પ્રતિક તસવીર : કમળાબેન પટેલ

યુકેમાં 10.15 મિલિયન લોકોને એટલે કે પુખ્ત વયના લોકો પૈકી 19 ટકા લોકોને હવે બંને ડોઝ મળી ગયા છે. યુકેમાં તા. 8 ડિસેમ્બરથી 18 એપ્રિલની વચ્ચે કુલ 32.93 મિલિયન લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. સરકાર અને સેવા સંસ્થાઓ લોકોને વાયરસ સામે મહત્તમ સંરક્ષણ લેવા માટે સૌને બીજો ડોઝ લેવા વિનંતી કરી છે.

વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું હતું કે “રસી આપણને વાયરસ સામે શ્રેષ્ઠ સંભવિત રક્ષણ આપે છે, તે ખૂબ જ અદભૂત છે કે હવે 10 મિલિયન લોકોને તેમની રસીની બીજી માત્રા મળી ગઇ છે. આ અમારા રસીકરણ કાર્યક્રમનું બીજુ નોંધપાત્ર લક્ષ્ય છે, જેણે હજારો લોકોનું જીવન બચાવી લીધું છે. હું રસીના રોલઆઉટમાં સામેલ તેજસ્વી સ્ટાફ અને સ્વયંસેવકોનો આભાર માનું છું, અને બધાને રસી લેવા વિનંતી કરું છું.”

હેલ્થ એન્ડ સોશ્યલ કેર સેક્રેટરી મેટ હેનકોકે કહ્યું હતું કે “આ બીજો માઇલસ્ટોન છે જેમાં યુકેમાં કોવિડના સૌથી સંવેદનશીલ એવા 10 મિલિયનથી વધુ લોકોને આ ભયાનક વાયરસ સામે બમણુ સંરક્ષણ મળી ચૂક્યું છે. કોવિડ સામે તમારા રક્ષણની શક્તિ અને અવધિ વધારવા માટે બીજો ડોઝ નિર્ણાયક છે અને હું શક્ય તેટલુ જલ્દીથી રસી લેવા દરેકને વિનંતી કરું છું.’’

વેક્સીન સેક્રેટરી નધિમ ઝહાવીએ કહ્યું હતું કે “રસીએ પહેલાથી જ 10,000થી વધુ લોકોનો જીવ બચાવ્યો છે અને તમને અને તમારા પ્રિયજનને આ ભયાનક રોગથી બચાવવા માટે રસી એ શ્રેષ્ઠ માર્ગ છે.’’

સરકારે પહેલેથી જ 50થી વધુ વયના લોકો, ક્લિનિકલી નબળા, હેલ્થ એન્ડ સોશ્યલ કેર વર્કર્સને એપ્રિલ સુધીમાં રસીનો પ્રથમ ડોઝ આપવાનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે અને જુલાઈના અંત સુધીમાં બધા પુખ્ત વયના લોકોને રસી આપવાના ટ્રેક પર છે.