આ શિયાળામાં કોરોનાવાઇરસ લૉકડાઉનના વધુ પ્રતિબંધોનું જોખમ ઘટાડવા માટે આ સપ્ટેમ્બર માસથી યુકેની અડધા ભાગની વસ્તીને ફ્લૂની રસીની સાથે કોરોનાવાયરસનો ત્રીજી બુસ્ટર રસી પણ આપવામાં આવશે. ફલૂ અને કોરોનાવાયરસ બંનેની રસી ડાબા-જમણા હાથમાં લેવાની રહેશે. એનએચએસ આ શિયાળા દરમિયાન “સ્વતંત્રતાનું રક્ષણ” કરવા માટે ઑટમ બૂસ્ટર ઝુંબેશની યોજના બનાવી રહી છે અને 50થી વધુ વયના તમામ લોકોને વિનંતી કરી છે.

મિનિસ્ટર્સને આશા છે કે આ રસીઓ મોટા પાયે તે હાઇ સ્ટ્રીટ ફાર્મસીઓ દ્વારા પહોંચાડવામાં આવશે. જોઇન્ટ કમિટિ ઓન વેક્સિનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશન (જેસીવીઆઈ)એ વચગાળાની સલાહ આપી હતી કે, આ બુસ્ટર્સ હેલ્થ કેર કામદારો, અત્યંત સંવેદનશીલ લોકો અને 70થી વધુ વયના લોકોથી શરૂ થવી જોઈએ. તે પછી 50થી ઉપરની વયના, સંવેદનશીલ તબિયત ધરાવતા 50થી નીચેની વયના લોકોને આ બુસ્ટર ડોઝ આપવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત 32 મિલિયન લોકોને આવરી લેવામાં આવશે. 50થી ઓછી વયના લોકોને ત્રીજા ડોઝની હાલમાં એટલા માટે જરૂર નથી કેમ કે તેમના બીજા ડોઝને 6 માસ થયા નથી.

ઇંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઑફિસર જોનાથન વેન-ટેમે જણાવ્યું હતું કે “ઓછા અથવા કોઈ પ્રતિબંધો સાથે કોવિડ-19ને મેનેજ કરવા સક્ષમ થવું તે રસીકરણ કાર્યક્રમની સતત સફળતા પર ખૂબ નિર્ભર છે.

જેસીવીઆઈનો અંદાજ છે કે સામાજિક અંતરના કારણે ગયા વર્ષે ઘટેલા ફ્લૂના કેસો આ વર્ષે સામાન્ય કરતા 50 ટકા વધારે હશે. ઇંગ્લેન્ડના ચિફ મેડિકલ ઓફિસર ક્રિસ વિટ્ટીએ આ અઠવાડિયે કેબિનેટને કહ્યું હતું કે બ્રિટનને “પડકારજનક” શિયાળાનો સામનો કરવો પડ્યો હતો. ગયા વર્ષે 50થી વધુ વયના લોકોને એન્યુઅલ ફલૂની રસી આપવામાં આવી હતી જે આ શિયાળામાં પણ ચાલુ રહેશે. કઇ બૂસ્ટર રસી આપવી કે રસીમાં બદલાવ કરવો તેનો અભ્યાસના પરિણામો પર આધાર રાખીને નિર્ણય લેવામાં આવશે.

બૂસ્ટર પ્રોગ્રામની સંપૂર્ણ વિગતો, રોગપ્રતિકારક શક્તિ કેટલો લાંબી ચાલે છે, ત્રીજી રસી પછી રોગપ્રતિકારક પ્રતિક્રિયાઓ અને કોવિડની સાથે જ ફલૂની રસી આપવાથી થતી આડઅસરો પરના ડેટાના આધારે નક્કી કરવામાં આવશે. કેટલાક ડોકટરોએ સવાલ કર્યો છે કે જ્યારે વિશ્વમાં પ્રથમ અને બીજા ડોઝની અછત હોય ત્યારે ત્રીજી રસી આપવી એ નૈતિક છે? પરંતુ અધિકારીઓને યુકેને પ્રાધાન્ય આપવાનું કહેવામાં આવ્યું છે.

હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે કહ્યું હતું કે “આપણે આ વાયરસથી જીવવાનું શીખવાની જરૂર છે. આપણા પ્રથમ કોવિડ-19 રસીકરણ કાર્યક્રમે આ દેશમાં સ્વતંત્રતાને પુનસ્થાપિત કરી છે અને આપણો બૂસ્ટર પ્રોગ્રામ આ સ્વતંત્રતાનું રક્ષણ કરશે.”

જેસીવીઆઈનું માનવું છે કે વિવિધ વેરિયન્ટ્સ સામે કારગત રસી ઑટમ પહેલા ઉપલબ્ધ થશે નહીં. જો કે વિશેષ એસ્ટ્રાઝેનેકા રસી આ શિયાળા માટે ઉપલબ્ધ થશે તેવી આશા હજૂ પણ રખાય છે. નોવાવેક્સ રસીનો ઉપયોગ ફાઇઝર અને મોડેર્ના સાથે ત્રીજા ડોઝ તરીકે થવાની સંભાવના છે. ગયા શિયાળામાં 50થી 64 વર્ષની વયના માત્ર 35 ટકા લોકોએ ફ્લૂની રસી અને 85 ટકાએ કોવિડ-19 રસી લીધી હતી.