દહેગામ પાસે આવેલી નર્મદા કેનાલમાં અમદાવાદના ચાર યુવાનો ડૂબી જતાં તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ યુવાનો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના રહેવાસી હોવાનું જણાવાઈ રહ્યું છે. કુલ છ યુવકો અહીં બર્થ-ડેની ઉજવણી કરવા આવ્યા હતા અને તેમાંથી ચાર યુવકો ડૂબી ગયા હતા.

નરોડા-દહેગામ હાઈવે પર રાયપુરથી વીરા તલાવડી જવાના રસ્તા પર આવેલા નર્મદા કેનાલના બ્રિજ પાસે બુધવારે બપોરના સમયે આ ઘટના બની હતી. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના છ યુવકો એક બાઈક અને એક એક્ટીવા પર અહીં આવ્યા હતા. આ લોકો અહીં મિત્રના બર્થ-ડેની ઉજવણી કરવા આવ્યા હતા અને અહીં સેલ્ફી લઈ રહ્યા હતા એ દરમિયાન આ ઘટના બની હતી.

આ છ યુવકો પૈકી ગૌરવ સુરેશભારથી હમીરભારથી બાવાનો જન્મ દિવસ હતો. જેની તેમણે કેનાલ ખાતે ઉજવણી કરી હતી. બાદમાં સ્મીત પટેલ, જયદીપ સબલાનીયા, નિકુંજ સાગર અને સાહિલ પટેલ સાયફનના પગથિયાં પર ઉતરી સેલ્ફી લઈ રહ્યા હતા. આ દરમિયાન ગૌરવને આઈટીઆઈમાં જવાનું હોવાથી તે અન્ય મિત્ર સાથે ઘરે જવા નીકળ્યો હતો. તે થોડે દૂર પહોંચ્યો હતો ત્યાં તેને તેના મિત્રોની બચાવો-બચાવોની બૂમો સંભળાતા તે ત્યાં પાછો ફર્યો અને જોયું તો તેના ચારેય મિત્રો કેનાલમાં ડૂબી રહ્યા હતા. જોકે, એક સાથે ચારેય મિત્રો કઈ રીતે ડૂબ્યા તે અંગે હજુ કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, એક મિત્રને બચાવવા જતાં બીજા મિત્રો પણ ડૂબ્યાં હશે.