(Photo by Jeff J Mitchell/Getty Images)

ઓમિક્રોન વાઇરસનો વ્યાપ દિન પ્રતિદિન સતત વધી રહ્યો છે અને વડા પ્રધાન બોરિસ જૉન્સન ઓમિક્રોન પર કાર્યવાહી કરવા અંગે વૈજ્ઞાનિક સલાહકારો અને તેમની કેબિનેટનું દબાણ અનુભવી રહ્યા છે ત્યારે નવા કોવિડ પ્રતિબંધો ક્રિસમસ પહેલાં લાદવામાં આવે તેવી હાલમાં કોઇ શક્યતા નથી. પરંતુ બોરિસ જૉન્સને ચેતવણી આપી છે કે રોગચાળાને કાબુમાં લેવા માટેના આકરા પગલા તેમની નજર સામે ટેબલ પર જ રહેશે. સરકાર ઓમિક્રોનના જોખમના ડેટાને દર કલાકે મોનિટર કરી રહી છે. યુકેમાં સૌથી વધુ સંખ્યામાં ઓમિક્રોન વાઇરસના કેસ છે. સમગ્ર યુકેમાં સોમવારે તા. 20ના રોજ 91,743 લોકો કોવિડ માટે પોઝીટીવ જણાયા હતા.

તા. 20ને સોમવારે બે કલાક ચાલેલી કેબિનેટ મીટિંગ કોઈ નિર્ણય વિના સમાપ્ત થઇ હતી. લાખો લોકો અને બિઝનેસીસને અવઢવમાં છોડીને તાત્કાલિક પ્રતિબંધોની જરૂરિયાત અંગે વૈજ્ઞાનિકોની સલાહને અનુસરવામાં વડા પ્રધાન નિષ્ફળ ગયા હોવાનો અને તેઓ તેમના પોતાના સાંસદો સામે ઊભા રહેવા માટે “ખૂબ નબળા” છે એવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે.

જોન્સને જણાવ્યું હતું કે ‘’લંડનમાં હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને લંડન પર ઓમિક્રોન વાઇરસનો સૌથી વધુ ફટકો પડ્યો છે. હું હોસ્પિટાલિટી કંપનીઓ પર પડેલી અસરને સમજુ છું. હાલના પ્લાન B પ્રતિબંધો આપણા અને દેશ માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.’’

કેબિનેટ મીટિંગ દરમિયાન, વૈજ્ઞાનિક સલાહકારોએ મિનિસ્ટર્સને લંડનમાં હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં તીવ્ર વધારો થતો હોવા સહિતના નવીનતમ ડેટા વિશે માહિતી આપી હતી. તેના પછી, વડા પ્રધાને કહ્યું હતું કે કડક પગલાં માટેની અને તેની વિરુદ્ધની દલીલો “ખૂબ સંતુલિત” હતી અને પરિસ્થિતિ “અત્યંત મુશ્કેલ” હતી.
સરકારી સૂત્રો મુજબ હાલમાં 25 ડિસેમ્બર પહેલાં નવા નિયંત્રણો લાદવામાં આવે તેવી કોઇ શક્યતા નથી. જોકે નવા વર્ષની પૂર્વસંધ્યાએ કે આગામી દિવસોમાં નવા નિયમો અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. વિચારણા હેઠળના પગલાંમાં ઘરની અંદર મળતા પરિવારો પર મર્યાદા, સામાજિક અંતર અને હોસ્પિટાલીટી ક્ષેત્ર પર કર્ફ્યુનો સમાવેશ થાય છે.

સંસદીય સત્તાવાળાઓ નવા પગલાં પર મતદાન માટે મંગળવારે 28 ડિસેમ્બરે કોમન્સને બોલાવવાની સંભવિત વિનંતી માટે તૈયારી કરી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, સરકાર સમક્ષ કોવિડ રોગચાળાને રોકવાના પગલાં તરીકે ધ્યાનમાં લેવા માટે ત્રણ વિકલ્પો તૈયાર કર્યા છે, જેમાં લોકોનું હળવા-મળવાનું મર્યાદિત કરવું, દુકાનો અને રેસ્ટોરાંના વહેલા બંધ કરવા અને લોકોના મિલન પર કડક ગાઇડલાઇન મૂકવાનો વિકલ્પ છે. સરકારે આ વિકલ્પો અંગે હજુ નિર્ણય લેવાનો બાકી છે.

