દેશના રસીકરણ કાર્યક્રમના વિસ્તરણના ભાગરૂપે NHS દ્વારા સોમવાર તા. 20થી ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં રહેતા 12થી 15 વર્ષની વયના સ્કૂલનાં બાળકોને કોવિડ-19 રસી આપવાનું શરૂ કરાયું છે. જ્યારે વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં આગામી સપ્તાહથી રસી આપવામાં આવશે. યુકેના મુખ્ય તબીબી અધિકારીઓની ભલામણ અને સરકારની સ્વીકૃતિ બાદ આ વય જૂથના લગભગ 3 મિલિયન બાળકોને ફાઇઝર/બાયોટેક રસીનો એક ડોઝ આપવામાં આવશે.

હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે, “12-15 વર્ષના બાળકોને આજે તેમની રસી લેવાનું શરૂ થવું ઉત્સાહજનક છે. યુવાનોને કોવિડ-19 થી બચાવવા અને તેમના શિક્ષણમાં આવતો કોઈ પણ વિક્ષેપ ઓછો કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. રસીએ લોકોના જીવન બચાવવા અને ચેપને ફેલાતો ઘટાડવામાં નોંધપાત્ર તફાવત કર્યો છે. 12 અને તેથી વધુ વયના લોકોને રસી આપવા માટેના સલામતી અને અસરકારકતાના કડક ધોરણોને રસીએ પૂર્ણ કર્યા છે.”

નેશનલ હેલ્થ સર્વિસે જણાવ્યું હતું કે ‘’આ સપ્તાહમાં દેશભરની સેંકડો શાળાઓમાં રસી આપવાનું શરૂ થશે. ફલૂ અને એચપીવી રસીઓની જેમ, કોવિડ-19 જેબ્સ સ્થાનિક સ્કૂલ એજ ઇમ્યુનાઇઝેશન સર્વિસીસ દ્વારા આપવામાં આવશે અને તમામ પાત્ર બાળકોને ઓળખવા માટે શાળાઓ સાથે નજીકથી કામ કરશે. આ માટે માતાપિતા અને વાલીઓને સંમતિ પત્ર મોકલવામાં આવી રહ્યા છે.’’

NHS કોવિડ-19 રસીકરણ કાર્યક્રમના ડેપ્યુટી લીડ અને જીપી ડો. નિક્કી કાનાણીએ જણાવ્યું હતું કે, “અમે 77 મિલિયનથી વધુ રસીઓ આપી છે. એનએચએસ હવે આગામી દિવસોમાં સેંકડો શાળાઓમાં રસી આપશે. રસી સલામત અને અસરકારક છે અને હું પરિવારોને વિનંતી કરીશ કે તેઓ તેમના બાળકોને રસી આપવા દે.’’

એજ્યુકેશન સેક્રેટરી નધીમ ઝહાવીએ કહ્યું હતું કે ‘’12થી 15 વર્ષના લોકોને રસી આપવા શાળાઓ અને પ્રદાતાઓ માતાપિતા અથવા કાનૂની વાલીઓની સંમતિ લેશે. પરંતુ જો બાળક માતાપિતાની સંમતિ વિના રસી મેળવવા માંગે, તો બાળક અને માતાપિતાને ક્લિનિશિયન અથવા હેલ્થ કેર વિભાગ સાથે સંયુક્ત ચર્ચા માટે આમંત્રિત કરવામાં આવશે.’’