પ્રતિક તસવીર

કોરોનાવાયરસના રોગચાળાને આટકાવવા માટે જો વર્તમાન પ્રતિબંધોનું પાલન કરવામાં નહીં આવે તો બર્મિંગહામને કડક લોકડાઉનના બંધોનોનો સામનો કરવો પડશે તેવી વેસ્ટ મિડલેન્ડ્સના મેયર એન્ડી સ્ટ્રીટે ચેતવણી આપી છે. નવા પ્રતિબંધો મુજબ, લોકોએ તેમના ઘરની બહારના અથવા સપોર્ટ બબલ સિવાયના કોઈપણ લોકો સાથે મળવાનું રહેશે નહિ.

બર્મિંગહામ, સોલીહલ અને સેન્ડવેલ વિસ્તારમાં ચેપનો દર 100,000 લોકો દીઠ આશરે 30થી 90.3 કેસોનો થઇ જતા લોકોને મંગળવાર તા. 15થી એકબીજાને હળવા-મળવાનું ટાળવાનું કહેવામાં આવ્યું હતું.

મેયર એન્ડી સ્ટ્રીટે રવિવારે જણાવ્યું હતું કે, ‘’અમે આ નિયંત્રણોનો ઉપયોગ કરીશું, ચેપના નંબરો કેવી રીતે આગળ વધે છે તે જોઇશું અને જો તે પર્યાપ્ત નહિં હોય તો અમારે આગળ જવું પડશે. અમને શ્રેષ્ઠ તક આપવા માટે દરેક વ્યક્તિએ હવે નવા નિયમોનું પાલન કરવું પડશે.”

બર્મિંગહામ સિટી કાઉન્સિલના નેતા ઇયાન વૉર્ડે જણાવ્યું હતું કે ‘’વાયરસનો ચેપ વધવાનું મુખ્ય કારણ સામાજિક ક્રિયા-પ્રતિક્રિયાઓને કારણે અને ખાસ કરીને ખાનગી ઘરેલુ મિલનો હતા. વાયરસ દૂર થયો નથી કે તે નબળો નથી થયો, હકીકતમાં તે અવિરત છે અને ફેલાવાને અંકુશમાં લાવવાના આપણા પ્રયત્નોમાં આપણે નિર્દય રહેવું જોઈએ.”

ઇંગ્લેન્ડમાં “રૂલ ઓઉ સીક્સ”ના નિયમ સાથે આ ક્ષેત્રના લગભગ 1.6 મિલિયન લોકો પર સ્થાનિક પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવ્યા છે. તેમ છતાં, નિવાસીઓ શાળા, કામના સ્થળો અને રેસ્ટોરન્ટ્સમાં જવાનું ચાલુ રાખી શકે છે. સખત પગલા સામે સ્થાનિક વિરોધ વચ્ચે, કાઉન્સિલે બર્મિંગહામના કોવિડ-19 હોટસ્પોટ્સમાં “ડોર ટુ ડોર” ટેસ્ટીંગ પણ શરૂ કર્યું છે.

શહેરના પબ્લિક હેલ્થ ડાયરેક્ટર જસ્ટિન વર્ને જણાવ્યું હતું કે “અમે ચેપના ઉંચા દરવાળા પરંતુ ઓછા પરીક્ષણવાળા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીશું.”