પગલા લેવા ઝડપી કાર્યવાહી માટે દબાણ કરનારા કેબિનેટ મંત્રીઓમાં હેલ્થ મિનિસ્ટર સાજિદ જાવિદ અને કલ્ચર સેક્રેટરી નાડાઇન ડોરીસનો સમાવેશ થાય છે. જો કે, ચાન્સેલર, ઋષિ સુનક, ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ અને એજ્યુકેશન મિનિસ્ટર નદીમ ઝહાવી, ઓમિક્રોનનો સામનો કરવા માટે પ્લાન Cની જરૂર હોવાના “અવિવાદિત પુરાવા” માટે રાહ જોઇ રહ્યા હોવાનું કહેવાય છે.’

હેલ્થ સેક્રેટરી સાજિદ જણાવ્યું હતું કે ‘’સરકાર કડક આયોજન કરી રહી છે અને અમે ડેટા જોઈ રહ્યા છીએ. અમારા વૈજ્ઞાનિકો અને શ્રેષ્ઠ સલાહકારો સાથે ચર્ચા કરી રહ્યા છીએ. અમે ખૂબ જ કાળજીપૂર્વક દેખરેખ રાખી પરિસ્થિતિને સમીક્ષા કરીશું.”

એવા અહેવાલો છે કે બિઝનેસીસ ક્રિસમસના સમયગાળામાં બુકિંગ રદ થવાના અને કર્મચારીઓની ગેરહાજરીનો સામનો કરવા સાથે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે ચાન્સેલર ઋષિ સુનક સમયે કડક લોકડાઉન પગલાંનો પ્રતિકાર કરનારાઓમાંનો એક છે.

નાયબ વડા પ્રધાન ડોમિનિક રાબે કડક લોકડાઉન પગલાંની અપેક્ષા અંગે જણાવ્યું હતું કે “મને લાગે છે કે રસીકરણના વધેલા સ્તર અને ખાસ કરીને બૂસ્ટર અભિયાનની અસરના કારણે ગયા વર્ષ કરતાં વધુ સારી ક્રિસમસ હશે. જો કે લોકોએ સાવચેત રહેવાની જરૂર પડશે.”

લંડનના મેયર સાદિક ખાને લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેરમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ યોજાનારી ઉજવણી “જાહેર સલામતીના હિતમાં” રદ કરવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં 6,500 લોકો હાજરી આપવાના હતા.
વિકેન્ડમાં 24 કલાકની અંદર આપવામાં આવેલી રસીઓની સંખ્યા પ્રથમ વખત 1 મિલિયન થઈ હતી. 12 વર્ષથી વધુ ઉંમરના 50 ટકા લોકોને બૂસ્ટર ડોઝ મળ્યો છે.

