ફાર્માસ્યુટિકલ જાયન્ટ એસ્ટ્રાઝેનેકાએ આજે ઑક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત કોવિડ-19ની રસીનુ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવા માટે સંમતિ આપી છે. તેની પ્રાયોગિક જેબના હ્યુમન ટ્રાયલ્સ ગયા અઠવાડિયે શરૂ થયા હતા અને તેના પ્રથમ પરિણામો જૂનના મધ્યમાં આવવાની ધારણા છે.

જો જીવલેણ વાયરસ સામે તે રક્ષણ આપી શકે છે તેમ સાબિત થશે તો રસીનુ બને એટલુ વહેલુ ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવશે એમ યુનિવર્સિટીએ આજે ​​જણાવ્યું હતું. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે તેનુ સ્વાગત કર્યુ હતુ. બંને ભાગીદારોએ આજે ​​જાહેર કર્યુ હતુ કે ‘’તેઓ ફક્ત ઉત્પાદન અને વિતરણના ખર્ચ જ લેશે.’’

રસીકરણ વિકસાવવામાં એક દાયકાનો સમય લાગી શકે છે અને વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે 18 મહિનાની અંદર અસરકારક રસી શોધી કાઢવી ‘અભૂતપૂર્વ’ હશે. ઇમ્પિરિયલ કૉલેજ લંડનના સંશોધનકારોએ આ ઉનાળામાં માણસો પર એક બીજી પ્રાયોગિક રસીની ચકાસણી કરવાની યોજના બનાવી છે, જે થોડું અલગ રીતે કામ કરે છે.