પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

દેશના ચિફ મેડિકલ એડવાઇઝર ક્રિસ વ્હ્ટીએ સરકારને પડકારરૂપ શિયાળા દરમિયાન રોગચાળાના ઉછાળાની ચેતવણી આપી હતી પરંતુ ખાતરી આપી હતી કે જો સરકાર 19 જુલાઇથી ઈંગ્લેન્ડમાં કોવિડ પ્રતિબંધોને સરળ બનાવશે તો કોવિડ રોગચાળો વકરશે તો પણ હોસ્પિટલો તેનો સામનો કરી શકશે.

પ્રોફેસર ક્રિસ વ્હિટ્ટીએ તા. 5ના રોજ કેબિનેટની બ્રીફિંગમાં કહ્યું હતું કે કોરોનાવાયરસના કેસમાં થઇ રહેલો વધારો હોસ્પિટલની સારવારની જરૂર પડે તેવો તીવ્ર વધારો નથી. ઉનાળો શક્ય તેટલા નિયંત્રણોને સરળ કરવા માટેનો સમય છે. પરંતુ શિયાળામાં લોકો ઘરની અંદર વધારે હોય છે ત્યારે વાઇરસ વધુ ફેલાય છે.

મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વૉલેન્સ અગાઉ કહ્યું હતું કે જો શિયાળામાં ચેપનો પ્રસાર વધે તો ફેસ માસ્કના પ્રતિબંધો લાદવાની જરૂર પડી શકે છે. વૈજ્ઞાનિકોનો મત એ હતો કે શિયાળા પહેલા આપણે આ ઉનાળામાં શક્ય તેટલું ખુલ્લું કરવું જોઈએ.

તા. 5ના રોજ કુલ 20,479 લોકો પોઝીટીવ જાહેર થયા હતા. જે પાછલા દિવસ કરતા થોડો ઘટાડો હતો, પરંતુ સપ્તાહ દરમિયાન 75 ટકાનો વધારો થયો છે. ઇંગ્લેન્ડમાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર આ મહિને બમણો થયો છે, પરંતુ જાન્યુઆરીમાં રોજના 4,000ની સામે તે હાલ દિવસમાં ફક્ત 204ની સરેરાશથી દર્દીઓ દાખલ થાય છે. જ્યારે 23 લોકોના કોવિડ-19થી મૃત્યુ થયા હતા.

જુલાઈ 19 સુધીમાં યુકેમાં પુખ્ત વયના 66 ટકા લોકો તેમની રસીના બંને ડોઝ લઇ ચૂક્યા હશે. આ રસીકરણથી જ ચેપ લાગ્યો હોવા છતાં હોસ્પિટલમાં વધુ સારવારની જરૂરિયાત પડતી નથી.

હોમ સેક્રેટરી, પ્રીતિ પટેલે ટાઇમ્સ રેડિયોને કહ્યું હતું કે “હું માસ્ક ઉતારવાનું પસંદ કરું છું, પરંતુ યોગ્ય સમયે હું તે કરીશ. આપણે છેલ્લા 12  મહિનાથી ખરેખર આ વાઇરસ સાથે જીવી રહ્યા છીએ, આપણી પાસે રસી છે, એક તબક્કે બૂસ્ટર ડોઝ પણ હશે.”