યુનિવર્સિટી કોલેજ લંડનના ક્લિનિકલ ઓપરેશનલ રિસર્ચ યુનિટના ડાયરેક્ટર પ્રોફેસર ક્રિસ્ટીના પેજલે જણાવ્યું હતું કે ‘’ઓમિક્રોનના ફેલાવાના વધુ ચોક્કસ પુરાવાની રાહ જોવાથી NHS ડૂબી શકે છે અને આ સંકટ ટાળવામાં મોડું થઈ ગયું છે. SAGEની સલાહને અનુસરો અને આગામી દિવસોમાં હજારો ચેપને રોકવા માટે તરત જ રોડમેપના બીજા પગલા પર પાછા ફરો. દર કલાકે પરિસ્થિતિનું નિરીક્ષણ કરો જેથી શક્ય તેટલી ઝડપથી પગલાં ઉઠાવી શકાય.”
લેબર નેતા સર કેર સ્ટાર્મરે બોરિસ જોન્સન પર ચાલુ કારની “સ્ટીયરીંગ વ્હીલ પર ઊંઘી” ગયા હોવાનો આરોપ મૂક્યો છે અને ક્રિસમસ પર્વ વખતે કેવી સ્થિતી હશે તે અંગે બને તેટલી વહેલી તકે સ્પષ્ટતા કરવાની માંગ કરી છે.
શેડો હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટીંગે કહ્યું હતું કે “જ્યારે દેશભરના બિઝનેસીસ અને પરિવારો અવઢવમાં છે ત્યારે વડા પ્રધાન જનતા કરતા તેમના પક્ષનું હિત જુએ છે. દેશ માટે સ્પષ્ટ યોજના નક્કી કરવાને બદલે તેમણે કંઈપણ ન કહીને પોતાના સાંસદોથી પોતાને બચાવવાનું પસંદ કર્યું છે. બોરિસ જોનસન નેતૃત્વ કરવા માટે અયોગ્ય છે.’’
લોકડાઉન વિષેની શરમજનક હેડલાઇન્સના અઠવાડિયા પછી અને ક્રિસમસ પહેલા વૈજ્ઞાનિકોની સલાહને ધ્યાનમાં લેવામાં નિષ્ફળતા અંગેની ટીકાઓ બાદ તા. 20ને સોમવારે સાંજે 2022 PDC વર્લ્ડ ડાર્ટ્સ ચૅમ્પિયનશિપ માટે લંડનમાં એલેક્ઝાન્ડ્રા પેલેસમાં દર્શકોએ બોરિસ જોન્સનનો વિરોધ કરી ‘સ્ટેન્ડ અપ ઇફ યુ હેટ બોરીસ’ના સુત્રોચ્ચારો કર્યા હતા. આ અગાઉ પબ્લિક હેલ્થ નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે આ કાર્યક્રમ “સ્ટીરોઇડ્સ પર કોવિડના ફેલાવા” સમાન છે.
યુનિવર્સિટી ઓફ નોટિંગહામના પબ્લિક હેલ્થ એક્સપર્ટ પ્રોફેસર કીથ નીલે જણાવ્યું હતું કે ચેમ્પિયનશિપમાં 80,000 પ્રેક્ષકો આવવાની અપેક્ષા છે ત્યારે “સામાજિક અંતરનો કોઈ ખ્યાલ નથી અને તેઓ માસ્ક પહેરશે નહીં કારણ કે તેઓ પી રહ્યા હશે. “યુકે હોસ્પિટાલીટીના વડા, કેટ નિકોલ્સે જણાવ્યું હતું કે, ‘’ઉદ્યોગને આવતા અઠવાડિયે તેમના પર મૂકવામાં આવનારા કોઈપણ પ્રતિબંધોની સૂચનાની જરૂર છે, જેમાં નાણાકીય સહાય નિર્ણાયક છે. પેઢીઓ અવઢવમાં છે, તેમના વેપારનો 60 ટકા હિસ્સો ગુમાવ્યો છે જ્યારે હજુ પણ મોટા ભાડા, વેરાના બિલો તેમજ સ્ટાફનું વેતન ચૂકવવાનું બાકી છે.

બિશપ ઓકલેન્ડના કન્ઝર્વેટિવ સાંસદ ડેહેના ડેવિસને કહ્યું હતું કે “છેલ્લા બે દિવસમાં, પબ અને રેસ્ટોરન્ટ્સે મારો સંપર્ક કર્યો છે અને પૂછ્યું છે કે શું તેઓ ખાવા અને પીણાંનો ઓર્ડર આપવો જોઈએ. મને લોકોના ઈમેઈલ આવ્યા છે કે શું તેઓએ તેમના લગ્ન પાંચમી વખત મુલતવી રાખવા જોઈએ, અથવા તેઓ ક્રિસમસ પર તેમની માતાને જોઈ શકે છે. અમને ખરેખર અમુક નિશ્ચિતતાની જરૂર છે.

સરકારના વૈજ્ઞાનિક સલાહકારો મળનારા લોકોના જૂથોનું કદ ઘટાડવાનું અને જ્યાં રોગના ટ્રાન્સમિશનનું ઊંચું જોખમ હોય તેવા સ્થળોને બંધ કરવા જેવા વધુ નિયંત્રણો ઇચ્છે છે. કેટલાક નેશનલ હેલ્થ સર્વિસ (NHS) ટ્રસ્ટોએ પહેલાથી જ બિન-આવશ્યક કામ મુલતવી રાખવું પડ્યું છે. યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સીએ શનિવાર તા. 18ના રોજ નવા પ્રકારના વધારાના 10,059 કેસની પુષ્ટિ કરી હતી. જે શુક્રવારે (3,201) નોંધાયેલા કેસો કરતાં ત્રણ ગણા વધુ હતા. જ્યારે દૈનિક મૃત્યુની સંખ્યા 125 પર પહોંચી હતી. જે શુક્રવારના 111 મોત કરતાં વધારે હતા.

