(Photo: Dan Kitwood/Getty Images)

સરકારે જણાવ્યું છે કે ત્રણ દિવસમાં દસ મિલીયનથી વધુ લોકોએ એનએચએસ કોવિડ-19 એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. જે ઇંગ્લેન્ડ અને વેલ્સની વસ્તીના છઠ્ઠા ભાગ જેટલી છે. એપ્લિકેશનમાં સંભવિત ભૂલો વિશે ચિંતા હોવા છતાં લોકો એપ્લીકેશન ડાઉનલોડ કરી રહ્યા છે. એપ્લિકેશન ગુરૂવાર તા. 24થી ઉપલબ્ધ છે પરંતુ તે થોડીક સમસ્યાઓથી ઘેરાયેલી છે.

આ એપ્લિકેશન તેનો વપરાશ કરનારને QR કોડનો ઉપયોગ કરીને જે તે બિઝનેસીસમાં “ચેક ઇન” કરવાની મંજૂરી આપે છે. આ એપ્લિકેશન પાસેના કોઈપણ નજીકના મોબાઇલને મોનિટર કરવા માટે બ્લૂટૂથનો ઉપયોગ કરે છે.

જો કોઈ વ્યક્તિ પોઝીટીવ જાહેર થાય અને તે પોતાના એપ્લિકેશનને જણાવે તો એપ્લિકેશન વપરનાર અન્ય લોકોએ તે જ સમયે તે જ સ્થળની મુલાકાત લીધી હોય તો તેમને માટે જોખમ માનવામાં આવે છે અને તેમને સેલ્ફ આઇસોલેટ થવા જણાવવામાં આવશે.

સરકારે કહ્યું હતું કે શનિવારે 1.5 મિલિયન સ્થળોએ લોકોએ ચેક-ઇન્સ કર્યું હતું અને પબ અને બાર જેવા વ્યવસાયો દ્વારા 460,000 ક્યુઆર કોડ પોસ્ટરો ડાઉનલોડ અને પ્રિન્ટ કરવામાં આવ્યા છે. બિઝનેસીસને કહેવામાં આવ્યું છે કે તેમણે ખાતરી કરવાની રહેશે કે તેમના ગ્રાહકો પોસ્ટરોના ક્યુઆર કોડને સ્કેન કરીને જ ચેક ઇન કરે અને એપ્લિકેશન વિના આવતા લોકોના સંપર્કની વિગતો રેકોર્ડ કરી જાળવી રાખવી આવશ્યક છે અથવા તેમને દંડ થઈ શકે છે.

ગુરૂવારે, એપ્લિકેશનના પ્રથમ દિવસે છ મિલિયન એપ ડાઉનલોડ્સ કરાયા હતા. જેને એપલ એપ સ્ટોર પર પાંચમાંથી 4.5 અને ગૂગલ પ્લે સ્ટોર પર 4.1 સ્કોર મળ્યો હતો.