યુકેમાં કોરોના મહામારી સંબંધિત કેટલાક પ્રતિબંધો-નિયંત્રણોમાં છૂટછાટો આપવામાં આવી છે. સરકારે જણાવ્યું કે વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવામાં આવતા ગંભીર બીમારીને પગલે હોસ્પિટલાઈઝેશનમાં ઘટાડો નોંધાયો છે. ગુરુવારથી દેશમાં ફરજિયાત માસ્ક પહેરવાના નિયમમાં છૂટ આપવામાં આવી છે. આ સાથે જ નાઈટ ક્લબ અને અન્ય મોટા સ્થળો પર પ્રવેશ માટે કોવિડ પાસની જરૂર પણ સમાપ્ત થઈ ગઈ છે.
સરકારે ગત સપ્તાહે લોકોને ઘરેથી કામ કરવા માટેની ગાઈડલાઈનને પણ સમાપ્ત કરી હતી. આ ઉપરાંત સ્કૂલોમાં ફેસ કવરિંગને પણ રદ કરવામાં આવ્યું હતું. ઓમિક્રોનના કેસમાં ઉછાળો નોંધાતા ડિસેમ્બરમાં દેશમાં પ્લાન બી લાગુ કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ લોકોને બૂસ્ટર ડોઝ લગાવવા માટે આરોગ્ય સેવા વગેવાન બનાવવામાં આવી હતી. હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું કે સરકારે વેક્સિન રોલઆઉટ, ટેસ્ટિંગ અને એન્ટીવાયરલ સરાવાર જેવા કારગર પગલાં લીધા છે. આનાથી યુરોપમાં વાઇરસ સામે મજબૂત રક્ષણાત્મક વિકાસ થયો છે, પરિણામે સ્થિતિ સામાન્ય થાય તેનો માર્ગ મોકળો થયો હતો. આપણે સૌ કોવિડ વાયરસ સાથે જીવતા શીખી રહ્યા છીએ, જોકે, એ યાદ રહે કે આ વાયરસ ક્યાંય દૂર નથી જઈ રહ્યો.
દેશમાં 81 ટકા લોકોએ બૂસ્ટર ડોઝ લઈ લીધો છે. આ ઉપરાંત 12 વર્ષથી ઉપરના તમામ લોકોને ધ્યાનમાં લેતા 84 ટકાએ વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે. જો કે તેમ છતાં બાળકો અને વૃદ્ધો માટે કોરોના મુશ્કેલી ઉભી કરી શકે છે. જો કે લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે તકેદારીના ભાગરૂપે લંડનમાં બસ અને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ફેસ કવરિંગ ફરજિયાત કરવું પડશે. કોરોના કેસો ઘટ્યા હોવા છતાં લોકોએ સાવચેત રહેવું પડશે.