જોડીઓ જોવા મળશે. નવી ફિલ્મો નવી વાર્તા અને નવી જોડીઓ સાથે બની રહી છે. આ વર્ષે ફિલ્મોમાં કેટલીક એવી નવી જોડીઓ જોવા મળશે, જે નવી વાર્તાઓ સાથે રજૂ થશે. આ જોડીઓ એવી છે, જે પ્રથમવાર સાથે જોવા મળશે. તેમની સફળતાનો આધાર ફિલ્મના વિવિધ પાસા પર હશે.
કાર્તિક આર્યન–શ્રીલીલા
યુવા અભિનેતા કાર્તિક આર્યન દિગ્દર્શક અનુરાગ બાસુની પ્રેમ કહાની આધારિત ફિલ્મમાં શ્રીલીલા સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મથી શ્રીલીલા બોલીવૂડમાં પદાર્પણ કરી રહી છે. તેમણે જ્યારથી શૂટિંગ શરૂ કર્યું ત્યારથી તેઓ ઘણી વખત સાથે દેખાયા છે, તેથી તેમની વચ્ચેની કેમેસ્ટ્રી અને રોમેન્સની અફવાઓ પણ લાંબા સમયથી ચાલી રહી છે. આ ફિલ્મ 2025માં રિલીઝ થઈ જવાની હતી પરંતુ એક વર્ષ મોડી થઈ ગઈ છે. હજુ સુધી આ ફિલ્મને રિલીઝ કરવાની તારીખ જાહેર થઈ નથી.
વેદાંગ રૈના -શર્વરી વાઘ
આ બંને કલાકારો એવા છે, જેમની ગણતરી છેલ્લા એક બે વર્ષથી સફળ નવોદિત તરીકે થતી હતી. શર્વરીની મુંજ્યા ફિલ્મ ઘણી સફળ રહી હતી અન તેની મહારાજ પણ ઘણી ચર્ચામાં રહી હતી. હવે તે અને વેદાંગ રૈના દિગ્દર્શક ઇમ્તિઆઝ અલીની ફિલ્મમાં કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ પંજાબમાં શરૂ થઈ ચૂક્યું છે. આ બંનેએ અમૃતસરના સુવર્ણમંદિરથી તસવીરો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. તેમણે ફિલ્મના શૂટિંગ પહેલાં ગુરુદ્વારામાં દર્શન કર્યા હતાં.
રણબીર કપૂર–સાઇ પલ્લવી
જે અભિનેત્રીને સાઉથ ઇન્ડિયન ફિલ્મોની સ્ટાર માનવામાં આવે છે તે સાઇ પલ્લવી નિતિશ તિવારીની રામાયણથી રણબીર કપૂર સાથે બોલીવૂડમાં પદાર્પણ કરી રહી છે. તે, આ મહાકાય ફિલ્મ રામાયણમાં સીતાની ભૂમિકા ભજવી રહી છે. થોડાં વખત પહેલાં ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો લીક થઈને વાયરલ થઈ હતી. જેમાં રણબીર અને સાઇને જોઇને દર્શકોની ઉત્સુકતા વધી છે. આ બંનેને નવી પેઢીના સારા કલાકારો માનવામાં આવે છે, તે બંને કેવી ફિલ્મ લઇને આવે છે, તે દિવાળી પર ખબર પડશે.
સિદ્ધાંત ચતુર્વેદી–મૃણાલ ઠાકુર
આ બંને મજબુત કલાકારો છે, સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર સંજય લીલા ભણસાલીની રોમેન્ટિક ફિલ્મમાં કામ કરી રહ્યા છે. તેમની ફિલ્મ ‘દો દિવાને શહેર મેં’નું નિર્માણ કાર્ય થઇ રહ્યું છે. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર થઈ ચુક્યો છે, જેમાં તેમની વચ્ચે કેમેસ્ટ્રી સારી જોવા મળે છે. તેમની લવસ્ટોરી અને રોમાન્સ જ ફિલ્મની સૌથી મહત્વની વાત છે. તે બંને પણ સંજય લીલા ભણસાલી જેવા દિગ્ગજ ફિલ્મકાર સાથે કામ કરીને ગર્વ અનુભવી રહ્યા છે.
અક્ષયકુમાર અને વામિકા ગબ્બી-રાની મુખરજી
અનુભવી અભિનેતા અક્ષયકુમારની હોરર કોમેડી ફિલ્મ ભૂતબંગલાની ઘણી ચર્ચા છે. જાણીતા દિગ્દર્શક પ્રિયદર્શનની આ ફિલ્મની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. લાંબા સમય પછી આ ફિલ્મ માટે અક્ષયકુમાર અને પ્રિયદર્શને ફરી એક વખત સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર સાથે વામિકા ગબ્બીની જોડી છે. આ અગાઉ ‘ભૂલચૂક માફ’ ફિલ્મમાં વામિકાનું કોમિક ટાઇમિંગ જોવા મળ્યું છે. હવે પ્રિયદર્શન અને અક્ષયકુમાર દિગ્ગજોની સાથે તે કેવું કામ કરે છે, તે જોવાનું છે. આ સિવાય અક્ષયકુમાર આ નવા વર્ષમાં રાની મુખરજી સાથે પણ ઓએમજી-3નું શૂટિંગ શરૂ કરશે, રાની અને અક્ષય પણ પ્રથમવાર સાથે કામ કરી રહ્યા છે.
શાહિદ કપૂર–તૃપ્તિ ડિમરી
શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘ઓ રોમિયો’માં સાથે કામ કરી રહ્યાં છે. શાહિદ આ અગાઉ પણ વિશાલ ભારદ્વાજ સાથે સફળ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. હવે તૃપ્તિ ડિમરી સાથે તેની જોડી આ ફિલ્મમાં મોટા પડદે કેટલી અસર કરી શકે છે, તે જોવું રહ્યું.
આયુષ્યમાન ખુરાના–સારા અલી ખાન
યુવા અભિનેતા આયુષ્યમાન ખુરાના આ વર્ષે સૌથી વ્યસ્ત રહેશે. તે જાણીતા દિગ્દર્શક સુરજ બરજાત્યાની ‘પતિ, પત્ની ઓર વો દો’માં કામ કરી રહ્યો છે. જેમાં તે રકુલપ્રીત અને સારા અલી ખાન સાથે પણ જોવા મળશે. આયુષ્યમાને આ પહેલાં નાના શહેરની વાર્તાઓ અને કોમેડી ફિલ્મમાં કામ કર્યું છે અને સારા અલી ખાન પણ ‘ઝરા હટકે ઢરા બચકે’ જેવી ફિલ્મમાં કોમેડી ભૂમિકા ભજવી ચુકી છે. આથી તે બંને પડદા પર કેવો જાદુ રચે છે, તે જોવામાં દર્શકોને પણ મજા આવશે.
સિદ્ધાર્થ મલ્હોત્રા–તમન્ના ભાટીયા
સિદ્ધાર્થ અને તમન્નાની જોડી ઘણી અનોખી છે. તે બંને પ્રથમવાર એકબીજા સાથે ‘વીવન- ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’માં કામ કરી રહ્યા છે. આ એક માઇથોલોજિકલ ફોક થ્રિલર ફિલ્મ છે, આ એક નવા જોનરની ફિલ્મ છે, તેમાં આ જોડીને જોવી પણ દર્શકો માટે એક નવો અનુભવ હશે.














