Claudia Webb

લેસ્ટર ઇસ્ટના લેબર સાંસદ ક્લાઉડિયા વેબ્બને એક મહિલાની પજવણી કરવાના આરોપ બદલ લેબર પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે. જો આરોપો કોર્ટમાં સાચા પૂરવાર થશે તો લેસ્ટર ઇસ્ટના પૂર્વ એમપી કિથ વાઝના પૂનરાગમનની ઉજ્જવળ તકો છે. મેટ્રોપોલિટન પોલીસ દ્વારા પુરાવાની ફાઇલ આપવામાં આવ્યા પછી ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ (સીપીએસ)એ ચાર્જ મૂકવાની જાહેરાત કરી હતી.

સી.પી.એસ.ના જેની હોપકિન્સે જણાવ્યું હતું કે, “સી.પી.એસ.એ આજે ​​નિર્ણય કર્યો છે કે લેસ્ટર ઇસ્ટના સાંસદ ક્લોડિયા વેબ્બ સામે એક સ્ત્રી વિરુદ્ધ સતામણી કરવાનો ગુનો દાખલ કરવો જોઇએ. વેબ્બ સામે ફોજદારી કાર્યવાહી થશે અને તેમને ન્યાયી સુનાવણીનો અધિકાર છે.’’

લેબર નેતા સર કેર સ્ટાર્મરે સી.પી.એસ.ના નિવેદન પછી એમપી વેબ્બને સસ્પેન્ડ કર્યા હતા. મુખ્ય પક્ષો ફોજદારી ગુનામાં સંડોવાયેલા આરોપી સાંસદોને સસ્પેન્ડ કરે તે સામાન્ય બાબત છે. જો તેઓ નિર્દોષ છૂટે તો આપમેળે તેમને પુન:સ્થાપિત કરવામાં આવશે.

એક નિવેદનમાં, વેબ્બે કહ્યું હતું કે “હું નિર્દોષ છું અને કશું જ ખોટુ કર્યુ નથી. કોર્ટમાં આ સાબિત થવાની રાહ જોઉ છું. હું આ દાવાઓ સામે જોરશોરથી પોતાનો બચાવ કરીશ.”

સુશ્રી વેબ્બે ડિસેમ્બરની સામાન્ય ચૂંટણીમાં કૉમન્સમાં પ્રવેશ કર્યો હતો. પૂર્વ એમપી કીથ વાઝે પુરૂષ સેક્સ વર્કરો સાથેના એન્કાઉન્ટર દરમિયાન અન્ય લોકો માટે કોકેન ખરીદવાની તૈયારી દર્શાવી હતી. જે બદલ હાઉસની પ્રતિષ્ઠાને “નોંધપાત્ર નુકસાન” પહોંચાડવા બદલ તેમને છ મહિના માટે કૉમન્સમાંથી  સસ્પેન્ડ કરાયા હતા.

સુશ્રી વેબ્બે કન્ઝર્વેટિવ્સ ઉમેદવાર સામે 6,019ની બહુમતીથી જીત મેળવી હતી. તેઓ જેરેમી કોર્બીનના સમર્થક હતા. સાંસદ બનતા પહેલા તેઓ 2010 અને 2018ની વચ્ચે નોર્થ લંડનના ઇસ્લીંગ્ટનમાં કાઉન્સિલર હતા. તેઓ એક સમયે લંડનના પૂર્વ મેયર કેન લિવિંગસ્ટનના રાજકીય સલાહકાર હતા.