Getty Images)

2011ના વર્લ્ડ કપ ક્રિકેટની ભારત અને શ્રીલંકાની વચ્ચેની ફાઈનલ ફિક્સ થઈ હોવાના શ્રીલંકાના ભૂતપૂર્વ રમતગમત પ્રધાન મહિદાનંદ અલુધગામગેએ આક્ષેપો કર્યા પછી એ વિષે તપાસનો શ્રીલંકા સરકારે આદેશ આપ્યો છે. હાલના રમત ગમત પ્રધાન ડલ્લાસ અલાહાપ્પેરુમાએ શુક્રવારે (19 જુન) તપાસનો આ આદેશ આપ્યો હતો. તપાસ સમિતિને બે સપ્તાહમાં સ્ટેટસ રીપોર્ટ આપવા કહેવાયું છે.

ભૂતપૂર્વ રમત ગમત પ્રધાને એવો આક્ષેપ કર્યો હતો કે શ્રીલંકાએ 2011 વર્લ્ડ કપની ફાઈનલ હારી જવાનો ભારતીય ટીમ સાથે સોદો કર્યો હતો. તેમના મતે ટૂર્નામેન્ટની ફાઇનલ ફિક્સ હતી.જો કે, ભૂતપૂર્વ ક્રિકેટર કુમાર સંગાકારા અને મહેલા જયાવર્ધનેએ મહિદાનંદાના આ આક્ષેપો ફગાવી દીધા હતા.

તે વખતના ટીમના કેપ્ટન કુમાર સાંગાકારાએ કહ્યું, ‘તેણે (મહિદાનંદા)એ ફિક્સિંગ અંગેના પોતાના પૂરાવા આઈસીસી અને તેના એન્ટી કરપ્શન યુનિટ સમક્ષ રજૂ કરવા જોઈએ. ફાઈનલ સદી કરનારા બેટ્સમેન મહેલા જયવર્દનેએ પણ ફિક્સિંગની વાતને બકવાસ ગણાવી છે. શ્રીલંકાની 1996ની વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન અર્જુન રણતુંગાએ પણ 2011 વર્લ્ડ કપ ફાઈનલ ફિક્સ હોવાના આરોપની તપાસની માંગણી કરી હતી.