(Photo by DANIEL LEAL-OLIVAS/AFP via Getty Images)

વિદેશની મુસાફરી માટે જરૂરી એવા કોવિડ ટેસ્ટીંગના મનમાન્યા ભાવ લેતી કંપનીઓ પર યુકે સરકારે કડક કાર્યવાહી કરવાની સોમવાર, તા. 23ના રોજ જાહેરાત કરી સરકારની વેબસાઇટ પર નોંધાયેલી 80થી વધુ કોવિડ ટ્રાવેલ ટેસ્ટ પ્રોવાઇડર કંપનીઓને ગેરમાર્ગે દોરનારા ભાવો અંગે ચેતવણી આપી હતી.

ડીપાર્ટમેન્ટ ફોર હેલ્થ એન્ડ સોસ્યલ કેર (DHSC)ના જણાવ્યા મુજબ 82 જેટલી કોવિડ ટ્રાવેલ ટેસ્ટ પ્રોવાઇડર કંપનીઓએ સરકારી વેબ સાઈટ પર કોવિડ ટેસ્ટીંગના નીચા ભાવ દર્શાવ્યા હતા. પરંતુ હકિકતમાં તેઓ ઉંચા ભાવ લેતી હતી. વાસ્તવિક કિંમતો માટે સરકારી વેબ સાઇટને અપડેટ કરવામાં આવશે અને કંપનીઓને આ અઠવાડિયે જ ચેતવણી આપવામાં આવશે કે જો તેઓ ફરી ગેરમાર્ગે દોરનારા ભાવની જાહેરાત કરશે તો તેમને યાદીમાંથી દૂર કરવામાં આવશે. સરકાર અસ્તિત્વમાં નથી તેવી 57 કંપનીઓને સાઇટ પરથી હટાવી દેશે અને તેઓ હવે બીજા દિવસ અને આઠમા દિવસનું ટેસ્ટીંગ કરશે નહિં.

હેલ્થ એન્ડ સોશ્યલ કેર સેક્રેટરી સાજિદ જાવિદે કહ્યું હતું કે “કોઈપણ ખાનગી ટેસ્ટીંગ કંપની હોલીડે મેકર્સનો લાભ લે તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આ સપ્તાહથી નિયમિત સ્પોટ ચેક કરી ખાતરી કરવામાં આવશે કે તે કંપનીઓ નિયમોનું પાલન કરી રહી છે, તેમણે જાહેર કરેલ કિંમતો સાચી છે, તેઓ કાયદેસર છે અને કંપનીઓએ યાદીમાં પાછા આવવા માટે પોતાનું નામ બદલ્યું નથી.’’

કંપનીઓ પ્રથમ આદેશના ત્રણ દિવસમાં સુધારો કરવામાં નિષ્ફળ જશે તો તેમને સરકારી સાઇટ પરથી દૂર કરાશે. જેથી લોકોને વિશ્વાસ થશે કે સરકારી સાઇટ પરની કંપનીઓ વિશ્વસનીય છે. સરકારમાં લિસ્ટેડ ન હોય તેવી કંપનીઓ સાથે મુસાફરી માટે બુક કરાયેલ ટેસ્ટનો ઉપયોગ હજુ પણ મુસાફરી માટે થઈ શકે છે. શરત એ છે કે જે તે કંપનીઓએ કાયદેસર જરૂરિયાતો પૂરી કરવી પડશે.

13 ઓગસ્ટ પછી આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે એનએચએસ ટેસ્ટ અને ટ્રેસ ટેસ્ટનો ખર્ચ ગ્રીન અથવા સંપૂર્ણ રસી મેળવનાર એમ્બર દેશોના લોકો માટે £88થી ઘટાડીને £68 કરાયો હતો. જેમણે બન્ને રસી નથી લીધી તેવા એમ્બર દેશના લોકો માટે 2 ટેસ્ટ્સની ફી £170થી ઘટાડીને £136 કરવામાં આવી છે.