યુકેમાં કોરોનાવાયરસના વળતા પાણી થતા હોય તેમ છેલ્લા 24 કલાકમાં યુકેમાં કુલ 674 લોકોના મોતની જાહેરાત કરવામાં આવી હતી. તે સાથે યુકેમાં કોવિડ-19ના કારણે મોતેન ભેટેલા લોકોની સંખ્યા 26,711 ઉપર ગઈ છે. એનએચએસ ઇંગ્લેન્ડે 391 લોકોના મોત થયા હોવાનુ જાહેર કર્યુ હતુ જેમાં સૌથી નાની વયની વ્યક્તિ 15 વર્ષની હતી. જ્યારે સ્કોટલેન્ડમાં 60 અને વેલ્સમાં 22 લોકોના મૃત્યુ નોંધાયા હતા. યુકેની હૉસ્પિટલોમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા ઘટતી જાય છે ત્યારે સરકાર બ્રિટનના હાલના લોકડાઉનને હળવુ કરવાની યોજના ધરાવે છે અને તેને જલદી જાહેર કરવા દબાણ હેઠળ આવી રહ્યું છે.

ગઈકાલે કોરોનાવાયરસના કારણે મોતને ભેટેલા વધુ 3,811 બેકડેટેડ મોતનો આંક ઉમેરવામાં આવ્યો હતો. નવા આંક મુજબ બ્રિટન, વૈશ્વિક કોવિડ-19 મૃત્યુદરના કોષ્ટકમાં ત્રીજા ક્રમે પહોંચ્યું છે અને તેનો અર્થ એ છે કે એપ્રિલમાં બ્રિટનમાં દૈનિક મૃત્યુની સંખ્યા નવ વખત હજાર જેટલી થઇ હતી. પરંતુ ટોચનાં આંકડાશાસ્ત્રીઓએ દલીલ કરી હતી કે આ ગણતરી હજી પણ ઘણી ટૂંકી છે. કારણ કે બ્રિટનમાં જેમને કોરોનાવાયરસ પોઝીટીવ હતો તેમના જ મોતને ગણવામાં આવ્યા હતા. એક અગ્રણી નિષ્ણાતે દાવો કર્યો હતો કે મોતની સાચી સંખ્યા 30,000થી વધુ હશે.

એનએચએસ ઇંગ્લેન્ડે તા. 30ના રોજ જાહેર કર્યું છે કે ઇંગ્લેન્ડની હોસ્પિટલોમાં મૃત્યુઆંકની કુલ સંખ્યા 20,137 પર પહોંચી ગઈ હતી. આરોગ્ય વિભાગના આંકડા દર્શાવે છે કે ઇંગ્લેન્ડની સાચી મૃત્યુની સંખ્યા 23,550 છે, જેનો અર્થ હોસ્પિટલોની બહાર ઓછામાં ઓછા 3,413 લોકોની જાનહાનિ થઇ છે. વેલ્સમાં આજે વધુ 22 લોકોનાં મોત નોંધાયા છે, જેમાં કુલ મૃત્યુની સંખ્યા 908 થઈ છે. સ્કોટલેન્ડમાં 60 લોકોના મોતની ઘોષણા કરવામાં આવી છે. જેની મૃત્યુની સંખ્યા હવે 1,475 થઇ છે.

સ્કોટિશ ફર્સ્ટ મિનીસેટર નિકોલા સ્ટુર્જને આજે એડિનબરામાં એક બ્રીફિંગમાં કહ્યું હતું કે તે માને છે કે ‘બહુ અર્થપૂર્ણ રીતે’ પ્રતિબંધો હટાવવા માટે આવતા અઠવાડિયે ઔપચારિક સમીક્ષા થાય ત્યારે તે ‘બહુ વહેલું’ હશે. લોકો પહેલાથી જ સામાજિક અંતરના નિયમોની અવહેલના કરી રહ્યા છે અને સ્કોટલેન્ડના કેટલાક ભાગોમાં ગત સપ્તાહે ટ્રાફિકમાં 10 ટકાનો વધારો થયો હતો.

  • બોરીસ જ્હોન્સને સંકેત આપ્યો છે કે લોકડાઉન જૂન મહિના સુધી રહેશે, કારણ કે તેઓ ‘એક્ઝિટ સ્ટ્રેટેજી’ માટે કેબિનેટમાં ચર્ચા કરે છે.
  • ટ્રાન્સપોર્ટ ફોર લંડન દ્વારા 7,000 કર્મચારીઓને ફર્લો કરવામાં આવ્યા છે ત્યારે લૉકડાઉન પગલાંને સરળ કરવામાં આવે તેવા સંજોગોમાં એક અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે લંડનનું ટ્રાન્સપોર્ટ નેટવર્ક લંગડુ થઇ શકે છે.
  • મિનીસ્ટર્સે સ્વીકાર્યું છે કે સરકાર દિવસના 100,000 ટેસ્ટ કરવાના મેટ હેન્કોકના લક્ષ્યાંકને ‘સંભવિત’ ચૂકી જશે. જે લક્ષની તારીખ 30 હતી.
  • એક મતદાનમાં 67 ટકા લોકો માને છે કે સરકારે લોકડાઉન લાદવામાં મોડુ કર્યું હતુ.
  • રાજકારણીઓ અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સાયન્ટીફીક એડવાઇઝરી ગૃપ ફોર ઇમર્જન્સીઝ પ્રભાવિત થયુ હોવાનો દાવો કરાતા નવા પ્રશ્નો ઉભા થયા છે.
  • એનએચએસ માટે વિક્રમરૂપ ભંડોળ ઉભું કરનાર હીરો ટોમ મૂરને કર્નલ તરીકે બઢતી આપવામાં આવી છે અને તેમનો 100 મો જન્મદિવસ આરએએફ ફ્લાયપેસ્ટથી સન્માનિત કરવામાં આવ્યો છે.
  • ટોચના સર્જનોએ ચેતવણી આપી છે કે જો આ તબક્કે બ્રિટનમાં કડક લોકડાઉન હટાવવામાં આવશે તો હજારો લોકો કોવિડ-19થી મૃત્યુ પામશે.