Represents image Getty Images)

ભારતીય ક્રિકેટમાં ફિક્સિંગ અને ભ્રષ્ટાચારના મૂળ બહુ ઊંડા હોવાનું આઈસીસી માને છે. ક્રિકેટની આ વિશ્વ સંસ્થા લગભગ 50 ફિક્સિંગના કેસોની તપાસ કરાવી રહ્યું છે, તેમાંથી મોટાભાગના કેસ કોઈક ને કોઈક રીતે ભારત સાથે સંકળાયેલા છે.તો ભારતીય ક્રિકેટ બોર્ડના એન્ટી કરપ્શન યુનિટના હેડ, અજિત સિંહનું કહેવું છે કે દર વર્ષે સટ્ટાબાજીથી 40 હજાર કરોડ રૂપિયાની ગેરકાયદે આવક થાય છે.

ICCના એન્ટી કરપ્શન યુનિટના એક અધિકારીએ સ્પોર્ટ્સ લો અને પોલિસી સંબંધિત વેબિનારમાં આ વાત કરી હતી.ICCના એન્ટી કરપ્શન યુનિટના અધિકારી સ્ટીવ રીચાર્ડસનના કહેવા મુજબ 2013ની IPLમાં સ્પોટ ફિક્સિંગનો ઘટસ્ફોટ થયો તે પછી એવું લાગતું હતું કે ભારતીય ક્રિકેટમાં ભ્રષ્ટાચાર ઓછો થશે. પરંતુ વાસ્તવિકતા તેનાથી સાવ જુદી જ છે.

રીચાર્ડસને કહ્યું હતું “ખેલાડીઓ ભ્રષ્ટાચારની આ સાંકળનો છેલ્લો ભાગ છે. જે લોકો આ કારોબાર ચલાવે છે તે મેદાનની બહાર બેસે છે. હું BCCI અને ભારતીય તપાસ એજન્સીઓને આવા 8 નામ આપી શકું છું, જે ખેલાડીઓને પૈસા આપીને ફસાવવા પ્રયાસ કરી રહ્યા છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, તપાસમાં હજી સુધી એકપણ હાઈપ્રોફાઈલ ભારતીય ક્રિકેટરનું નામ જાહેર થયું નથી.,ગયા વર્ષે કર્ણાટક પ્રીમિયર લીગ (KPL)માં, ઘણા લોકો પર ફિક્સિંગનો આરોપ મૂકાયો હતો, જેમાં ખેલાડીઓ તેમજ ટીમના માલિકોનો સમાવેશ હતો. અજિત સિંહે કહ્યું કે પોલીસે આ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે.

ફિક્સર્સ ઝડપથી પૈસા કમાવવા માટે ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, અધિકારીઓ અને ફ્રેન્ચાઇઝ માલિકોનો સંપર્ક કરે છે. દર વર્ષે સટ્ટાબાજીથી 30થી 40 હજાર કરોડ રૂપિયાની આવક થાય છે. રાજ્યની અનેક ક્રિકેટ લીગની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલીક મેચોમાં આ રકમ 19 કરોડ સુધીની હતી.ICCને લાગે છે કે કાયદામાં ફિક્સિંગ ગુનો જાહેર થાય ત્યારે જ ભારતમાં ક્રિકેટમાં ભ્રષ્ટાચાર રોકી શકાશે.

રીચાર્ડસનને કહ્યું કે, “શ્રીલંકા મેચ ફિક્સિંગ સામે કાયદો લાવનાર પ્રથમ દેશ રહ્યો છે, તેથી ક્રિકેટ ત્યાં સલામત છે.” તે જ સમયે, ઓસ્ટ્રેલિયામાં સ્થિતિ વધુ સારી છે. જોકે, ભારતમાં આવો કોઈ કાયદો નથી. ઓસ્ટ્રેલિયન કાયદા મુજબ ફિક્સિંગમાં સામેલ હોવાની શંકાના આધારે મોટી ટૂર્નામેન્ટ પહેલા કોઈને પણ તેના દેશમાં આવતા રોકી શકે છે.

2021માં ભારતમાં ટી-20 વર્લ્ડ કપ અને 2023 વન-ડે વર્લ્ડ કપ પણ થવાનો છે, એ સંજોગોમાં કાયદામાં ફેરફાર ગેમચેન્જર સાબિત થઈ શકે છે.સિંહે કહ્યું, પ્રિવેન્શન ઓફ સ્પોર્ટ્સ ફ્રોડ બિલ કાયદો બન્યો તો તેનાથી ભ્રષ્ટાચાર અને ફિક્સિંગ અટકાવવાનું શક્ય બની શકે.