ડાઉનિંગ સ્ટ્રીટની પાર્ટી બાબતે વિવાદ

મે 2020માં કડક કોવિડ નિયમો લાગુ કરાયા હતા ત્યારે 10 ડાઉનિંગ સ્ટ્રીટના બગીચામાં વાઇન અને ચીઝ પાર્ટીમાં વડા પ્રધાન, તેમની પત્ની અને 17 જેટલા સ્ટાફની હાજરીની તસવીરો ‘ધ ગાર્ડિયન’ અખબાર દ્વારા પ્રકાશિત થયા બાદ વડા પ્રધાન દબાણ હેઠળ છે. જો કે ડાઉનિંગ સ્ટ્રીટે આ વર્ક મીટિંગ ઇમેજનો બચાવ કર્યો છે. વિવેચકો કહે છે કે તેમેણે ગયા વર્ષે લોકડાઉન પ્રતિબંધોના ભંગ કરી જાહેર વિશ્વાસને નુકસાન પહોંચાડ્યુ છે. ડાઉનિંગ સ્ટ્રીટની માફી માંગવામાં નિષ્ફળતાએ બળતામાં ઘી ઉમેર્યું હતું.

લંડનના મેયર સાદિક ખાને ઓમિક્રોન ચેપને મોટી ઘટના જાહેર કરી

લંડનના મેયર સાદિક ખાને મોટી ઘટના જાહેર કરતાં જણાવ્યું હતું કે “મને લાગે છે કે જો નવા પ્રતિબંધો લાવવામાં આવે, અને તે અનિવાર્ય છે, તેવા સંજોગોમાં અમારા હોસ્પિટાલીટી, કલ્ચર અને રીટેઇલ ક્ષેત્રો માટે નાણાકીય સહાયનું એક મોટું પેકેજ હોવું જોઈએ. મને ડર લાગે છે કે છેલ્લા કેટલાક દિવસોથી અમે ઓમિક્રોનના ચેપનો મોટો ઉછાળો જોયો છે. જો કે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ગયા વર્ષની સરખામણીએ આ વખતે ઓછી છે, જેમાં વેન્ટિલેટર પર રહેલા લોકોનો સમાવેશ થાય છે, પરંતુ પોઝિટિવ કેસોની સંખ્યા ઘણી ઉપર છે. છેલ્લા 24 કલાકમાં, અમારી પાસે લગભગ 30,000 પુષ્ટિ થયેલા નવા કેસ છે, અને છેલ્લા સાત દિવસમાં, 130,000થી વધુ પુષ્ટિ થયેલા નવા કેસ છે અને દિશા ફક્ત એક જ તરફ ઉપર જઈ રહી છે.”

• વેલ્સે 27 ડિસેમ્બરથી, ક્રિસમસ પછી નાઈટક્લબોને બંધ કરવાનો આદેશ આપ્યો છે.
• નેશનલ હેલ્થ સર્વિસે આ અઠવાડિયે 4 મિલિયન બૂસ્ટર-શૉટ્સ આપ્યા હતા.
• UKHSAના તાજેતરના ડેટા દર્શાવે છે કે રસીના બે ડોઝ ઓમિક્રોન વેરિઅન્ટ સામે રક્ષણ કરવા માટે પૂરતા નથી, પરંતુ બૂસ્ટર નોંધપાત્ર રીતે રક્ષણમાં વધારો કરે છે.
• NHS આંકડાઓ મુજબ ઇંગ્લેન્ડમાં 40 વર્ષથી વધુ ઉંમરના 75 ટકા પાત્ર લોકો તેમના બૂસ્ટર-શૉટ્સ પ્રાપ્ત કરી ચૂક્યા છે, 50 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા 80 ટકા છે.
• યુકેમાં ઓમિક્રોન કેસોની કુલ સંખ્યા 37,101 પર અને રવિવારે એકંદરે કોવિડ-19ના કારણે ચેપગ્રસ્ત થયેલા લોકોની સંખ્યા 82,886 પર પહોંચી ગઈ છે.
• કોરોનાવાઇરસ ટેસ્ટીંગના 28 દિવસમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 45 પર પહોંચી છે.